Get The App

સરકારી ગરબાઃ પ્રધાનો માત્ર એનાઉન્સરના રોલમાં

Updated: Oct 3rd, 2024


Google NewsGoogle News
સરકારી ગરબાઃ પ્રધાનો માત્ર એનાઉન્સરના રોલમાં 1 - image


- અગડમ્ બગડમ્-બાબા આદમ

- અમલદારોને વફાદારી પ્રમાણે ઓરકેસ્ટ્રામાં સ્થાન, કોઈ અધિકારી મુખ્ય ઢોેલી તો કોઈ પાસે માત્ર શોભાની ડફલી

'મિતરોં,ં આપણે આ વખતે સરકારી રાહે ગરબાનું આયોજન કર્યું છે.' કેબિનેટની બેઠકમાં જાહેરાત થઈ. 

એક પ્રધાને બગાસું ખાધું. 'સરકારી રાહે એટલે ? આજે જાહેરાત થઈ તેના દસ વર્ષે એકચ્યુઅલ ગરબા શરુ થશે એમ ? '

બીજા પ્રધાન કહે, 'ના..ના. ગરબા તો અડધો મંડપ બંધાયો હોય તો પણ તત્કાળ ચાલુ થઈ જશે. એટલું ખરું કે સ્ટેજની મજબૂતીનો કોઈ ભરોસો નહીં. પહેલા કલાકમાં પણ તૂટી પડે.'

મોટા પ્રધાને ખોંખારો ખાધો. 'જુઓ સરકારી રાહે એટલે  કહેવાનો મતલબ તો એ હતો કે ગરબા યોજવા એ આપણું ફેવરિટ કામ છે. આપણને આમેય એક જ તાલે અને એક જ રાગે બધાને ગોળ ગોળ ઘૂમાવતાં બહુ ફાવે છે. '

એક સિનિયર પ્રધાન કહે, 'ગરબા યોજવાનો સમગ્ર ભાર એક જ વ્યક્તિ વહન કરે તો જામશે નહીં. આમાં તો ગાનારા અલગ જોઈએ, વગાડનારા અલગ જોઈએ, નાચનારા અલગ જોઈએ , આ ઉપરાંત એનાઉન્સમેન્ટ, ખાણીપીણી, ખુરશી , સાઉન્ડની વ્યવસ્થા બધું બહુ જોવાનું હોય છે. મને જે જવાબદારી સોંપવામાં આવે તે સંભાળવા હું તૈયાર છું.'

એક જુનિયર પ્રધાન તરત બોલ્યા. 'આપણને પ્રધાનોએ તો આમેય એનાઉન્સમેન્ટો કર્યા કરવા સિવાય ક્યાં બીજું કોઈ કામ હોય જ છે. આ સરકારી ગરબામાં પણ આપણે એનાઉન્સરનો જ રોલ ભજવશું. એયને નિવેદન..આઈ મિન..એનાઉન્સમેન્ટ કરીને ચૂપ થઈ જવાનું. લોકો ડોલ્યા કરે.'

બીજા પ્રધાન કહે, 'ગાવા-વગાડવાની ચિંતા કરવા જેવું નથી. આ અમલદારો શું કામના છે. જે આપણી પાર્ટીના કાર્યકર કરતાં પણ વધારે વફાદારીથી કામ કરે છે. તેમને જે કામ આવડે છે તે એટલે કે મુખ્ય ઢોલી બનાવવાના. બાકીના હજુ આપણને નહીં ગાંઠતા અમલદારોને ડફલી વગાડવા સાઈડમાં બેસાડી દેવાના. આપણે કહીએ તે પ્રમાણેના સૂરમાં ગાવા અને ગવડાવવા માટે તો આપણા માનીતા સાહિત્યકારો, સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સરો, ફિલ્મ કલાકારો વગેરે મોજુદ રહેશે જ. સાઉન્ડ સિસ્ટમ પાર્ટીના કાર્યકરો સંભાળશે જેમને દરેક પ્રસંગે ઘોંઘાટ કરવાનું સારું ફાવે છે.' 

ત્રીજા પ્રધાન કહે, 'ને એક ખાસ વાત. આપણા સરકારી ગરબા મધરાત સુધી નહિ પણ આખી રાત ચાલવા જોઈએ.આમેય મોંઘવારી હોય કે  જીએસટી હોય કે પૂર હોય, આપણે દરેક મોરચે પ્રજાની ઊંઘ હરામ જ કરીને સૌને ઉજાગરાની ટેવ પાડી જ દીધી છે.'

ત્યાં તો અન્ય એક સિનિયર પ્રધાન  બેઠકમાં એન્ટર થયા. 'આ વખતે સરકારી ગરબા માંડી વાળો. જુઓ છેલ્લાં દસ વર્ષની સરખામણીએ આપણા ઈશારે નાચનારા લોકો આ વખતે ઓછા થયા છે એ તો ઠીક છે પણ આપણે જાતે કેટલાક સાથીદારોને ઈશારે નાચવું પડે તેવી હાલત છે.'

રાબેતા મુજબ જયજયકાર કરી પ્રસાદ આરોગી પ્રધાનો છૂટા પડયા. 

આદમનું અડપલું 

સરકારી ગરબા એટલે જ્યાં પ્રસાદ મળતો ન હોય પણ પ્રજાએ આપવો પડતો હોય છે.


Google NewsGoogle News