આપણા વધારાના નેતાઓને પડોશી દેશો ચલાવવા મોકલી આપો

Updated: Aug 8th, 2024


Google NewsGoogle News
આપણા વધારાના નેતાઓને પડોશી દેશો ચલાવવા મોકલી આપો 1 - image


- અગડમ્બ ગડમ્-બાબા આદમ

- ચીન બાંગ્લાદેશ કે નેપાળને ગળી જાય તેના કરતાં આપણા નેતાઓ ત્યાં જઈને ઢાકાને શાંઘાઈ બનાવવાનાં વચનો આપે તેમાં શું ખોટું? 

'સારે જહાં સે અચ્છા હિંદોસ્તા હમારા'માં ભારતીયો બહુ માને કે ન માને પણ બાંગ્લાદેશીઓ તો અચૂક માને છે. એટલે જ બાંગ્લાદેશી શ્રમિકોથી  માંડીને પ્રાઈમ મિનિસ્ટર લેવલના લોકો પણ  તક મળે  ત્યારે  ભારત તરફ જ પ્રયાણ કરે છે. આપણે તો દૂૂધમાં માત્ર સાકર જ નહીં પણ એલચી, બદામ, ચારોળી, સુંઠ, હળદર સમાય એમ એ સૌને પણ સમાવી જ લેવાના છીએ, પણ બદલામાં આપણેય વાટકી વ્યવહાર કરવા જેવો છે. એ લોકોનો દેશ સંભાળવા આપણા વધારાના  નેતાઓને પણ એમને ત્યાં મોકલી આપવા જેવા છે. 

આમેય આપણા નેતાઓેને પોલીસથી માંડીને ડોક્ટર અને શિક્ષકથી માંડીને એસટી ડ્રાઈવર સહિતની તમામ ભરતીઓમાં કોન્ટ્રાક્ટ  સિસ્ટમ બહુ ફાવે છે તો આપણેય આપણા પડોશી દેશો ચલાવવાનો કોન્ટ્રાક્ટ લઈ લેવા જેવો છે. આપણે ત્યાં નેતાઓની સંખ્યા ગણ્યા ગણ્યા નહીં, વીણ્યા વીણાય નહીં એટલી છે. એટલે જ તો અહીં લોકસભા કે વિધાનસભાની એક એક સીટ પર દરેક પાટીમાં દસ-દસ દાવેદારોનો રાફડો ફાટેલો હોય છે. એ લોકો અહીં દેશની પબ્લિકનું કલ્યાણ કરવા આટલી પડાપડી કરતા હોય છે તો ભલેને પડોશીઓનું પણ કલ્યાણ કરતા આવે.

 નેતાઓ તો આમેય પબ્લિક ગુડ્ઝ એેટલે કે જાહેર કલ્યાણ માટે સમર્પિત હોય છે અને દરેકે દરેક નેતા જાહેરમાં સ્વીકારે જ છે કે તેઓ પબ્લિકની સર્વિસ માટે જ જાહેર જીવનમાં આવ્યા છે. આમ ગુડ્ઝ અને સર્વિસ એ બંને  રીતે આપણા નેતાઓ ે પડોશી દેશોમાં નિકાસ થવા માટે સંપૂર્ણ લાયક છે. આપણેય દુનિયાને દેખાડી દઈએ કે અમારે ત્યાં તો ડુંગળી અને બટાટા સિવાય નેતાઓ પણ એક્સપોર્ટ ક્વોલિટીના પાકે છે.  અમે  વિશ્વગુરુ કાંઈ અમથા નથી કહેવાતા. 

આપણે ત્યાં નેશનલ લેવલના જ નહીં પણ પ્રદેશ લેવલ અને પાલિકા કે પંચાયત લેવલના નેતાઓ પણ એક્સપોર્ટ  કરી શકીએ. પેલું ચીન નેપાળ કે બાંગ્લાદેશને ગળી જવાના પેંતરા કરે છે  તેના કરતાં આપણી મ્યુનિસિપાલિટીના નેતાઓ ત્યાં પહોંચીને ઢાકાને શાંઘાઈ બનાવવાનું વચન આપે તેમાં શું ખોટું છે? ફલોરિંગ કરી, બાંકડા મૂકી લાઈટિંગ  ગોઠવી રિવરફ્રન્ટ જ ચમકાવવો  હોય તો એ કામ તો શ્રીલંકા કે પાકિસ્તાનના દરિયાકિનારે પણ થઈ જ શકે છે. ટૂરિસ્ટ સ્પોટ બનાવવાના નામે મળતિયાઓને કોન્ટ્રાક્ટો આપવાના હોય તો એવું તો માલદીવ્ઝમાં પણ ક્યાં નથી થઈ શકતું. 

પડોશી દેશોથી શરુઆત કરીએ પછી હજુ આફ્રિકા અને દક્ષિણ અમેરિકા પણ બાકી જ છે. આપણા નેતાઓ તેમનું વિઝન  ગૌચરની જગ્યા કે ટીપીથી આગળ   વધારી પડોશી દેશોમાં  પહોંચી જાય તો તેઓ એ રીતે પણ સ્થાનિક પ્રજાનું જ કલ્યાણ કરશે.

આદમનું અડપલું

આપણા નેતાઓના ઘરમાં ઘૂસીને જનતા ક્યારેય લૂંટ નહીં ચલાવે. બધાને ખબર છે કે હાઈ ક્વોલિટી કેમેરા, ટ્રાઈપોડ, લાઇટિંગ અને જાતભાતના જેકેટ સિવાય કાંઈ ખાસ હાથમાં આવવાનું નથી.


Google NewsGoogle News