એક વર્ષ ચૂંટણી, પછી ચાર વર્ષ ભાષણની કબજિયાત
- અગડમ્ બગડમ્ - બાબા આદમ
- એક્ઝિટ પોલવાળાની માંગઃ મતદાન અને મતગણતરી વચ્ચે એક મહિનાનો ગેપ રાખો
દેશમાં વન-નેશન-વન-ઇલેક્શન આવી ગયા પછીના સિનારિયોની કલ્પના કરવા જેવી છેઃ
એક નેતા ઊંઘમાં બબડતા હશે, 'સ્પીકર મહોદય, મારા વોર્ડમાં બાંકડા નથી, સ્ટ્રીટ લાઈટનાં ઠેકાણાં નથી. પાછલી સામાન્ય સભામાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને શેરીઓમાં લાદી પાથરવાની ખાતરી આપી હતી, પરંતુ હજુ ઓર્ડરો નીકળ્યા નથી. મારે પીએમને કહેવું છે કે આ મુદ્દો આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવવામાં આવે.'
નેતાજીનાં પત્ની તેમને જગાડીને પૂછશે, 'આ બધા શું લવારા માંડયા છે? સ્પીકર અને શેરીઓમાં લાદી પાથરવાને શું લેવાદેવા છે? સ્ટ્રીટલાઈટનો મુદ્દો આંતરરાષ્ટ્રીય મંચ પર કેમ જવાનો છે?'
નેતાજી કહેશે, 'સોરી સોરી સોરી... આ સંસદને ધારાસભા ને મ્યુનિસિપાલિટીનું ઈલેક્શન સાથે સાથે આવ્યું એમાં મારાથી મુદ્દાઓની ભેળસેળ થઈ ગઈ. સોરી.'
ક્યાંક રસ્તા પર બે કાર્યકરો વચ્ચે મારામારી થતી હશે. 'ડફોળ, તેં મારી પાસે લોકસભા અને વિધાનસભા બે ઉમેદવારના પ્રચારનાં પેમ્ફલેટ વહેચાવડાવ્યાં અને હવે પેેમેન્ટ એકનું જ આવ્યું છે એમ કહે છે? નક્કી તું બીજી ચૂંટણીના પૈસા ખાઈ ગયો છો.'
પેલો કહેતો હશે, 'ભલામાણસ,તું બરાબર ચેક કરે. બેય ચૂંટણીમાં ઉમેદવાર એક જ છે. લાગે તો તીર નહીં તો તુક્કો એમ કરીને તેણે લોકસભા-વિધાનસભા બેયમાં ઝંપલાવ્યું છે.'
કોઈ નેતા વિલું મોઢું લઈને કોઈ વૈદ પાસે પહોંચ્યા હશે. 'વૈદજી, મને વિપક્ષી નેતાની જીભ જેવી કડવી વખ જેવી ફાકી આપો. મગજમાં ભાષણની કબજિયાત થઈ ગઈ છે.'
વૈદ થોથાં ઉથલાવીને કહેશે, 'મિત્ર, આવી કોઈ કબજિયાત વિશે આયુર્વેદના પાંચ હજાર જૂના ગ્રંથોમાં કોઈ ઉલ્લેખ જ નથી.'
નેતાજી ભારે અવાજે કહેશે, 'એ તો પાંચ હજાર વર્ષ પહેલાં વન-નેશન-વન-ઇલેક્શન પણ ક્યાં હતું? હમણાં સુધી અમારે સારું હતું. દર બે વર્ષે કોઈને કોઈ ચૂંટણી આવ્યા કરે ને અમે ભાષણો ઠપકારીને અમારા મગજની બધી બનાવટો કે ઝેર ઓકી નાખતા હતા. હવે આ પાંચ વર્ષે એક જ વાર બધી ચૂંટણી સામટી કરી દેવાની સિસ્ટમ ચાલુ થઈ ગઈ છે એમાં અમારે તો મગજમાં બધું ભરાવા માંડે છે. આ કબજિયાત ખાલી કરી આપો, ભાઈસાબ... મારો કેસ સોલ્વ કરશો તો મારા જેવા બીજા ૫૦ દર્દી નેતાના રેફરન્સ આપીશ.'
ચવાણાનો વેપારી પાર્ટી પ્રતિનિધિને કહેતો હશે, 'હવેથી ચવાણાનાં પેકેટના ૨૦૦ રુપિયા લાગશે.પહેલાં તમે દર બે વર્ષે લોકસભા, પછી વિધાનસભા પછી મ્યુનિસિપાલિટી, પંચાયત એમ ઓર્ડરો આપતા હતા. હવે પાંચ વર્ષે એક જ વાર ઓર્ડર આપવાના છો. તો અમારે પણ પછી પાંચ ગણો નહીં તો કમસે કમ ચાર ગણો ભાવ તો લેવો પડેને!'
આ બધા વચ્ચે એક્ઝિટ પોલવાળા જ ચૂંટણી પંચને અરજી કરશે,'મતદાન અને મતગણતરી વચ્ચે એક મહિનાનો ગેપ રાખો. અમારે લોકસભા, વિધાનસભા ને મ્યુનિસિપલ કોર્પોરેશનો બધાના એક્ઝિટ પોલમાં બે દિવસમાં નહીં પહોંચી વળાય.'
આદમનું અડપલું
ભદ્રંભદ્રનો આદેશઃ વન-નેશન-વન-ઇલેક્શન નહીં, અખિલ ભારતીય જનપ્રતિનિધિ પસંદગી પંચવર્ષીય યોજના બોલો...