જન જનનું વજન પડે તે સાચી જનતાંત્રિક લોકશાહી

Updated: Aug 10th, 2024


Google NewsGoogle News
જન જનનું વજન પડે તે સાચી જનતાંત્રિક લોકશાહી 1 - image


- અગડમ્ બગડમ્-બાબા આદમ

- રેલવે અને ફલાઈટમાં વજન પ્રમાણે ટિકિટ રાખો, દેશ માટે ઓછા ભારરુપ નાગરિકોને ટેક્સમાં છૂટ આપો

જે દેશમાં દરેક ગલી અને ખૂણેખાંચરે તથા દરેક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ અને યુટયુબ વીડિયોમાં વેઈટલોસ એક્સપર્ટો ઊભરાય છે તે જ દેશનો ગોલ્ડ મેડલ વેઈટ મુદ્દે લોસ્ટ થાય તે તો કેવી બલિહારી. આ દુઃખદ પ્રસંગે દેશને એટલું તો સમજાયું કે દરેકે માપમાં જ રહેવું જોઈએ, પછી એ  સ્પોર્ટમેનસ સ્પિરિટથી કુશ્તી લડનારાઓ હોય કે પછી તમામ જાતની ખેલદિલી બાજુ પર મૂકી ખુરશી માટે કુશ્તી લડનારાઓ. 

આ હિસાબે કોઈ એવું પણ સજેસ્ટ કરી શકે કે આપણે ત્યાં ચૂંટણીની  કુશ્તીમાં પણ ઉમેદવારો માટે વેઈટ પ્રમાણે કેટેગરી નક્કી કરવામાં આવે તો કેટલું સારું. જનતા કમસે કમ એટલું તો અગાઉથી જાણી શકશે કે  અમુક વજન ધરાવતા નેતા  તમુક માપમાં જ 'ખાશે'. 

ખાવાની વાત પરથી એવું યાદ આવ્યું કે  ં કેટલીક હાઈફાઈ હોટલો  મેનુંમાં કઈ  સબ્જીની ડિશ કેટલા ગ્રામની છે તેવો ઉલ્લેખ  કરે છે.  ઈતિહાસમાં આજ દિન સુધી ક્યારેય કોઈ ગ્રાહક ખિસ્સામાં વજન કાંટો લઈને ગયો હોવાનો દાખલો નથી. તેમ છતાં પણ મેનુમાં વાનગી સામે એ કેટલા વજનની છે તે લખવાનો શું હેતુ હશે? જમતી વખતે કોઈ એવું નક્કી કરીને થોડું આવે છે કે હું ૪૮.૭૫ ગ્રામ શાક અને ૩૬.૯૩ ગ્રામ ભાત ખાઈશ! 

પણ આ વજનદાર જમણવાર પરથી એવું પણ યાદ આવે છે કે  જે રીતે મોંઘવારી વધતી જાય છે એ જોતાં આવનારા દિવસોમાં દાળ-ચોખા પણ વજનને બદલે નંગ પ્રમાણે મળે તો  'ચાર દાણાના ચાર રુપિયા' એવાં પાટિયાં કદાચ ઝૂલતાં જોવા મળી શકે. 

વજન પ્રમાણે ભાવની વાત કરીએ તો   જેમ ફલાઈટમાં ટિકિટ દીઠ નક્કી વજનનો સામાન જ લઈ જવાય છે ે તેમ ટ્રેન કે વિમાનમાં ટિકિટના ભાવ પણ વજન પ્રમાણે રાખવા જોઈએ. જે લોકો દેશની ધરતી પર ઝાઝો બધો બોજ નથી વધારતા એવા હળવાફૂલ નાગરિકોને કરવેરામાં  પણ વજન પ્રમાણે છૂટછાટની કોઈ ફોમ્યુલા વિચારાય તો કેવું  સારું? બાકી જુઓ, જન જનનું વજન પડે તે જ  સાચી જનતાંત્રિક સરકાર એ વાત બાંગ્લાદેશવાળા ભૂલી ગયા તો કેવા હાલ થયા.

 જનતાંત્રિકની વાત પરથી ગાંધીજીને યાદ કરીએ તો  અમદાવાદમાં ગાંધી ગ્રામ નામનો  પણ એક વિસ્તાર છે. આમેય આપણે ગાંધીને જાતજાતના ત્રાજવે તોળી દીધા છે  તો આ ગ્રામ વધારે. જોકે એય સાચું છે કે આપણે ગાંધીન ેગમે તેટલા હળવાશથી લઈએ, પણ હજુય વિદેશમાં તો ભારત વતી એમનુંજ નામ સૌથી વજનદાર છે એવું આ ઓગસ્ટ મહિનામાં જ ખાસ યાદ આવે. 

વિદેશ ની વાતે યાદ રાખો, આપણે ત્યાં તો ગાળો પણ જોખી જોખીને આપવાની સંસ્કૃતિ છે. તો ફ્રાન્સના ઓલિમ્પિક્સવાળાઓને મણ મણની ચોપડાવવા માંડો, બીજું શું !

આદમનું અડપલું

ભારતવાસીઓને સૌથી વધુ જે કાંટો ભોંકાયો છે તે છે વજનકાંટો!


Google NewsGoogle News