એક ડ્રીમ ડ્રામા: વડાપ્રધાનના હોદ્દાનું નામ બદલીને ઈશ્વર રાખી દો

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
એક ડ્રીમ ડ્રામા: વડાપ્રધાનના હોદ્દાનું નામ બદલીને  ઈશ્વર રાખી દો 1 - image


- અગડમ્ બગડમ્-બાબા આદમ

- ભક્તો તો મોજૂદ છે જ, ભક્તિમાં કોઈ કસર બાકી નહીં રહે

કોઈ એક દેશમાં તખ્તાનો પડદો ઊંચકાયો. સાવ ડિમલાઈટમા એક જૈફ પ્રગટ થયા, જાણે કોઈ પુરાણ વાંચતા હોય તેમ કથન કર્યું, 'કોઈ પોતે ભગવાન બની ગયા છે તેવું જાતે જ નક્કી ન કરી લે.'

કોઈનેય   નડાય નહીં તેવી ચોકસાઈ સાથે એક વયસ્ક ત્યાં ધસી આવ્યા. 'ઉહું... સંઘે શક્તિ કલૌયુગ એ સૂત્ર તો કળિયુગનું છે.  કળિયુગમાં સંઘનો ખપ હતો. હવે શરુ થયેલા અમૃતકાળમાં તો અમે  આત્મનિર્ભર થઈ ગયા છીએ.' 

તખ્તાની ઉત્તર દિશાએથી બુલડોઝર સ્ટાઈલના રથ પર  મનમૌજીની એન્ટ્રી પડી. 'આટલી અમથી વાતમાં હિમ જેવા ટાઢા નપડો.  લાખ દુઃખોની એક દવા છે - નામ બદલો. આપણે કામની રીતે તો ખાસ કશું બદલવાના નથી એટલે શહેર, ઈમારતો, યોજનાઓ, ટ્રેનોનું બધાનાં નામ બદલો.'

વયસ્ક ટાલ ખંજવાળતાં કહે, 'પણ આ જૈફના સંગઠનનું નામ હજુ   આપણને ઘણી ચૂંટણીમાં કામ આવવાનું છે.' મનમૌજીનાથ કહે, 'સંગઠનની ચિંતા છોડો.  આપણા આરાધ્યનું નામ બદલો. પછી કોઈ સવાલ કે સલાહ નહીં આપે.'

વયસ્કે મોટા અવાજ ે લલકાર્યું, 'હરિ તારાં નામ છે હજાર, કયાં નામે લખવી કંકોતરી.' મનમૌજી કહે, 'ઉપરવાળા ઈશ્વરનું  નહીં, આપણા હાઈકમાન્ડ આરાધ્યનું  નામ બદલવાનું ં છે. જુઓને, આ વડાપ્રધાન નામ  સાવ શુષ્ક  લાગે છે. એને બદલે એ હોદ્દાનું નામ જ ઈશ્વર રાખી દઈએ. ભક્તોની હવે ક્ષીણ થઈ રહેલી છતાં પણ ઘણી મોટી ફોજ મોજૂદ છે. ભક્તિમાં કોઈ કસર નહીં રહે.'

જનપ્રતિનિધિનું લેબલ લગાડેલા પણ હાવભાવ પરથી એકસ્ટ્રા કલાકાર જ લાગતાં વધુ કેટલાંક પાત્રો તખ્તા પર પ્રગટયાં. 'સાવ સાચું. આપણે આખેઆખું બંધારણ બદલવાના પ્રયાસોમાં છીએ  તો એક સુધારો વધારે. વડાપ્રધાનના હોદ્દાનું નામ ઈશ્વર રાખી જ દો.  વિરોધીઓને તો અસૂર જાહેર કરી જ દઈશું. અમને તો ભક્ત નો દરજ્જો મળે એટલે અમારો અવતાર સફળ.' 

ત્યાં તો છેક બેક સ્ટેજમાંથી એક મુફલિસ જેવો જણ અચાનક તખ્તાની વચ્ચે ઘૂસ્યો. ' એમ કરો લોકશાહીનું પણ નામ બદલીને સ્વર્ગલોક-શાહી કરી નાખો. સ્વર્ગમાં પાપ હોતું નથી. એટલે અમારે પણ તમને  લોકોને ક્યારેક મરજી-નામરજીથી તો ક્યારેક મજબૂરીમાં તમ લોકોને દર પાંચ વર્ષે મત આપવાનું પાપ  કરવું જ ન પડે.'

તખ્તો  અચાનક  ઝળાંહળાં થયો. અંધકાર ગાયબ થતાં ઉઘાડા પડી જવાના ડરે ભક્તો પડદો પાડવા દોડયા. વયસ્કે બૂમ પાડી,'લ્યા ,એ પડદો નહીં, આ મુફલિસની આંખનો પડદો ઉઘડી રહ્યો છે તે પડાવો. જલ્દી...'

આદમનું અડપલું 

જૂની કહેવતઃ એકને ગોળ બીજાને ખોળ.

નવી  કહેવત:  રાજકારણમાં ભક્તો માટે એક જ  ગોડ ને બાકી બધામાં ખોડ!


Google NewsGoogle News