ઓર્ગેનિક અને હાઈબ્રિડ, એમ બે ભાજપ પ્રમુખ રાખો
- અગડમ્ બગડમ્-બાબા આદમ
- પાર્ટીમાં વારંવાર ફિલ્મ શો યોજવા પડે છે એટલે થિયેટર મેનેજર તરીકેનો અનુભવ હોય તેને પ્રાધાન્ય આપો
એક જગ્યાએ ટોળેટોળાં જામ્યાં હતાં.
રસ્તે જતા રાહદારીએ પૂછ્યું, 'લ્યા, આ બધી શેની ભીડ છે? ઉત્તરાયણ નિમિત્તે બધાને મફત પતંગ દોરા આપે છે કે શું?'
લાઈનમાં ઊભો રહેલો એક જણ કહે, 'આમ તો આખી વાત પેચની અને કોઈનો પતંગ ચગાવવાની અને કોઈનો કાપવાની જ છે. આ તો ભાજપ પ્રમુખ બનવા માટે ફોર્મ મગાવ્યાં છે તે આપવા બધાની લાઈનો લાગી છે.'
રાહદારી આંચકો ખાઈ ગયો. 'ઓહો, તમે વિપક્ષ જેવું કાંઈ રહેવા ન દીધું એટલે પછી આમ અંદરોઅંદર કાપાકાપી કરવી પડે, ઠીક ત્યારે.'
રાહદારી રવાના થયો કે તરત જ દાવેદારોએ સામસામે લંગસિયા લડાવવા માંડયા.'લ્યા, મારું પત્તું તો કોઈ કાપી નહીં શકે. મને તો થિયેટરના મેનેજરનો અનુભવ છે.'
બીજો દાવેદાર કહે, 'કબૂલ કે આપણે ત્યાં પણ બહુ બધી એક્ટિંગ કરવાની હોય છે પરંતુ તો પણ આપણે ત્યાં પાર્ટી ચલાવવાની છે, થિયેટર નહીં.'
પેલો દાવેદાર કહે, 'ભલા માણસ, ત્યારે તને ખબર જ નથી. અત્યારે તો ભાજપના શહેર-જિલ્લા પ્રમુખોએ દર થોડા મહિને કાર્યકરો માટે કોઈને કોઈ ફિલ્મ શો એરેન્જ કર્યા કરવા પડતા હોય છે એટલે આ અનુભવ બરાબર કામ લાગશે.'
ત્યાં ત્રીજા દાવેદાર મેદાનમાં આવ્યા. 'હું તો પૂર્વાશ્રમમાં સાધુ હતો. હવે પાર્ટીમાં ં પ્રમુખ બનવા આવ્યો છું. મને ભક્તોની ફોજ વધારવાનો બહુ સારો અનુભવ છે. એટલે પાર્ટી મને જ પસંદ કરશે. હવે તો પાર્ટીને સજેસ્ટ કરીશ કે હોદ્દાનું નામ શહેર ભાજપ પ્રમુખ રાખવાને બદલે શહેર ભક્ત પ્રમુખ રાખે.'
ચોથા દાવેદાર બોલ્યા, 'ઓ એક્સ-સાધુ, તમે તો મોડા છો. અત્યારે ઓલરેડી આઈએએસ-આઈપીએસ ઓફિસરો, ઉદ્યોગપતિઓ, ફિલ્મ સ્ટારો, ડાયરાના કલાકારો, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરો બધા ભક્ત થઈ ચૂક્યા છે. હવે નવા ભક્ત બનાવવાનો કોઈ સ્કોપ જ નથી.'
પાંચમા દાવેદારે ચીસ પાડી. 'છે ને... હજુ નવા ભક્તો માટે ભરપૂર સ્કોપ છે. કોંગ્રેસ સહિત વિપક્ષમાંથી આવેલા ભૂતકાળના મહાભ્રષ્ટાચારીઓને હવે અતિશય શુદ્ધ અને પવિત્ર ભક્ત તરીકે કન્વર્ટ કરવા પડશે કે નહીં. હું તો માનું છું કે આ નેક કામ માટે મારા જેવા વિપક્ષમાંથી આવેલાને જ પ્રમુખ તરીકે ચાન્સ આપવો જોઈએ. હજુ તો બહુ ચૂંટણીઓ આવશે ને બહુ ભરતીમેળા જામશે.'
એક વૃદ્ધ દાવેદાર કહે, 'આમ તો પાર્ટીમાં જે રીતે ભૂતપૂર્વ કોંગ્રેસીઓ અને બીજા બધાની ભીડ વધતી જાય છે એ પછી હું તો પાર્ટીને એટલું જ સજેસ્ટ કરવાનું છે કે દરેક શહેર અને જિલ્લામાં બે- બે પ્રમુખ રાખો. એક મારા જેવા જૂના સંઘ કેડરના કાર્યકરો માટે પ્રમુખ (ઓર્ગેનિક) અને બીજા પાર્ટીમાં સાગમટે આવેલા જૂના કોંગ્રેસીઓને વશમાં રાખવા માટે પ્રમુખ ( હાઈબ્રીડ).'
ઉત્તરાયણે પવન પડી જતાં અગાશીઓ પર ચીચીયારીઓ બંધ થાય તેમ બધા દાવેદારો મૂંગામંતર થઈ ગયા.
આદમનું અડપલું
ફાઈનલ! ભાજપમાં પ્રમોટ એ જ થશે જેને બહુ સારા ગુબ્બારા ચગાવતાં આવડતું હશે!