ભલભલાં ભાષણો વેઠનારી પ્રજાને ડીજે ક્યાંથી નડે!

Updated: Sep 7th, 2024


Google NewsGoogle News
ભલભલાં ભાષણો વેઠનારી પ્રજાને ડીજે ક્યાંથી નડે! 1 - image


- અગડમ્ બગડમ્-બાબા આદમ

- પ્રસાદિયા ભક્તો પરથી પ્રેરણા મેળવતા મૂષકોનું ચબરાક ચેટિંગ

મૂષક ૧: ચાલો, હવે દસ દહાડા પ્રસાદની શાંતિ. 

મૂષક ૨: પ્રસાદ નહિ લ્યા, મિજબાની કહે મિજબાની. પ્રસાદ તો અમથો હોય. આ દસ દિવસ તો દસગણું આરોગવાનું છે. 

મૂષક ૩: ભગવાને પણ ખરું કર્યું છે. કહે છે કે એણે માણસોને એવી સંગ્રહ શક્તિ આપી છે કે એ પેઢીઓની પેઢીઓનું ભેગું કરી લે છે. સાલું આપણા કેસમાં ખરું છે. આ દસ દિવસ બધા મોદક ખવડાવશે પણ પછી આપણે ફરી દોડા કરવાના. એવું નહિ કે કમસેકમ દિવાળી સુધીનો સ્ટોક પણ ભરી શકાય. 

મૂષક ૪: જુઓ આ મંડપમાં મંડરાતા પ્રસાદિયા ભક્તો પાસેથી પ્રેરણા મેળવો. એ લોકો સ્હેજ અમથું મેળવીને પણ કેટલા ખુશ છે. દેશની બહુમતી પ્રજા હજુ આટલી જ  સંતોષી છે. બે ટકના રોટલાનો મેળ પડી રહે તો ઝાઝી તાણ નથી કરતી. બાકી જો બધા લોકો પેઢીઓની પેઢી ચાલે તેટલું ભરવા માંડે તો અંધાધૂંધી થઈ જાય, અંધાધૂંધી.

મૂષક ૧: યાર, ખરી અંધાધૂંધી તો આ ડીજેની છે. ભગવાનનું તો આપણે સમજી શકીએ કે એમના કાન જ એટલા મોટા છે કે આવાં દસ ડીજેથી એમને કોઈ ફરક ન પડે. પરંતુ, આ ભક્તો કેમનું આટલું ડીજે વેઠી લે છે ? તેમના કાનને કોઈ તકલીફ નહિ થતી હોય?

મૂષક ૩:  બોસ, ભક્ત પ્રજાની તો વાત જ અનોખી છે. ભલભલાં ભાષણો વેઠી વેઠીને એમના કાન એવા મજબૂત થઈ ગયા છે કે કોઈ  ડીજે તેમને નડતું નથી. 

મૂષક ૨: મને ન સમજાયું ? એ તાકાત ભાષણોના વોલ્યૂમની હોય છે કે ભાષણોમાં જે કહેવાય તેની ? 

મૂષક ૩: ભાષણો જે કરે છે તેની તાકાત છે. એમાં પણ નરી ભક્તિ જોઈએ. 

મૂષક ૪: પણ મેં તો સાંભળ્યું છે કે ભાષણના જોરે અમુક લોકો ક્યાંય ઊંચે પહોંચી ગયા છે પણ બાકીની પ્રજાની સમજશક્તિ ક્યાંય નીચે પહોંચી ગઈ છે. 

મૂષક ૩:  હા એ તો એવું. ભાષણો સાંભળીને આ લોકોના કાન મજબૂત થઈ ગયા છે પણ આંખો બંધ થઈ ગઈ છે. 

મૂષક ૧:  બંધ આંખે જ ભગવાનનાં દર્શન સારાં થાય એ વાત એ ભક્તોના કિસ્સામાં પણ સાચી લાગે છે. 

મૂષક ૨ : લ્યા, ભક્તિના માહોલમા ં પ્રદૂષિત રાજકીય વાતો બંધ કરો. 

મૂષક ૪: બોસ ઉલ્ટું થયું છે. રાજકારણમાં ભક્તિ ભળી એટલે બધું પ્રદૂષિત થઈ ગયું છે. છોડો બધી ચર્ચા, અત્યારે દસ દિવસ આપણે વીવીઆઈપી છીએ. એમના વીવીઆઈપીઓની જેમ આપણે પણ બૌદ્ધિક ચર્ચાઓ કરવાને બદલે માત્ર ખાવામાં ધ્યાન આપો....આ બધો લ્હાવો દસ જ દિવસ છે. 

..ને બધા મૂષકા  અદ્દલ વીવીઆઈપીઓની જેમ  મગજ બંધ કરી મોઢું ઉઘાડું રાખી મોદક ભક્ષણમાં પ્રવૃત્ત થયા. 

આદમનું અડપલું 

મતદારો ઉંદર છે, ચૂંટણી પાંજરું અને ચૂંટણી પહેલાં અપાતાં વચનો અને લ્હાણીઓ એ છે પાંજરામાં મૂકાતું ભોજન. બસ, આ જ ખેલ દાયકાઓથી ચાલ્યા કરે છે.


Google NewsGoogle News