બોલો, ગાડી પર એક્સ-એનઆરઆઈ લખાવશો કે એક્સ-ટ્રમ્પ ભક્ત?
- અગડમ્ બગડમ્-બાબા આદમ
- નેતાઓ આ પરત આવેલી વોટબેન્કને વગર વિઝાએ મંગળ પર મોકલવાનાં વચન આપી શકે
અમેરિકાએ ૨૦૦ ભારતીયોને 'સાભાર પરત' કરી દીધા છે અને કહે છે હજુ તો આવા લાખો ભારતીયોને પાછા મોકલાશે. રાબેતા મુજબ તેમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ હોવાના. મોટેરા સ્ટેડિયમમાં સવા લાખની ગુજરાતી મેદનીએ આપેલી શુભેચ્છાના જોરે ફરી અમેરિકી પ્રમુખ બની ગયેલા ટ્રમ્પના શાસનનાં ચાર વર્ષ દરમિયાન આવા હજારો ગુજરાતીઓ શબ્દાર્થમાં ગુજરાતના રોડ પર આવી જવાના છે. તે પછી કેવી કેવી પરિસ્થિતિ સર્જાશે?
બાવાઓને ત્યાં દાન માટે ભીડ
ચેલો ગુરુજીને પૂછશે.'ગુરો, એનઆરઆઈઓનું એક ટોળું આવ્યું છે. દાન બાબતે પૂછપરછ કરે છે. શું કહેવું છે?'ગુરુ ઠપકો આપશે.'લ્યા ભોટ, એમાં પૂછવાનું શું હોય? એનઆરઆઈઓના દાનથી તો આપણું આખું વર્ષ નીકળી જાય છે. એમને સારી રીતે બેસાડ, જમાડ. હું ત્યાં સુધી સ્પેશિયલ આશીર્વાદનું ગોઠવું છું. આપણે આશ્રમના નવા બે માળ બનાવવાના છેને!' ચેલો કહેશે,'અરે ગુરો, આ તો પેલા ત્યાંથી કાઢી મૂકેલા એનઆરઆઈઓ છે, એ લોકો તો દાન લેવા આવ્યા છે.' ગુરુ ચીપિયો પછાડીને કહેશે,'જા , એમને કહી દે, અમારે ત્યાં જુનિયર બાવાઓની ભરતી બંધ છે.'
પરત આવતાં પ્રેમ
કન્યાની કાકી હરખાતાં હરખાતાં કહેશે, 'મારી ભત્રીજીનું નક્કી કર્યું છે. અમેરિકાવાળાએ પ્લેનમાં પાછા મોકલ્યા ત્યારે આપણા ગોળનો જ છોકરો એની હારોહાર બેઠો હતો. ૨૪ કલાક બાજુ બાજુમાં બેઠાં એમાં બેય જણાએ એકબીજાને પસંદ કરી લીધાં. લ્યો, ખાવ પેડાં.'
અમને મત આપો, તમને મંગળ પર મોકલીશું
જોકે, નેતાઓ તો તેમની આ ગુમ થઈ ગયેલી, પરંતુ હવે પાછી મળેલી વોટ બેન્કને જોઈને હરખાશે. તેઓ આ ડિપોર્ટેડ એનઆરઆઈઓ તથા તેમના પરિવારોને મળીને વચન આપશે,'અમને મત આપો, આવતાં પાંચ વર્ષમાં તમને મંગળ પર વગર વિઝાએ મોકલી આપીશું.'
ગાડી પર એક્સ-એનઆરઆઈ
કોઈ કાર પેઈન્ટવાળાને ત્યાં જઈને કહેશે,'ગાડી પર એક્સ-એનઆરઆઈ લખી આપો.' પેલો અહોભાવથી કહેશે.'ઓહો, તમે પણ'સ્વદેશ'વાળા શાહરુખની જેમ ત્યાં બધું છોડીને અહીં સેવા કરવા આવી ગયા કે શું?' ગ્રાહક જવાબ આપવાને બદલે મોઢું બગાડશે. એટલે આર્ટિસ્ટ જરા ગંભીર થઈને કહેશે,'એમ કરું, એક્સ ટ્રમ્પ-ભક્ત લખી આપું. ઘણા લખાવી ગયા છે.'
ભાજપવાળા શું કહેશે?
કેટલાક ડિપોર્ટેડ એનઆરઆઈ ભાજપમાં રજૂઆત કરવા જશે. અમે તો તમારા 'ભારત-ટ્રમ્પ ભાઈ ભાઈ'નાં સૂત્રો પર ભરોસો રાખીને જ ત્યાં ઘૂસ્યા હતા. હવે અમારું દેશમાં પાછું કાંઈ ગોઠવી આપો.' ભાજપના નેતા ધીરા સાદે કહેશે.' લ્યા, જપો હવે. અમેરિકા કરતાં તો અમારે ભાજપમાં ઘૂસણખોરીનો પ્રશ્ન બહુ વિકરાળ છે. કોંગ્રેસીઓની ઘૂસણખોરીનો. અને અમે તો કાંઈ કરી પણ શકતા નથી.'
આદમનું અડપલું
જૂની કહેવતઃ હીરો ઘોઘે જઈ આવ્યો, ડેલે હાથ દઈ આવ્યો.
નવી કહેવતઃ હીરો યુએસ જઈ આવ્યો, હથકડીમાં હાથ દઈ આવ્યો