Get The App

પાણી-બાણી ઠીક છે, પાલિકાનો દરજ્જો વધે તે જ વિકાસ

Updated: Jan 4th, 2025


Google NewsGoogle News
પાણી-બાણી ઠીક છે, પાલિકાનો દરજ્જો વધે તે જ વિકાસ 1 - image


- અગડમ્ બગડમ્-બાબા આદમ

- મહાપાલિકાઓનું ચેટિંગ: ગાંધીધામ-મોરબી સાગમટે આવ્યાં તેથી અમદાવાદ નારાજ 

સરકારે નવ નગર પાલિકાઓને મહાપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરતાં જ મહાપાલિકાઓનાં ગૂ્રપમાં ચેટિંગ શરુ થયું. 

સુરત: અલ્યા, આ નવસારીવાળાને મહાપાલિકાનો દરજ્જો આપ્યો એના  કરતાં મારી હદ જ ત્યાં  સુધી વધારી દેવી હતીને. 

વડોદરા: લ્યા, તું તો જે ઝડપે વધે છે એ જોતાં મને લાગે છે કે એક દિવસ વાપી પણ તારી હેઠળનો વોર્ડ વિસ્તાર જ હશે. 

રાજકોટ: હા-હા...આખા ગુજરાતને ખબર છે  કે  વડોદરામાં પાછલાં દસ-વીસ વર્ષમાં ખાલી મગરોનો વિકાસ થયો છે.  આ તો ઠીક છે હવે તો આણંદ પણ આગળ વધીને વડોદરા સુધી પહોંચી જાય તો નવાઈ નહીં. 

અમદાવાદ: જુઓ, સૌનો સાથ સૌનો વિકાસ સૂત્ર તરીકે ઠીક છે...  પણ, કાંઈક લેવલ તો હોવું જોઈએને. મહેસાણા- નડિયાદનો વાંધો નહીં, પરંતુ આ ગાંધીધામ અને મોરબી પણ આપણી  પંગતમાં બેસશે? હું ય મહાપાલિકા ને વાપી પણ મહાપાલિકા? આ તો ભાજપવાળાએ કોર્પોરેટર લેવલના પણ ન હોય એને સાંસદ બનાવી દેવા જેવું જ કર્યું. 

ભાવનગર: ઓ અમદાવાદ, પંચાયતની પાલિકા બને કે પાલિકાની મહાપાલિકા. વિકાસમાં કાંઈ ફરક પડતો નથી. આ હું આટલાં વર્ષોથી મહાપાલિકા છું, પણ મારે ને વિકાસને કોઈ લેવાદેવા જ નથી.  એકચ્યુઅલી, મારી હાલત તો એવી કરીને મૂકી છે કે ભવિષ્યમાં લોકો મારા માટે ગ્રામ પંચાયતનો દરજ્જો માગે તો નવાઈ નહીં. 

રાજકોટ: હા, હા...પાણીની રામકહાણી તો મારે  ત્યાં પણ છે, ડિઅર ભાવનગર. પણ જો  સમજી લે.  પાણી-બાણી ઠીક છે. હવેનાં નવાં વિકાસ મોડલમાં તો પાલિકાનો દરજ્જો વધે એ જ વિકાસ. લોકોએ  મહાપાલિકા શબ્દથી ખુશ થવાનું. બાકી પાણી, રસ્તાના ખાડા, પ્રદૂષણ, ટ્રાફિક, દબાણો, આડેધડ બાંધકામો એ બધું તો એમને એમ રહેવાનું. આ તો પબ્લિકને મહાપાલિકાના દરજ્જાનો ઘૂઘરો આપી દીધો. બધા રમ્યા કરે.

જામનગર: બાકી અસલી વિકાસ તો મારે જ છે. રિહાના પણ આવી ગઈ અને શાહરુખ-સલમાન તો હવે અહીં અપડાઉન કરે છે. 

જુનાગઢ: એ બધા તો કચકડાના સ્ટાર. અમારે ત્યાં તો સિંહ આંટા મારે છે, સિંહ... હા, બાકી તો વિકાસ-બિકાસમાં આપણને કાંઈ સમજણ ન પડે.

ગાંધીનગર :  મારે તો હાલત એવી છે કે આજુબાજુનાં બે ગામડાંઓ જ ઉમેરાતાં જાય છે એમાં નગર  જેવું કઈં લાગતું જ નથી. મહાપાલિકાના દરજ્જા પ્રમાણે એટલી વસતી જ ક્યાં છે? 

અમદાવાદ: બોસ, તમારે તો નેતાઓની કેટલી બધી વસતી છે. હવે એને માણસમાં ગણવા કે નહીં એ તો તમે નક્કી કરો. 

બધી મહાપાલિકાએ હસાહસનાં ઇમોજી મૂક્યાં. ગાંધીનગરે હાથ જોડી દીધા.

આદમનું અડપલું

કોન્ટ્રાક્ટર ઉવાચ: અત્યાર સુધી પાલિકા પ્રમાણે બે ટકા કમિશન આપતા હતા, હવે મહાપાલિકા પ્રમાણે ચાર ટકા આપવા પડશે.


Google NewsGoogle News