દેશનું ખાસ કરપ્શન બજેટ પણ હોવું જોઈએ
- અગડમ્ બગડમ્-બાબા આદમ
- બજેટ પહેલાં રૂપિયા, જીડીપી, સેન્સેક્સ, મોંઘવારી અને કરપ્શનનું એક્સ્પર્ટ ચેટિંગ
બજેટ પહેલાં જ રૂપિયા, જીડીપી, મોંઘવારી, સેન્સેક્સ કરપ્શન એ બધાંએ એક્સપર્ટ ચેટિંગ શરૂ કર્યું.
રૂપિયોઃ લ્યા, પાછું બજેટ આવી ગયું. હવે મને ખબર પડશે કે મારે ક્યાંથી આવવાનું છે અને ક્યાં જવાનું છે.
કરપ્શનઃ શું લઈને આવ્યા હતા અને શું લઈને જવાના છો. એવી ફિલોસોફી આ બજેટમાં ક્યાંય નહિ હોય. છતાં બધાને ખબર છે કે સરકાર વિકાસ યોજનાઓ માટે અબજો રૂપિયાનું ભંડોળ લઈને આવશે અને તેમાંથી નેતાઓ, અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અબજો રૂપિયાની કટકી લઈને જવાના છે. આ જ શાશ્વત ક્રમ છે. બાકી બધું મિથ્યા છે.
મોંઘવારીઃ મારે તો શાંતિ છે. બજેટ ગમે તેટલાં આવે ને જાય. મારે તો વધવાનું જ છે એ નક્કી છે. હજુ સુધી મને ઘટાડી શકે એવું બજેટ કોઈ લાવી શક્યું નથી. નો ડાઉટ, દરેક બજેટ પછી શું સસ્તું થયું અને શું મોંઘું થયું એવાં ચોકઠાં અચૂક છપાય છે પરંતુ નેકસ્ટ બજેટ વખતે લોકોને ખ્યાલ આવે છે કે વાસ્તવમાં કશું સસ્તું થયું નથી ને કશું મોંઘું થયું નથી.
સેન્સેક્સઃ યાર, સાવ એવું પણ નથી. આવી જાવ બજારમાં હું એવી સેંકડો સ્ક્રિપ બતાવું જે પાંચ વર્ષ કરતાં આજે સસ્તી મળે છે. અસલના જમાનામાં વડાંપ્રધાનના ઘરે દાળમાં મીઠું પડી જતું તો પણ વિદેશી હાથની સંડોવણીનો આરોપ મૂકાતો હતો. પરંતુ, મારે ત્યાં આ બધી સ્ક્રિપ સસ્તી થઈ ગઈ છે એમાં તો સો ટકા વિદેશી હાથ છે. બધી એફઆઈઆઈ મારે ત્યાંથી માલ ફેંકવા માંડી છે એટલે સોંઘવારી આવી છે.
જીડીપીઃ જો યાર, બજાર ડાઉન થાય એનો બધો અપયશ એકલી એફઆઈઆઈને નહિ આપવાનો. એમાં મારો પણ થોડો ફાળો છે. મેં હવે જરા સ્લો વોક શરૂ કર્યું છે એમાં બજાર ગડથોલું ખાવા માંડયું છે.
રૂપિયોઃ ઓહોહો...બજારનાં પતનમાં મારાં પતનનો ફાળો પણ ભૂલી ન જતા. હું ભૂસકો મારું છું એટલે પણ બજાર ઘટે છે સમજ્યા.
જીડીપીઃ લ્યા, દેશમાં તો સતયુગ આવવાનો હતો ને. આ પતનની ક્રેડિટ લેવા પડાપડી થાય એવો કળિયુગ ક્યાંથી આવી ગયો.
મોંઘવારીઃ બેટમજી, સતયુગ તો ત્યારે આવશે જયારે દેશનો યુવાન ઘરે પત્નીને ટીકી ટીકી જોવાને બદલે સપ્તાહના ૧૦૦ કલાક કામ કરશે.
સેન્સેક્સઃ ઓ તારી...એટલે જ આ વખતે મારી શનિવારની રજા છિનવી લેવામાં આવી છે એમ, મારો વીક એન્ડ બગાડયો.
જીડીપીઃ જો ભાઈ, તું કાઈ યુવાન નથી. ને તારા લીધે કેટલાયનાં ફાઈનાન્સિઅલ ફ્રીડમનાં સપનાનો ધી એન્ડ થઈ ગયો છે એનું કાંઈ નહિ
જીડીપીઃ મારા જેવા સ્લો મુવરનું સજેશન છે કે કામના કલાકો હોય કે સેન્સેક્સનો ઉછાળો, લિમિટમાં જ રહેવું સારું. દેશનું ખાસ કરપ્શન બજેટ બનવું જોઈએ. સરકારી ઓફિસમાં ૧૦૦ રૂપિયાનું કામ હોય તો બે રૂપિયા, ૧૦૦ કરોડનો પ્રોજેક્ટ હોય તો ચાર ટકા, ૧૦૦૦ કરોડનો પ્રોજેક્ટ હોય તો પાંચ ટકા એવા કોઈ દર બજેટમાં નક્કી થાય તો મજા પડે.
રૂપિયોઃ ગૂડ સજેશન. પછી મ્યુનિસિપાલિટીથી માંડીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનાં દરેક બજેટ વખતે લાગતાવળગતા સૌને ખબર પડશે કે આ વર્ષે આપણને કમસેકમ આટલું તો ચરી ખાવા મળશે જ.
બધા એક્સપર્ટએ લાફિંગ આઉટ લાઉડનાં ઈમોજી પોસ્ટ કરી દીધાં.
આદમનું અડપલું
લો બજેટ મેરેજ, લો બજેટ હોટલો, લો બજેટ રેસ્ટોરાં જેમ એકાદી લો બજેટ સરકાર પણ લાવો