મહારાષ્ટ્રમાં દિવાળી નહીં, ચૂંટણી પછી શરૂ થશે સ્નેહ મિલન
- અગડમ્ બગડમ્-બાબા આદમ
- મહારાષ્ટ્રના રાજકીય પ્રેમીઓ પ્રજાને જતાવશે કે આ જ અમારો અસલી, પહેલો અને છેલ્લો પ્રેમ છે
મહારાષ્ટ્રમાં ચૂંટણી જામી છે તે નિમિત્તે કેટલાક સમાચારોઃ
આપઘાતનો પ્રયાસ
મોસાદ અને કેજીબી અને સીઆઈએ ત્રણેય એજન્સીઓના કેટલાક એજન્ટો ગેટ વે ઓફ ઇન્ડિયાના દરિયામાં ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કરતાં ઝડપાયા છે. પૂછપરછ કરતાં ખબર પડી છે કે તેમને મહારાષ્ટ્રમાં આજની તારીખે કોણ કોની સાથે છે અને કોણ કોની સાથે હશે તે શોધી લાવવાનું કામ સોંપાયું હતું. તેમાં નિષ્ફળ જતાં લાગી આવવાથી તેમણે આ પગલું ભર્યું હતું.
બોલિવુડ લેખકોનું રાજીનામું
મહારાષ્ટ્રના નેતાઓ અટપટી, રહસ્યમય, માન્યામાં પણ ન આવે તેવી, અજબગજબના ટ્વિસ્ટ ધરાવતી અને હાસ્યથી માંડીને બિભત્સ સહિતના તમામ રસ પીરસતી સ્ક્રિપ્ટ લખી શકે છે તેવું લખી શકવાનું પોતાનું ગજું નથી તેવો ખ્યાલ આવી જતાં બોલિવુડના કેટલાક નામીચા લેખકોએ ફિલ્મ-વેબ સીરીઝ લખવામાંથી પોતાનું રાજીનામું આપી દીધું છે.
સૂરજની બત્તી ઓફ કરાશે
મહારાષ્ટ્રના એક નેતાએ કહ્યું હતું કે અમે સૂરજની બત્તી ઓફ કરવાનું વચન આપી શકીએ છીએ, પરંતુ ચૂંટણી પહેલાં અમે જે પક્ષમાં છીએ અને જે જોડાણની તરફેણમાં છીએ તે જ પક્ષમાં અને તે જ જોડાણની તરફેણમાં ચૂંટણી પછી ટકી રહીશું તેવું વચન અમે નહીં જ આપીએ.
નવી મનાઈ
મહારાષ્ટ્રમાં મતદારોને તેમણે આપેલો મત ક્યાં જઈને પહોંચશે તે પૂછવાની મનાઈ ફરમાવવામાં આવી છે. પંચે જણાવ્યું છે કે મતદારો બૂથમાં જઈને આપે ત્યાં સુધી મત કિંમતી અને પવિત્ર જ રહેશે, પણ પછી નેતાઓના હાથમાં જઈ ચડયા પછી આ જ મત ફલેક્સિબલ થઈ જાય તો તેમાં પંચની કોઈ જવાબદારી નથી. નદીનાં મૂળ અને ઋષિઓનાં કુળની જેમ મહારાષ્ટ્રમાં મતની ગતિ વિશે કશું પણ પૂછવાની મનાઈ છે.
સ્નેહમિલનોની તૈયારી
ગુજરાતના લોકો દિવાળી પછીના સ્નેહમિલનમાં બિઝી છે, પણ મહારાષ્ટ્રમાં મતદાન પૂરૃં થયા પછી અસલી સ્નેહમિલનો શરૂ થશે. સ્કૂલ કોલેજના રિયુનિયન કે જ્ઞાતિના મેળાવડામાં આધેડો અને પ્રૌઢાઓને તેમનો જૂનો પ્રેમ યાદ આવે એમ મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામો નેતાઓને પણ તેમનો જૂનો પ્રેમ યાદ આવશે. આમ તો પ્રેમી પંખીડાઓ એકબીજાને આ જ પ્રેમ પહેલો, છેલ્લો અને અસલી હોવાનું જતાવે છે. જોકે, મહારાષ્ટ્રના કેસમાં રાજકીય પ્રેમીઓ એકબીજાને નહીં, પણ પ્રજાને જતાવશે કે આ જ અમારો અસલી અને જેન્યુઈન , પહેલો અને છેલ્લો પ્રેમ છે અને આ પહેલાં જે કાંઈ હતું તે તો છિનાળું જ હતું.
આદમનું અડપલું
પરિવર્તન સંસારનો નિયમ હશે પણ મહારાષ્ટ્રના રાજકારણમાં તો એ કુટેવ છે!