લોકશાહીના ઉદ્ધાર માટે કુંભકર્ણ સ્લીપિંગ કોચિંગ સેન્ટર શરૂ કરો
- અગડમ્ બગડમ્ - બાબા આદમ
- દરેક માણસમાં એક રાવણ વસેલો હોય કે ન હોય, પરંતુ એક કુંભકર્ણ સો ટકા સૂતેલો હોય છે
કુંભકર્ણે જે કોઈ બે-ચાર રાક્ષસી કૃત્યો કર્યાં હશે તે જાગૃત અવસ્થામાં જ કર્યાં હશે. બાકી તે નિંદ્રાધીન રહ્યો હોત તો તેના નામે કોઈ પાપ ઉઘરાવવાનું નહોતું. એમ તો રામ-રાવણના યુદ્ધ વખતે રાવણે જો કુંભકર્ણને પરાણે ઊંઘમાંથી ઉઠાડીને આંખો ચોળતો ચોળતો યુદ્ધમાં ન મોકલ્યો હોત તો શક્ય છે કે તે હણાયો પણ ન હોત અને પછીની અનુગામી વિભિષણ સરકારમાં તેને ફરી નિંદ્રાસનની પ્રાપ્તિ થઈ હોત.
આપણે દર દિવાળીએ આવતા સેલને ધ્યાનમાં રાખીને દશેરાએ પણ 'એક કા તીન'ની સ્કિમમાં રાવણ ભેગા મેઘનાદ અને કુંભકર્ણને પણ સળગાવી મારીએ છીએ. જોકે, યુગો યુગોથી કહેવાતું રહ્યું છે કે દરેક માણસના મનમાં છાના ખૂણે ક્યાંક રાવણ અચૂક વસતો હોય છે. એ વાત સાચી હોય કે ન હોય, પરંતુ એ તો સો ટકા સાચું છે કે દરેક માણસના મન, મગજ અને આંખોમાં કુંભકર્ણ તો સૂતેલી હાલતમાં હોય છે જ છે.
આમ છતાં પણ આપણે કુંભકર્ણને બહુ અન્યાય કર્યો છે. રામાયણમાં છેલ્લે છેલ્લે લક્ષ્મણને છેલ્લા શ્વાસ લેતા રાવણ પાસેથી રાજકાજના પાઠ શીખી લેવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ આ રીતે છેલ્લા શ્વાસ લેતા કુંભકર્ણ પાસેથી કોઈને ઝડપભેર અને ઝાઝું બધું ઊંઘી જવાના પાઠ શીખવાનું કોઈનેય સૂઝ્યું નહીં તેમાં આજે દુનિયાભરમાં ઊંઘની ગોળીઓનો કરોડોનો વેપલો થાય છે.
વાસ્તવમાં હવે આપણે કુંભકર્ણ સ્લીપિંગ કોચિંગ સેન્ટરો તાબડતોબ શરૂ કરી દેવાની જરૂર છે. આ સ્લીપિંગ સેન્ટરોમાં લંકાનું દહન થઈ રહ્યું હતું ત્યારે પણ કુંભકર્ણ ઘોરતો હતો તેમ દેશની ગમે તેવી કારમી સ્થિતિમાં પણ કેવી રીતે નિંદ્રાધીન રહેવું તેની લોકોને તાલીમ આપી શકાશે. દેશમાં ૧૮-૧૮ કલાક સુધી જાગીને કામ કરતા નેતાઓ ભલે રાજ કરે, પરંતુ આમ આદમી તો ૨૩ કલાક ને ૫૯ મિનીટ ઊંઘતો રહે તેમાં જ લોકશાહીનો જયવારો છે. નાગરિકો બહુ જાગૃત રહે એ લોકશાહીના હિતમાં નથી એ વાત તો આપણા નેતાઓ પણ જાણે છે. આમ આદમી જેટલું વધારે ઊંઘશે તેટલા તેને ભ્રષ્ટાચારના પાપે તૂટી પડતા બ્રિજ કે નવા રસ્તાઓ પર પડી જતા ખાડા ,નકલી ઘી, બનાવટી દૂધ, ઝેરી શાકભાજી, મોંઘું શિક્ષણ, પાર્ટી બદલતા નેતાઓ,વીજળીના ફાસ્ટ ભાગતાં સ્માર્ટ મીટરો, ઘરમાં ગમે ત્યારે ઘૂસી જતાં નદીનાં પાણી વગેરે બધી ચિંતાઓ સતાવશે જ નહીં.
કુંભકર્ણ સ્લીપિંગ કોચિંગ સેન્ટરો ચલાવવા આપણે કોઈ નવી ભરતી કરવાની જરૂર નથી. ટયૂટર તરીકે માનદ સેવા આપી શકે તેવા સરકારી તંત્રના મોટા મોટા અધિકારીઓનો વિશાળ કાફલો આપણી પાસે મોજુદ જ છે.