Get The App

મગજ બંધ કરીને થતાં ટોપનાં કામો : ફિલ્મો જોવી ને વોટ આપવો

Updated: Nov 7th, 2024


Google NewsGoogle News
મગજ બંધ કરીને થતાં ટોપનાં કામો : ફિલ્મો જોવી ને વોટ આપવો 1 - image


- અગડમ્ બગડમ્-બાબા આદમ

- મલ્ટિપ્લેક્સમાં ગાડીઓ ધોઈ આપવાની સગવડ હોય છે, પણ મગજ ધોઈ આપવાની સગવડ કોઈ નહીં આપે

'સિંઘમ અગેન' અને 'ભૂલભુલૈયા -થ્રી' આ બે ફિલ્મો જોઈ આવનારા મોટાભાગના લોકો એક જ કહે છે, 'બોસ, ભૂકા કાઢી નાખ્યા. પૈસાના તો ઠીક પણ મગજના પણ ભૂકેભૂકા નીકળી ગયા.'  

એક સલાહ એવી પણ મળી છે કે જેમને મસાલેદાર મનોરંજનમાં મજા પડતી હોય તેઓ જ આ ફિલ્મો જોએ, પરંતુ એ માટે તો આપણે સંસદ અને ધારાસભાઓની લાઈવ કાર્યવાહી ક્યાં નથી જોવાતી. એના તો પૈસાય નથી આપવા પડતા. બાકી ડાયલોગબાજી અને એક્શનમાં તો એ લોકો ફિલ્મોને આંટે એવા હોય છે. 

જેમ ભારતમાં વિકાસનો 'વ' અક્ષર ૨૦૧૪ પછી જ કાને પડયો તેનો મતલબ એ નથી કે તે પહેલાં કોઈ વિકાસ કામ થતાં જ ન હતાં. એવું જ ફિલ્મ લાઈનમાં છે. મનમોહન દેસાઈએ ફિલ્મો બનાવવાની શરુ કરી તે પહેલાં પણ બોલિવુડ મગજને ઘરે રાખીને જોવા જવા જેવી ફિલ્મો બનાવતું જ હતું. આ તો મનમોહનને ક્રેડિટ ખાટતાં આવડયું. જેમ કે કેટલાક નેતાઓને એ સાબિત કરતાં આવડયું છે કે  વિકાસકાર્યો પણ મનોરંજક રીતે થઈ શકે છે અને વિકાસનું નામ આપીને માત્ર મનોરંજન કરનારાઓથી પણ રાજકીય કારકિર્દીનો સારો એવો વિકાસ થઈ જ જાય છે. 

આજકાલ મલ્ટિપ્લેક્સીસમાં કાર વોશિંગની પણ સગવડ હોય છે. તમે એક જ હીરો એકસાથે બે ડઝન વિલનોને ધોતો હોય તેવી ફિલ્મ જોઈ રહો ત્યાં સુધીમાં એકાદ માણસ તમારા જેવા બે ડઝન લોકોની કાર વોશ કરી આપતો હોય છે. 

પરંતુ, છેલ્લા કેટલાક સમયથી જે રીતની ફિલ્મો આવી રહી છે તે પછી પણ કોઈ મસ્ટિપ્લેકસવાળા  ફિલ્મ જોયા પછી મગજ ધોઈ આપવાની સગવડ ક્યારેય નહીં આપે, કારણ કે લોકોના મગજ સ્વચ્છ થઈ જાય તો પછી એમને ભવિષ્યમાં આવી ફિલ્મોનું ઓડિયન્સ જ નહીં મળે. 

જોકે, કમર્શિયલ અને મસાલા  ફિલ્મોના નામે હથોડા પછાડતા ફિલ્મ સર્જકોએ મલ્ટિપ્લેક્સ ઓનર્સ પર એક ઉપકાર ચોક્કસ કર્યો છે. એમની વાહિયાત ફિલ્મો પાછળ પૈસા બગાડયા બાદ લોકોને પોપકોર્નના ૪૦૦-૫૦૦ રુપિયા ઓછા ચચરવા લાગ્યા છે. પબ્લિક એમ વિચારે છે કે કશું નહીં પણ પોપકોર્નમાં પૈસા નાખ્યા પછી કેટલાક દાણા તો પેટમાં તો ગયા. ફિલ્મનો તો એક પણ સીન  ભેજામાં ઉતરતો નથી. 

અલબત્ત, ભારત દેશમાં મગજ ઘરે મૂકીને થતાં કામોમાં ટોપની યાદીમાં હજુ પણ  ફિલ્મો જોવી એ બીજાં સ્થાને છે. એ બાબતમાં પહેલો  ક્રમ તો વોટ આપવાના કામનો જ છે.

આદમનું અડપલું

હવે દર દશેરાએ રાવણને બાળવાની ઝંઝટ ગઈ. 'સિંઘમ અગેન'માં અર્જુન  કપૂરનો રોલ પોતાના પર આધારિત છે એવું જાણ્યા પછી રાવણ ખુદ આત્મહત્યા કરી બેસશે.


Google NewsGoogle News