સોસાયટી અને સરકાર બંને 'પેટ' ફ્રેન્ડલી જોઈએ
- અગડમ્ બગડમ્-બાબા આદમ
- કેટલીય રેસ્ટોરાં પાળીતા વાંદા અને ઉંદરો માટે પેટ-ફ્રેન્ડલી હોય છે
ચનુઃ આજકાલ મુંબઈ જેવા મોટા શહેરમાં પેટના ઝઘડા બહુ વધી ગયા છે.
છનુઃ હેં? મેં તો સાંભળ્યું છે કે મુંબઈમાં ઓટલાનો પ્રોબ્લેમ છે, રોટલો તો પ્રોબ્લેમ જ નથી.
ચનુઃ ભલા માણસ, પેટ એટલે હું કૂતરાં-બિલાડાં જેવાં પાલતુ પ્રાણીની વાત કરું છુું. સોસાયટીઓમાં પેટ રાખવા, તેમને ખવડાવવા, ફરાવવા અને તેમની બધી દૈનિક ક્રિયાઓ પતાવવા માટે એવા ઝઘડા થાય છે કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી કેસો થયા છે.
છનુઃ એમ? પેટ કરાવે વેઠ કહેવત સાંભળી હતી, પણ આ પેટ કરાવે કેસ એ નવું સાંભળ્યું.
ચનુઃજોકે, એ સારું છે કે હવે ઘણાં રેસ્ટોરાં પેટ-ફ્રેન્ડલી થવા માંડયાં છે.
છનુઃ એટલે રેસ્ટોરાંવાળાં હવે ગેરન્ટી આપવા માંડયા છે એમ કે અમારે ત્યાં ખાઈને તમારું પેટ નહીં બગડે?
ચનુઃ લ્યા, એમ નહીં. પેટ-ફ્રેન્ડલી રેસ્ટોરાં એટલે પાલતુ પ્રાણી સાથે પણ ત્યાં એન્ટ્રી મળે, એમ.
છનુઃવાહ, તો તો આ રેસ્ટોરાંમાં કૂતરાં-બિલાડાં માટે અલગ મેનુ હશે ને?કે પછી માણસમાંથી જ કૂતરાં-બિલાડાને બટકું વેરી દેવાનું.
ચનુઃ તું શાંતિ રાખ. એવો પણ જમાનો આવશે જ્યાં પેટ-એક્સક્લુઝિવ રેસ્ટોરાં હશે, ત્યાં માત્ર પેટ માટે જ વાનગીઓ સર્વ થશે, પરંતુ હા, પેટને સાથે લઈને આવનારા માલિકો ઈચ્છે તો પોતાનાં પેટ શું ખાઈ રહ્યાં છે એ ચાખી શકશે ખરા.
છનુઃ જવા દેને એ બધી વાત. આપણે ત્યાં તો કેટલાંય રેસ્ટોરાં આમેય પેટ-ફ્રેન્ડલી જ હોય છે. એ રેસ્ટોરાંવાળા વાંદા અને ઉંદરો પાળે છે. જ્યારે જુઓ ત્યારે એમનાં રસોડાંમાં આ પાલતુ વાંદા-ઉંદરો ફરતા જ દેખાય. એવી રેસ્ટોરાંમાં ખાઈને લોકો પછી માંદા પડે અને પછી ડોક્ટરોનું જ પેટ ભરાય.
ચનુઃ ે સોસાયટીઓ પેટ-ફ્રેન્ડલી હોય તો આધુનિક કહેવાય પણ ગમે તેવી આધુનિક સોસાયટી પોતાના મેમ્બરને ગાય કે ભેંસ જેવાં પેટ રાખવા દે ખરી?
છનુઃ મારા હિસાબે રાખવા તો દે, પણ એમાં શરત એ હોય કે ગાય-ભેંસને સોસાયટીના ગઝીબો કે ક્લબ હાઉસમાં નહીં, પણ તમારા ઘરની ગેલેરી કે ડ્રોઈંગ રુમમાં જ રાખવાના.
ચનુઃ એ હિસાબે આપણી મ્યુનિસિપાલિટીઓ ખરા અર્થમાં પેટ-ફ્રેન્ડલી છે. જો ને રસ્તા પર ગમે ત્યાં ગાયો બેઠી હોય, ભેંસો સામે શિંગડા ઉલાળતી આવતી હોય, કૂતરા ગમે ત્યાં ગમે તેની પાછળ પડી જતાં હોય, પણ મ્યુનિસિપાલિટીઓ આ સિટી પેટ્સને જરાય ડિસ્ટર્બ કરતી નથી.
છનુઃ મ્યુનિસિપાલિટીઓનું જવા દે. અ મોંઘવારી જોઈને એમ લાગે છે કે સરકારો પણ પેટ ફ્રેન્ડલી જોઈએ. માણસો પેટ ભરીને સરખું ખાઈ શકે તો પણ ભયો ભયો.
ચનુઃ નેતાઓ અને અધિકારીઓ પોતાના પેટ પૂરતા તો પેટ ફ્રેન્ડલી છે જ. એ લોકો એમના પેટને કેટલું વિશાળ રાખે છે. ગમે તેટલું ખાય તો પણ ધરાતા નથી...
આદમનું અડપલું
લોકશાહીમાં પ્રજાએ વોચડોગ બનવાનું હોય, પણ નેતાઓ ઈચ્છે છે કે પ્રજા પેટડોગ બનીને રહે.