અને હવે નેતાઓ માટે કોમન પોલિટિકલ કોડ
- અગડમ્ બગડમ્-બાબા આદમ
- દરેક નેતાએ ચૂંટણી પછી મતવિસ્તારમાં કૂંડ બનાવી ડૂબકી મારી ખોટું બોલ્યાનાં પાપ ધોવાનાં રહેશે
ઉત્તરાખંડ પછી ગુજરાત સરકારે પણ કોમન સિવિલ કોડ માટે હિલચાલ આદરી છે. જોકે, નાગરિકો તો ઠીક પરંતુ નેતાઓ માટે પણ એક કોમન પોલિટિકલ કોડ હોવો જોઈએ. જેમ કે-
-દરેક નેતાએ કાર્યકર હતા ત્યારે જે સેક્ન્ડ હેન્ડ સ્કૂટર વાપરતા હતા અને પક્ષમાં થોડાં વર્ષો રહ્યા પછી અને વિવિધ હોદ્દા મેળવ્યા પછી જે એસયુવીઓ છોડાવી હોય તેનાં પોસ્ટરો છપાવી 'આને કહેવાય વિકાસ' સ્લોગન સાથે લગાવવાનાં રહેશે.
-દરરોજ 'મારાં નિવેદનનું ખોટું અર્થઘટન થયું છે, આ તો વિરોધીઓનું કાવતરું છે, મને સત્તાની ઝંખના નથી, હું તો જનતાની સેવા માટે આવ્યો છું,મારી સામેના આરોપો પૂરવાર થશે તો હું જાહેર જીવન છોડી દઈશ, કોઈપણ ચમરબંધીને નહીં છોડાય, અમારા રાજમાં ભ્રષ્ટાચાર નહીં સાંખી લેવાય, ઘટનાની સમગ્ર તપાસ કરી દોષિતોને શિક્ષા કરાશે' વગેરે ટાઈપના નિવેદનો ૧૦૦-૧૦૦ વખત બોલતા હોય તેવો વીડિયો દિવસમાં દસ વાર સોશિયલ મીડિયા પર અપલોડ કરવાનો રહેશે.
-પક્ષ બદલ્યા પછી જૂનાં નિવેદનોની તથા જૂની સોશિયલ મીડિયા પોસ્ટ્સના પ્રિન્ટઆઉટ્સની જાહેરમાં હોળી કરવાની રહેશે અને તેની રાખ પોતાના ચહેરા પર ચોપડી હવે પોતે સ્વચ્છ અને નિષ્કલંક થઈ ગયા છે તેની જાહેરાત કરવાની રહેશે.
-પક્ષ બદલ્યા પછી જે મતવિસ્તારમાંથી જૂના પક્ષની ટિકિટ પર ચૂંટાયા હોય ત્યાં એક બૂથથી બીજા બૂથ સુધી એમ કુલ દસ બૂથને આવરી લેવાય તે રીતે હાથ જોડેલી હાલતમાં અગાઉ ખોટા પક્ષમાં હતો, ભૂલ થઈ ગઈ એમ બોલતાં બોલતાં આળોટવાનું રહેશે.
-ચૂંટણીમાં હરીફો પર ભ્રષ્ટાચાર કે બીજા બધા આક્ષેપો કરતી વખતે આ આક્ષેપોની એક્સપાયરી ડેટ ખાસ જાહેર કરવાની રહેશે, જેથી ચૂંટણી પછી સંપી જવાનો વારો આવે ત્યારે જનતાને એ તારીખ યાદ કરાવી શકાય.
-ચૂંટણી ફોર્મમાં ભરેલી મિલકતોની વિગતોની પ્રિન્ટઆઉટ દરેક મતદારને ઘરે ઘરે કોમેડી નાટકોના પાસ સાથે મોકલવાની રહેશે.
-દરેક નેતાએ દર ચૂંટણી પછી પોતપોતાના મતવિસ્તારમાં એક કૃત્રિમ કુંડ બનાવી તેમાં ગંગાજળ રેડી ભાષણોમાં ખોટું બોલ્યાના પાપમાંથી મુક્ત થવા માટે પવિત્ર સ્નાન કરવાનું રહેશે. દરેક પક્ષ ધારે તો વોર્ડ કક્ષાએ પણ આવા પાપ ધોવણ કાર્યક્રમો યોજી શકે છે.
-દરેક ભાષણની ઓડિયન્સની સંખ્યા પ્રમાણે ટાઈમ લિમિટ બાંધવાની રહેશે. દસ હજારના ઓડિયન્સ સામે દસ મિનિટ, પચાસ હજારના ઓડિયન્સ સામે અડધો કલાક અને એક લાખના ઓડિયન્સ સામે એક કલાકથી લાંબુ ભાષણ કરવું નહીં.
-સૌથી ખાસ, દરેક નેતાએ દર મહિનાની પહેલી તારીખે જાહેરમાં મેં ક્યારેય ભ્રષ્ટાચાર કર્યો નથી, હું ભ્રષ્ટાચાર કરતો નથી, હું ક્યારેય ભ્રષ્ટાચાર કરવાનો નથી એવું એકદમ ગંભીર બિલકુલ સિન્સિયર મુખમુદ્રા ધારણ કરીને પાંચ-પાંચ વાર બોલવાનું રહેશે. આવું કરતી વખતે સહેજ પણ હસવું આવી જાય તો તેવા નેતાને આગામી પાંચ વર્ષ સુધી કોઈપણ ચૂંટણીની ટિકિટ આપવાથી ગેરલાયક ઠેરવવાના રહેશે.
આદમનું અડપલું
નેતાઓનો કાયદોઃ પ્રચાર સંહિતા એ જ અમારી આચાર સંહિતા છે.