Get The App

કંગના, બાબા રામરહીમ અને શિંદે વચ્ચે રાજી થવાની હોડ

Updated: Oct 10th, 2024


Google NewsGoogle News
કંગના, બાબા રામરહીમ અને શિંદે વચ્ચે રાજી થવાની હોડ 1 - image


- અગડમ્ બગડમ્-બાબા આદમ

- હરિયાણાના ચૂંટણી પરિણામોથી સૌથી વધુ રાજી કોણ તેની ભાજપમાં શોધખોળ 

ભાજપમાં ઓર્ડર બહાર પડયોઃ 'હરિયાણાની વિધાનસભા ચૂંટણીમાં આપણી જીતથી કોણ સૌથી વધારે ખુશ થયું છે તેની તપાસ કરો.'

કાર્યાલયમાં એક જુનિયર નેતા કહે, 'સાહેબ, આમાં તપાસ કરવાની ક્યાં જરુર છે? આપણી જીતથી ૧૩૫ કરોડ દેશવાસીઓ ખુશ છે. ટ્રમ્પ, પુટિન, નેતાન્યહુ પણ રાજી રાજી છે. સમસ્ત બ્રહ્માંડ આપણી આ જીતનો અપૂર્વ ઉલ્લાસ મનાવી રહ્યુ ંછે.'

બોસ કહે, 'ભાઈ, રહેવા દો. આવીને આવી ઓવર એક્ટિંગમાં જ આપણે ૪૦૦ પારમાંથી ૨૪૦ પર આવી ગયા.  થોડુંક વાજબી રાખો.'

ત્યાં તો બાબા રામરહીમનો એક અનુયાયી આવ્યો. 'જુઓ, અમારા બાબા હરિયાણાનાં પરિણામોથી સૌથી વધારે ખુશ છે. હવે તેમણે વારંવાર પેરોલ માટે અરજી નહીં કરવી પડે. હરિયાણાન જીતની ખુશાલીમાં સરકાર તેમને કાયમી મુક્તિ આપી  કૃતજ્ઞાતા દાખવે.'

એટલામાં મહારાષ્ટ્રના ભાજપના એક નેતાની એન્ટ્રી પડી. 'બોસ, હાલના રાજકીય સંજોગોમાં  સત્તા જઉં જઉં કરતાં ટકી ગઈ તેવી સ્થિતિ હરિયાણામાં થઈ અને તેથી મહારાષ્ટ્રમાં પણ તેનું પુનરાવર્તન થશે તેવી આશાએ અમારા સીએમ એકનાથ શિંદે આખા દેશમાં સૌથી વધુ ખુશ છે.'

મોટા નેતા કહે, 'મહારાષ્ટ્રમાં શિંદે ખુશ છે તો આપણા ભાજપના નેતાઓનું કેવુંક છે?'

'શિંદે બહુ ખુશ છે એ વાતે આપણા ભાજપના નેતાઓ નાખુશ છે,' આવું કહી મહારાષ્ટ્રના નેતા રવાના થઈ ગયા. 

ત્યાં તો કંગનાએ કોઈ ફિલ્મી સેટ પર આવતી હોય તેવી શાનો શૌકત સાથે એન્ટ્રી પાડી. 'હુઝુર, હરિયાણાનાં પરિણામોથી સૌથી વધુ ખુશ તો હું છું.  જો  હરિયાણામાં આપણી પાર્ટી માટે કંઈ ખાટુંમોળું થયું હોત તો સૌથી વધુ ઠપકો મને જ મળવાનો હતો કે મારાં આડાંઅવળાં  નિવેદનોના કારણે પાર્ટી હારી છે,પરંતુ હવે તો આપણે જીતી ગયાં છીએ. તો હવે તો હું મનફાવે તેમ બોલી શકું ને?'

પાર્ટી નેતા કંઈ જવાબ ન આપી શક્યા. 

ત્યાં ભારે અદબ સાથે અને એકદમ કહ્યાગરા કંથ જેવી વિન્રમતાથી ઈડીના એક  અધિકારી દાખલ થયા. 'સર, આપની તહેનાતમાં એક રજૂઆત છે.તમારા હુકમના તાબેદારની રજૂઆત એટલી જ છે  કે હરિયાણા પરિણામથી સૌથી વધારે ખુશ તો અમે ઈડીના અધિકારીઓ છીએ. જો વિપક્ષનો વિજય થયો હોત તો અમારે એક રાજ્યનું એટલું કામ વધ્યું હોત ને સર. આ તો અમારે  એટલીસ્ટ આ એક રાજ્ય પૂરતી નિરાંત થઈ ગઈ એટલે અમે બહુ ખુશ છીએ સર...'

આ વખતે  મોટા નેતા જ કક્ષમાંથી રવાના થઈ ગયા. 

આદમનું અડપલું 

વર્ષોવર્ષ દરેક ચૂંટણીમાં કોઈ મુદ્દા ચાલે કે ન ચાલે, પ્રચાર જામે કે ન જામે, મતદાન ઓછું થાય કે વધારે પણ એક વાત તો દર વખતે નક્કી હોય છે કે એક્ઝિટ પોલ્સ તો ખોટા પડશે જ. ગજબનું સાતત્ય છે!


Google NewsGoogle News