Get The App

સમય તો બિચારાં કેલેન્ડરનો પણ ન રહ્યો...

Updated: Jan 2nd, 2025


Google NewsGoogle News
સમય તો બિચારાં કેલેન્ડરનો પણ ન રહ્યો... 1 - image


- અગડમ્ બગડમ્-બાબા આદમ

- કેલેન્ડરનાં ડેથ સર્ટિફિકેટની તારીખ પે તારીખ 

નવાં વર્ષનાં કેલેન્ડર બાબતે નિર્ણય કરવા સંસ્થાની મીટિંગ મળી.

ખજાનચીએ ઘૂવડગંભીર મોઢું કરીને કહ્યું, 'હવે ડિજિટલ જમાનામાં કેલેન્ડરનો કોઈ મતલબ નથી રહ્યો. તો આપણે આ વર્ષથી કેલેન્ડર છાપવાની પ્રથા બંધ કરીએ તો સંસ્થાના ખજાનાને એટલો ફાયદો થશે.'

ઉપપ્રમુખ તરત ઉકળ્યા. 'કેમ? અમે લોકો આ વર્ષે ચૂંટાઈને આવ્યા એટલે આ વખતથી જ કેલેન્ડર ડિસકન્ટીન્યુ કરવાનું એમ?'

જોઈન્ટ સેક્રેટરી નિસાસો નાખતાં કહે, 'તમારો સમય આવ્યો હોય કે ન આવ્યો હોય, પણ ખુદ કેલેન્ડરનો જ સમય નથી રહ્યો એ તો હકીકત છે. '

પોતાના નામવાળું કેલેન્ડર નહીં છવાય એ વાતે ખિન્ન થયેલા કાર્યકારી અધ્યક્ષે જાણે મોટો ત્યાગ કરતા હોય એમ  કહ્યું, 'ભાઈ, લોકોને કેલેન્ડરનું આકર્ષણ તો હજુય છે, પણ આપણે એમાં આપણા કોઈના ફોટા લેવાનું ટાળીએ. આપણાં નામ ભલેને છેલ્લાં પાને આવે. એને બદલે સારા આકર્ષક ફોટાઓનું કેલેન્ડર રાખીએ.'

કારોબારી સભ્ય હસ્યા. 'કેવા આકર્ષક ફોટા? પેલેા વિજય માલ્યાના કેલેન્ડર જેવા?'

ઉપપ્રમુખ ધૂંધવાયા. 'ઉહું...આપણી તો સંસ્કારી સંસ્થા છે. એના કરતાં ધર્મગુરુઓના ફોટા છાપીએ. હું જે ગુરુને માનું છું તેનો ફોટો છાપીશું તો આપણા કેલેન્ડરના કાળાબજાર થશે. લખી રાખો.'

જોઈન્ટ સેક્રેટરી કહે, 'અરે, દેશમાં  ધર્મગુરુઓની ક્યાં અછત છે? એક હજાર વર્ષનું કેલેન્ડર છાપીએ તો પણ ઓછા પડે તેમ છે. એટલે કોઈ એક કે બે ધર્મગુરુના ફોટા રહેવા જ દો. બીજા ધર્મગુરુઓના અનુયાયીઓનાં નાહકનાં દિલ દુભાશે. આપણી પબ્લિકનું ભલું પૂછવું. એ લોકો એવી પણ માગણી કરશે કે અમારા ગુરુનો પ્રાગટય દિન જે મહિનામાં આવતો હોય તે મહિનાના પેજ પર જ અમારા ધર્મગુરુનો ફોટો છાપો.'

બીજા કારોબારી સભ્ય કહે, 'આ વખતે ડેસ્ક ટોપ કેલેન્ડર આપીએ? આમેય હવે નવાં મકાનોમાં ખીંટી કોઈ લગાવતું નથી. ભવિષ્યમાં કેલેન્ડર વિતરણ સાથે આપણે ખીંટીઓનું વિતરણ પણ કરવું પડશે અને  ખીંટી મારવા માટે માણસ પણ મોકલી આપવા પડશે.'

જોઈન્ટ સેક્રેટરીએ ફરી વાંધો પાડયો. 'પણ હવે ઓફિસોમાં ટેબલ પર કોમ્પ્યુટરો હોય છે પછી ડેસ્ક ટોપ કેલેન્ડરની કોઈનેય ક્યાં જરુર હોય છે?'

છેવટે  સર્વાનુમતે નક્કી થયું કે  આ વખતે  કેલેન્ડર પ્રિન્ટિંગના  બિલમાં કારોબારીના દરેક સભ્યનો ભાગ અઢી ટકા ને હોદ્દેદારોનો ભાગ ત્રણ ટકા રાખવો. ખજાનચી હસતાં હસતાં કહે, 'કેલેન્ડરનો જમાનો જાય કે ન જાય, કટકીનો જમાનો ક્યારેય નહીં જાય.

આ રીતે સંસ્થાના કેલેન્ડરનું ડેથ સર્ટિફિકેટ તારીખ પે તારીખમાં અટવાઈ ગયું. 

આદમનું અડપલું

થવા દો. બીજા બધા સરકારી પ્રોજેક્ટની જેમ સરકારી કેલેન્ડર બહાર પાડવામાં પણ ક્યારેક એક વર્ષનો વિલંબ તો થવા દો. 


Google NewsGoogle News