Get The App

શેરબજારવાળા સૌ ટ્રમ્પને કહો, બી માય વેલેન્ટાઈન

Updated: Feb 13th, 2025


Google NewsGoogle News
શેરબજારવાળા સૌ ટ્રમ્પને કહો, બી માય વેલેન્ટાઈન 1 - image


- અગડમ્ બગડમ્-બાબા આદમ

- ગંદી ટિપ્પણીઓ કરવાની બાબતમાં આપણા નેતાઓ અને કોમેડિયનો એકબીજાને બી માય વેલેન્ટાઈન કહી શકે તેમ છે

આજકાલ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે એવા કેટલાક વિશ્વ લવ-ગુરૂઓની જરુર છે જેઓ અમુક લોકોને તમુક લોકોને 'બી માય વેલેન્ટાઈન' કહેડાવી શકે. 

'દામિની' પિક્ચરમાં સની દેઓલ 'તારીખ પે તારીખ' બરાડતો હતો તેમ આજકાલ ભારતના શેરબજારિયાઓ ડોનાલ્ડ ટ્રમ્પ માટે 'ટેરીફ પે ટેરીફ, ટેરીફ પે ટેરીફ' એમ બરાડતા રહીને બજારને ગબડતું જોઈને રડી રહ્યા છે. વાસ્તવમાં આ શેરબજારીઓએ તાબડતોબ ટ્રમ્પને 'બી માય વેલેન્ટાઈન'ની પ્રપોઝ મારવા જેવી છે. જોકે,  આ લાઈનમાં અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસતા ભારતીયોએ હાલ જોડાવા જેવું નથી. ક્યાંક એ બહાને એ લોકો ટ્રમ્પની આંખે આવી જશે તા ટ્રમ્પ તેમને તમારા દેશમાં જઈને મને મેસેજ મોકલો એમ કહી વધુ એક પ્લેનમાં તેમને પેક કરીને મોકલી દેશે. 

ખેર, આપણા નેતાઓ તો જોકે, ટ્રમ્પ આપણને હાથકડી બાંધે કે પગે બેડી બાંધે તો પણ એકતરફી 'બી માય વેલેન્ટાઈન' કહેવા જે રીતે આતુર થાય છે તે જોઈને તો હિંદી ફિલ્મોની વન સાઈડેડ સ્ટોરી લખનારા રાઈટરો પણ તેમની પેનની ટાંકણીમાં શાહી ભરીને તેમાં જ ડૂબી મરે. 

આજકાલ કેટલાક કોમેડિયનો માટે વિકૃત ટિપ્પણી કરવા જતાં ટ્રેજેડીના સંજોગો ઊભા થઈ ગયા છે, પરંતુ સાચેસાચ લોકોની લાગણીઓ દુભાય તેવી ટિપ્પણીઓ કરવાની બાબતમાં તો આપણા નેતાઓ એવા પાવરધા છે કે આ કોમેડિયનો પણ શરમના માર્યા અધમુવા થઈ જાય. જોકે, ખરેખર વિકૃત માનસિકતા છતી કરતી ટિપ્પણીઓ કરવી અને છતાં પણ લોકરોષથી કેવી રીતે બચતા રહેવું તે શીખવા માટે આ કોમેડિયનો નેતાઓને 'બી માય વેલેન્ટાઈન' કહી શકે છે. 

નેતાઓને જોકે, ચૂંટણી પહેલાં એકબીજા સાથે ઝઘડતા હોય પરંતુ ચૂંટણી પછી વિપક્ષના ચૂંટાયેલા ધારાસભ્યો તરત આખા જમાનાની શરમ છોડીને શાસક પક્ષને 'બી માય વેલેન્ટાઈન' કહીને એમની સાથે બેસી જાય છે. 

ગુજરાતમાં એકલદોકલ ઓર્થોપેડિક ડોક્ટર નગરપાલિકાના રોડ વિભાગના અધિકારીઓને 'બી માય વેલેન્ટાઈન' કહી આવે તે જમાનો જૂનો થઈ ગયો. હવે તો આખીને આખી હોસ્પિટલો પ્રધાનમંત્રી આયુષમાન યોજનાના અધિકારીઓને સાગમટે 'બી માય વેલેન્ટાઈન' કહે તેવો જમાનો છે. 

આદમનું અડપલું  

ઓટીટી વેબ સીરિઝના જમાનામાં કોઈ 'બી માય વેલેન્ટાઈન' કહે તો પૂછી લેવું, હું તમારી સીઝન-ટુ છું કે સીઝન-થ્રી? 


Google NewsGoogle News