નવા વર્ષમાં નીતિશ અને નાયડુ સીધા ચાલે તેવી શુભેચ્છા
- અગડમ્ બગડમ્-બાબા આદમ
- મહારાષ્ટ્રમાં હવે કોઈ પ્રતિમા ધરાશાયી ન થાય તેવી શુભેચ્છા
નવા વર્ષમાં લોકો રુટિનમાં જ વર્ષ સારું જવાની શુભેચ્છા આપી દે છે, પરંતુ કેટલાક ખાસ લોકો કે ખાસ સંજોગો માટે અમુક ચોક્કસ પ્રકારની શુભેચ્છા આપવી પડે તેમ છે.
જેમ કે, શેરબજારવાળા માટે તો લાંબુ લિસ્ટ છે. તેમને એવી શુભેછા આપી શકાય કે નવા વર્ષે પુટિન, નેતાન્યહુ, જિનપિંગ, અમેરિકન ફેડરલવાળા અને આપણે ત્યાં સેબીવાળા પણ નવું ટેન્શન ઊભું ન કરે તેવી શુભેચ્છા.
ગુજરાતના મંત્રીઓ અને અધિકારીઓને આ વર્ષમાં કોઈ બ્રિજમાં તિરાડો ન પડે કે નવા બનેલા રસ્તા પર ગાબડાં ન પડે તેવી શુભેચ્છા આપી શકાય.
જોકે, આ સંદર્ભમાં મહારાષ્ટ્રવાળા માટે તો ખાલી એટલી જ શુભેચ્છા પૂરતી થઈ પડે તેમ છે કે હવે આ વર્ષે શિવાજી મહારાજ કે અન્ય કોઈ પણ હસ્તીની પ્રતિમા અને તે પણ ઉદ્ધઘાટનના થોડાક સમયમાં ધરાશાયી ન થાય તેવી શુભેચ્છા.
આમ તો મહારાષ્ટ્રના મતદારો સાથે જેમને ઓળખાણ હોય તેમને એવી પણ શુભેચ્છા આપવા જેવી છે કે તમે જે ગઠબંધનને વોટ આપ્યો હોય એ જ ગઠબંધન કમસેકમ એકાદ વર્ષ પણ ટકી રહે તેવી શુભેચ્છા.
મહારાષ્ટ્રની વાત નીકળી છે તો મુંબઈના બોલિવુડ કલાકારોને તો ટનબંધ શુભેચ્છા આપવી પડે તેમ છે. અક્ષયકુમાર, કંગના, જાહ્નવી જેવાં કલાકારોને કમસે કમ એકાદ ફિલ્મ હિટ નહીં તો સેમી હિટ જાય તેવી શુભેચ્છા આપવી પડે. સલમાન ખાનને હવે આ વર્ષે નવી કોઈ ધમકી ન મળે તેવી શુભેચ્છા આપી શકાય. બાકી, પિક્ચરો જોવા જતા લોકોને તો એવી સામાન્ય શુભેચ્છા આપી જ દેવાય કે આ વર્ષે ફિલ્મો તો ઠીક છે પણ થિયેટરના પોપકોર્નની ક્વોલિટી પણ મોંઘાદાટ ભાવ પ્રમાણેની સારી જ નીકળે તેવી શુભેચ્છા.
લોકસભા ચૂંટણીમાં સારાં પરિણામથી કોંગ્રેસ પોરસાઈ છે આવા તબક્કે મહારાષ્ટ્રમાં કોઈ કોંગ્રેસીને હવે વિધાનસભા ચૂંટણીમાં હરિયાણાવાળી ન થાય તેવી શુભેચ્છા આપી શકાય.
હરિયાણાથી નજીકના દિલ્હીમાં બેઠેલી કેન્દ્ર સરકારને તો એટલી જ શુભેચ્છાની જરુર છે કે આ વર્ષે બીજંન તો કાંઈ નહીં પરંતુ કમસેકમ નીતિશ બાબુ અને નાયડુ સીધા ચાલે. બસ, બીજું તો શું જોઈએ?
બાકી, આ દેશના કોમનમેનને તો મોંઘવારી, ભ્રષ્ટાચાર, રસ્તાઓ પરના ખાડા, ઘી સહિતની ખાદ્યચીજોમાં મિલાવટ, મોંઘુદાટ શિક્ષણ, જીએસટીનો બોજ વગેરે કેટકેટલીય બાબતે શુભેચ્છા આપવા જેવી છે, પરંતુ તેનો કોઈ મતલબ નથી, કારણ કે તેમાંની એક પણ શુભેચ્છા ફળવાની નથી એ પણ દરેક નાગરિકને ખબર છે.
આદમનું અડપલું
શુભેચ્છાઓના ફોરવર્ડેડ મેસેજીસ ડિલીટ કરતાં કરતાં આંખો અને આંગળી થાકી ન જાય તેવી સૌને શુભેચ્છા !