ભાષણખોર, નિવેદનિયા, કેમેરાજીવી, દબંગ આ બધી નેતાઓની જાતિ છે

Updated: Aug 3rd, 2024


Google NewsGoogle News
ભાષણખોર, નિવેદનિયા, કેમેરાજીવી, દબંગ આ બધી નેતાઓની જાતિ છે 1 - image


- અગડમ્ બગડમ્-બાબા આદમ

- કેમેરાજીવી જાતિના નેતાઓમાં પાછી વરણાગી પેટાજાતિ છે 

એન્ટાયર પોલિટિકલ સાયન્સના એમએના વિદ્યાર્થીઓને પહેલા જ દિવસે એસાઈનમેન્ટ સોંપાયું. આજકાલ નેતાઓની જાતિ વિશે બહુ ચર્ચા ચાલે છે.    શોધપત્ર માટે તેમની યાદી તૈયાર કરો. 

ભારતની યુનિવર્સિટીઓના ઈતિહાસમાં એન્ટાયર પોલિટિકલ સાયન્સના વિદ્યાર્થીઓ જેવા બીજા કાર્યક્ષમ વિદ્યાર્થીઓ પાક્યા જ નથી. એટલે તેઓ ફટાફટ આખું લિસ્ટ બનાવીને લઈ આવ્યા. 

નિવેદનિયાઃ આ નેતાઓ પહેલાં કોંગ્રેસમાં જ જોવા મળતા હતા, પણ હવે ભાજપમાં પણ આમની ભીડ વધી છે. આ લોકો છાશવારે બસ નિવેદનો બહાર પાડતા રહે છે. નિવેદનગીરી એ  જ તેમની નેતાગીરી છે. 

ભાષણખોરઃ આ નેતાઓમાં  કશી નક્કર કામગીરી કર્યા વિના એકદમ જુસ્સાભેર લાંબુ લાંબું ભાષણ કરી શકવા ની આવડત હોય છે.  જોકે, ટીવી ડિબેટ્સના યુગમાં આ જાતિ જરા લુપ્ત થઈ રહી છે. 

આંદોલનજીવીઃ આ નેતાઓ કોઈને કોઈ આંદોલન થકી રાજકારણમાં આવ્યા હોય છે. આમની એક પેટાજાતિવાળા આખી જિંદગી આંદોલનના જ મોડમાં રહે છે અને પોતાની સરકાર હોય તો પણ ધરણા ને ઉપવાસ એવું બધું કર્યા કરતા હોય છે. બીજી પેટાજાતિના નેતાઓ જે ની સરકાર સામે આંદોલન કર્યું હોય બાદ તે જ પાર્ટીમાં જોડાઈ જઈ વિધાનસભ્ય બનીને ક્યાંક ચૂપચાપ ખૂણે  સડયા કરે છે. 

કેમેરાજીવીઃ  પેલી બાળવાર્તાની રાજકુંવરીની જેમ  વધતી જતી આ પ્રજાતિના નેતાઓ  વોર્ડ કક્ષાથી માંડીને રાષ્ટ્રીય સ્તરની ઈવેન્ટમાં અવનવી અદાઓમાં ફોટા પડાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે. આ જ પ્રજાતિમાં પાછી એક વરણાગી પેટાજાતિ પણ છે, જે દર  પ્રસંગ-પ્રદેશને અનુરુપ ડ્રેસ બદલતા રહે છે.  

સોશિયલ મીડિયાજીવીઃ તેઓ સોશિયલ મીડિયા પર જોરદાર પોસ્ટ્સ કરે છે.  રિયલ ગ્રાઉન્ડ એક્શનમાં તેઓ ગાયબ થઈ જાય છે. 

પલટુરામઃ આમાં પણ  બિહાર , મહારાષ્ટ્ર સાઈડની  પ્રજાતિના નેતાઓ વારંવાર પાર્ટીઓ બદલ્યા કરે છે. બીજી પેટાજાતિના લોકો દાયકાઓ જે પાર્ટીમાં કાઢ્યા હોય તેને છોડીને બીજી પાર્ટીમાં જઈ પછી પોતાની મૂળ પાર્ટીની ભૂલો બોલતા રહે છે.

અસંતુષ્ટઃ આ જાતિના નેતાઓને હાથમાં ચાંદ-તારા તોડીને લાવી દો તો પણ પેલાને વધારે ચળકતો તારો આપ્યો ને મને ઝાંખો આપ્યો એમ કહી અસંતોષ વ્યક્ત કરશે. 

દબંગઃ પહેલાં આ પ્રજાતિના નેતાઓ માત્ર યુપી-બિહાર બાજુ જોવા મળતા. હવે તો ગામેગામ આ પ્રજાતિનો રાફડો ફાટયો છે.

પ્રોફેસરે વિદ્યાર્થીઓને કહ્યું , 'નો ડાઉટ, તમે સાચો જવાબ લખીને લાવ્યા છો, પણ મૂળે મેં સવાલ જ ખોટો પૂછ્યો હતો, કારણ કે નેતા એક એવી વિલક્ષણ કોમ છે જે  એકસાથે એકથી વધુ જાતિનો હોઈ શકે છે. પણ તમે ખરેખર  એન્ટાયર પોલિટિકલ સાયન્સની  વિદ્યાર્થી પરંપરા નિભાવી છે કે મૂળે  તર્કવિહિન કામના પણ ફાવે તેવા જવાબ શોધી કાઢ્યા છે.'  

આદમનું અડપલું

ગમે તે કહો પણ ક્યારેય કોઈ નેતા પેલી ઈડબલ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગમાં ક્યારેય નહીં જોવા મળે.


Google NewsGoogle News