ડિઝાસ્ટર મેનેજમેન્ટનું ખાનગીકરણ... વ્હોટ એન આઈડિયા, નેતાજી!

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News
ડિઝાસ્ટર મેનેજમેન્ટનું ખાનગીકરણ... વ્હોટ એન આઈડિયા, નેતાજી! 1 - image


- અગડમ્ બગડમ્-બાબા આદમ

- પછી તો ચારને અમારા થકી બચાવો તેની સામે એકનું રેસ્ક્યુ ફ્રી જેવી ઓફરો પણ આવશે

વડોદરામાં એક નેતાજીએ કહી દીધું કે બધું કાંઈ તંત્ર ન કરે. લોકોએ પણ જાતે રબર બોટ, તરાપા વગેરે વસાવી લેવું જોઈએ. વાસ્તવમાં આ પૂરમાં બચાવ, ફાયર ફાઇટિંગ જેવાં કોઈપણ ડિઝાસ્ટર મેનેજમેન્ટનું ખાનગીકરણ કરવાનો સોલિડ આઇડિયા છે . 

જુઓ, આપણે  સ્કૂૂલો, દવાખાનાં, એરપોર્ટ, વીજ કંપનીઓ   ચલાવવી કે રસ્તા બાંધવા જેવાં કેટલાંય ફાલતુ કામોમાંથી સરકારને નવરી કરી દીધી  છે, તો પછી ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં પણ ખાનગીકરણ થવા જ દો. 

સૌથી પહેલાં તો દરેક નાના ગામ ને મોટાં શહેરોમાં એરિયા વાઈઝ જ ફાયરબ્રિગેડના કોન્ટ્રાક્ટો આપી દો. આ નાની નાની કંપનીઓ વચ્ચે ભીષણ કોમ્પિટીશન થશે. ગ્રાહકોને આકર્ષવા તેઓ જાતભાતનાં પેકેજ ઓફર કરશે. આ ફાયર ફાઈટિંગ કંપનીઓના  સેલ્સમેનો બિલ્ડિંગોમાં જઈને કહેશે, જુઓ, તમારે ત્યાં આગ લાગે તો અમારી કંપનીને જ કોલ કરવાનો. અમે ચાર જણાને બહાર કાઢવાનાં બિલ પર એક જણનું રેસ્ક્યૂ ફ્રી આપીશું.

પછી તો એવો  સીન પણ જોવા મળશે કે એકાદ શોપિંગ સેન્ટરમાં કે હાઈરાઈઝમાં આગ લાગી હશે. તેની ટેરેસ પર લોકો બચાવો બચાવોની બૂમો પાડતા હશે. આજુ બાજુની બિલ્ડિંગોમાં  ચઢી ગયેલા પ્રાઈવેટ ફાયર કંપનીઓના સેલ્સમેનો  બૂમો પાડીને કહેશે, 'ચાલો, ઓલા યલો ડ્રેસવાળાની કંપની કરતાં સાત ટકા ડિસ્કાઉન્ટમાં ઓફર, અત્યારે જ હા પાડી દો એટલે અબઘડી દોરડું લંબાવંુ', ત્યાં પેલો યલો ડ્રેસવાળો બૂમો પાડીને કહેશે, 'જોજો, સસ્તાના ચક્કરમાં ન ફસાતા. એના કરતાં અમે ચાઈનાથી ઈમ્પોર્ટ કરેલાં  ં દોરડાની ક્વોલિટી લાખ દરજ્જે સારી છેે.' 

ખાનગીકરણ પછી કમસે કમ જનતાને  પૂરમાંથી બહાર કાઢવા  જાતભાતના કલર અને ડિઝાઈન્સની બોટ્સ વચ્ચે ચોઈસ તો મળશે. પિંકી કહેશે કે મારે ગ્રીન બોટમાં જવું છે ને ભઈલો બ્લૂ બોટમાં જવાની જીદ પકડશે. મમ્મી કહેશે કે પેલી મારી નેઈલ પોલિશ સાથે મેચ થાય છે એ મસ્ટર્ડ કલરની બોટમાં જઈએ,  પણ પપ્પા ગણતરી મારશે કે ે મારી ફ્લડ ઈન્શ્યોરન્સ કંપનીનું ટાઈઅપ કઈ રેસ્કયુ કંપની સાથે છે તે ચેક કરી લઉં તો કેશલેસમાં જ રેસ્ક્ય ુથઈ જાય. 

ગેમ ઝોનમાંની બહાર ફાયર રેસ્ક્યૂ કંપનીના ફરફરિયા પકડાવશે,  'અમારી ફાયર રેસ્ક્યૂ કંપનીનું સબસ્ક્રિપ્શન લઈ લો તો અંદર અડધો કલાક ગેમનું કૂપન છે.'   ફલેટ લેવા  જનારાને બિલ્ડરનો સેલ્સમેન  કહેશે  કે  'અમારે સાઈડમાં અર્થકવેક રેસ્કયુનો પણ બિઝનેસ છે, આજે ફલેટે બૂક કરાવતા હો તો તમને એક વર્ષ માટે અર્થક્વેક રેસ્ક્યુનો પ્લાન ફ્રીમાં આપી દઈએ. બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન તો મજબૂત જ છે પણ ભૂકંપનું તો શું છે કે તમે દસ્તાવેજ  કરો એની બીજી મિનિટે પણ આવી શકે છે.' 

પૂર કે આગ જેવી ઘટનામાં સરકારી તંત્રની લાપરવાહી  બાબતે નેતાઓ પાસે જવાબ પણ હાજરાહરુર હશે. ખાનગીકરણ થયા પછી  તેઓ છાને ખૂણે કહી શકશે, 'શું કરીએ?  આ ડિઝાસ્ટર મેનેજમેન્ટના કોન્ટ્રાક્ટ આપ્યા છે તે બધી ખાનગી  કંપનીઓ  અમારા ભાઈ-ભત્રીજા-જમાઈની જ છેને એટલે બેદરકારી તો રાખવી જ પડે તેમ છે.'

આદમનું અડપલું 

ડિઝાસ્ટર મેનેજમેન્ટ નહીં, ડિઝાસ્ટરમાં પણ થાય તેટલું મેનેજ કરી જાણે એ સાચો નેતા!


Google NewsGoogle News