15મી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી ભાષણની પ્રથા નહેરુની છે, એ તો બંધ કરો

Updated: Aug 15th, 2024


Google NewsGoogle News
15મી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી ભાષણની પ્રથા નહેરુની છે, એ તો બંધ કરો 1 - image


- અગડમ્ બગડમ્-બાબા આદમ

- લાલ કિલ્લો તો મોગલ બાદશાહ શાહજહાંએ બનાવેલો છે, છેલ્લાં દસ વર્ષમાં બનેલા બ્રિજ, હાઈવે કે એરપોર્ટ પરથી ભાષણ કેવું રહે?

'સર, દેશ પરિવર્તન માગે છે.'

'ખબરદાર... વિપક્ષની વાતોમાં આવતા નહીં. નીતિશ કુમાર કે ચન્દ્રાબાબુ આવતાં પચ્ચીસ વર્ષ સુધી આઘાપાછા થવાના નથી.'

'પચ્ચીસ વર્ષ? સર આપણે ત્યાં સરકારની મુદ્દત જ પાંચ વર્ષની હોય છે.'

'એ બધું કોંગ્રેસના જમાનામાં હતું. અમારી પાર્ટી તો એકવાર સરકાર બનાવે પછી ઓછામાં ઓછા પચાસ વર્ષનું ટાર્ગેટ લઈને જ ચાલે.'

'પણ, સર તમે કહો છો કે આવતાં પચ્ચીસ વર્ષ સુધી નીતિશ કે ચન્દ્રાબાબુ આઘાપાછા થવાના નથી મતલબ કે હજુ આવતી થોડીક ચૂંટણીઓમાં પણ 'અબ કી બાર' , '૪૦૦ કે પાર'વાળો મેળ પડવાનો નથી એવું લાગે છે?'

'બહુ સવાલો ન પૂછો. અમારી સરકારમાં સવાલો પૂછવાનો હક્ક અમે કોઈનેય નથી આપ્યો. ગમે તે થાય પણ એ એટિટયુડમાં તો પરિવર્તન નહીં જ આવે.'

'અરે હા, પરિવર્તન પરથી યાદ આવ્યું સર, હું મૂળ પરિવર્તનની જે વાત કરવા આવ્યો હતો એ એ છે કે આ પંદરમી ઓગસ્ટે ભાષણ કરવું એટલે કરવું જ એ પ્રથામાં પરિવર્તન આવી શકે?'

'હેં?આ રાષ્ટ્રીય તહેવાર છે, ધાર્મિક નહીં. આમાં મૌન વ્રત ન રાખવાનુ ં હોય.  ભાષણ હી હમારા શાસન હૈ. આ દેશની જનતા યુગો યુગોથી ભાષણની તરસી છે. ભાષણ  જ  આ દેશની તમામ સમસ્યાઓનો રામબાણ ઈલાજ છે એવું  અત્યારથી નહીં છેક નહેરુના જમાનાથી પુરવાર થતું આવ્યું છે. '

'સર..સર...નહેરુની જ વાત કરવી હતી. જુઓ, છેલ્લાં દસ  વર્ષમાં આપણે પ્રજાને શિખવાડી દીધું છે કે આજે દેશની દસ હજાર સમસ્યાઓના મૂળમાં નહેરુ જ છે. મૂળ તો નહેરુએ કશું સારું  કર્યું જ નથી.  તો સર, નહેરુએ જ દર ૧૫મી ઓગસ્ટે  રાષ્ટ્રજોગ સંબોધનની પ્રથા ચાલુ કરી હતી તે આપણે કેમ ચાલુ રાખવી?'

' પણ નહેરુ બહુ જોરદાર ભાષણો માટે ક્યાં જાણીતા હતા? એ તો કવિતાઓ જ કરતા હતા.'

'સર, વાત નહેરુની જ નહીં , લાલ કિલ્લાની પણ છે. વિચારો.  આપણે જ પક્ષના આઈટી સેલ થકી મોગલ શાસકો માટે કેવા કેવા મેસેજીસ ફેરવ્યા છે. આપણે જો તાજમહેલને પણ વર્લ્ડ ટૂરિસ્ટ એટ્રેક્શન તરીકે બહુ ભાવ નહીં આપવાના મેસેજીસ વાયરલ કરાવતા હોઈએ તો  શાહજહાંએ જ બંધાવેલા લાલ કિલ્લાને શા માટે ઈમ્પોર્ટન્સ આપવું? એને બદલે છેલ્લાં દસ વર્ષમાં નવા બંધાયેલા બ્રિજ કે હાઈવે  કે એરપોર્ટ પરથી ભાષણ કેવું રહે?'

'જુઓ, લાલ કિલ્લો શાહજહાંના સમયનો છે ને એટલે મજબૂત છે. આપણે તો દસ વર્ષમાં બનાવેલા બ્રિજ માં ગમે ત્યારે તિરાડો પડે, એરપોર્ટમાં પાણી ગળે, હાઈવે પર ખાડા પડે છે. એમાં શું છે કે ચાલુ ભાષણે જ એવું બધું થાય તો પછી મજા ન રહે. સમજ્યા તમે? શું સમજ્યા?'

'એ જ કે  બાકી તો પ્રજા સમજદાર છે.'

આદમનું અડપલું

સ્વરાજને નેતાઓએ 'સ્વકેન્દ્રી' રાજમાં ફેરવી નાખ્યું છે


Google NewsGoogle News