દરિયાની ચૂંટણીમાં કાચબાભાઈ કકળાટિયા કદ પ્રમાણે વેતરાયા
- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
- ચૂંટણીમાં કાચબાભાઈનો પરાજય થયો એમાં સૌથી મોટું કારણ હતું - કકળાટ. મતદારોએ કહ્યું, 'જેટલો કકળાટ કર્યો એટલું કામ કર્યું હોત તો જીતી જાત!'
દરિયામાં છેલ્લા ઘણા સમયથી કાચબાભાઈ કકળાટિયા મુખ્યમંત્રી હતા. કાચબાભાઈએ દરિયાના મતદારોને જે વાયદા કર્યા હતા એનાથી પ્રભાવિત થઈને દરિયાના મતદારો કાચબાભાઈને મુખ્યમંત્રી બનાવતા હતા. રાજા સિંહે દરિયામાં પોતાના કોઈ નેતાને સત્તા મળે એ માટે ઘણા પ્રયાસો અગાઉ કરી જોયા હતા, પરંતુ એમાં ખાસ સફળતા મળી ન હતી. વિપક્ષના નેતા સસલાભાઈ પણ દરિયાના મતદારોને રીઝવવા જાતભાતના વાયદા કરતા હતા. જોકે, રાજા સિંહ અને સસલાભાઈને દરેક ચૂંટણીમાં કાચબાભાઈ હરાવી દેતા હતા.
ફરીથી દરિયામાં ચૂંટણી આવી. કાચબાભાઈ વધુ એક વખત મુખ્યમંત્રી બની જશે એવી અટકળો ચાલતી હતી. કાચબાભાઈની સામે રાજા સિંહે એની પાર્ટીના યુવા નેતા હોલાજી હઠીલાને મેદાનમાં ઉતાર્યા હતા. દરિયાની સત્તા મેળવવા માટે રાજા સિંહ, કાચબાભાઈ અને સસલાભાઈ વચ્ચે બરાબરનો જંગ જામ્યો. રાજા સિંહે એના ઉમેદવાર હોલા હઠીલાના પ્રચારમાં બે-પાંચ વખત દરિયામાં ડૂબકી લગાવીને મતદારોને અનેક વાયદા કર્યાઃ 'હું માછલીઓને આર્થિક મદદ કરીશ. મગરોને નિયમિત શિકાર મળી રહે તે માટે કાંઠે વ્યવસ્થા ગોઠવીશ. જંગલમાં દરિયાઈ સજીવો માટે નવી તકો સર્જાશે એટલે ડબલ ફાયદો થશે.' રાજા સિંહે દરિયાઈ સજીવોના લાભાર્થે અનેકાનેક વાયદાઓનો વરસાદ કરી દીધો.
સસલાભાઈએ દરિયાકાંઠેથી હતું એટલું બળ કરીને પ્રચાર કર્યો. સસલાભાઈના પ્રચારકોએ તેમને દરિયાની એકાદ યાત્રા કરવાની સલાહ આપી, પરંતુ સસલાભાઈને ઊંડા પાણીથી ડર લાગતો હતો એટલે બહારથી જેટલો થાય એટલો પ્રચાર કર્યો. કાચબાભાઈ તો દરિયામાં જ રહીને પૂરજોશમાં મહેનત કરતા હતા. કાચબાભાઈ અને તેમની આખી ટીમ દિવસ-રાત પ્રચાર કરતી હતી.
આખરે દરિયામાં મતદાન થયું ને એનું પરિણામ પણ આવી ગયું. કાચબાભાઈ માટે આ પરિણામ આંચકાજનક હતું. ફરીથી દરિયાના મુખ્યમંત્રી બની જવાશે એમ માનતા કાચબાભાઈ મહારાજા સિંહના ઉમેદવાર હોલાજી હઠીલા સામે હારી ગયા. તેમના સમર્થકો આઘાતમાં હતા. એ તો માની શકતા ન હતા કે દરિયાની સત્તા એક હોલાના હાથમાં આવી ગઈ છે. ચર્ચા તો એવીય થતી હતી કે વિપક્ષના નેતા સસલાભાઈએ કાચબા વિશે એલફેલ નિવેદનો ન આપ્યાં હોત તો વાંધો આવ્યો ન હોત. ઘણા આરોપ મૂકતાઃ 'સસલાભાઈએ કાચબાના મતો કાપ્યા એમાં સિંહનો ઉમેદવાર હોલો ફાવી ગયો. સસલાભાઈ અને રાજા સિંહે અંદરખાને સમજૂતી કરીને કાચબાને હરાવી દીધો.'
દરિયાના મતદારોને આ પરિણામથી ખાસ આશ્વર્ય થયું નહીં. મતદારો ચર્ચા કરતા હતાઃ 'કાચબો એ જ લાગનો છે. રાજા સિંહના નામે દરિયામાં કેટલો કકળાટ કરતો હતો. જો એટલું કામ કર્યું હોત તો જીતી જાત.' ઘણા દલીલ કરતાઃ 'એટલા સમયથી કાચબાભાઈ કકળાટિયા પાસે સત્તા હતી તો તેમણે દરિયાના પ્રશ્નો ઉકેલવા જોઈતા હતા. સારું થયું કદ પ્રમાણે વેતરાઈ ગયો.'
જોકે, સાવ એવુંય ન હતું કે કાચબાભાઈએ દરિયાનાં વિકાસમાં કામ કર્યા ન હતા. પહેલી વખત ચૂંટાયા પછી ઘણી યોજનાઓ લોન્ચ કરી હતી ને એ બહુ હિટ થઈ હતી. દરિયાના સજીવોને પવિત્ર પાણીમાં ડૂબકી લગાવવાની યોજના બહુ પોપ્યુલર થઈ હતી. કાચબો આ યોજના હેઠળ દરિયાના સજીવોને જીવતા જીવત પુણ્યનું ભાથું બંધાવતો હતો. દરિયાઈ જીવસૃષ્ટિની નવી પેઢીને જમાના પ્રમાણે જે સ્કિલ વિકસાવવી પડે એમ હતી એ વિકસાવવા માટેય ઘણી યોજનાઓ શરૂ કરી હતી. જેમ કે, માછલીઓ માટે બિછાવાતી જાળ તોડવા કેવી તરકીબ કરવી એના તાલીમ સેશન કાચબાએ શરૂ કરાવ્યા હતા.
પણ જે કામો ખરેખર થવા જોઈએ એના તરફ ધ્યાન અપાયું નહીં. ધીમે ધીમે કાચબાએ કામ કરવાને બદલે ફરિયાદો શરૂ કરી હતીઃ
'રાજા સિંહ મને ફંડ આપતા નથી.'
'રાજા સિંહ મને કામ કરવા દેતા નથી.'
'રાજા સિંહ દરિયાના સજીવો સાથે ભેદભાવ કરે છે.'
દરિયામાં પાણી ખૂબ ગંદુ થઈ ગયું. એની ફરિયાદ કાચબાભાઈ પાસે પહોંચતી ત્યારે એ કહેતાઃ 'દરિયાનું પાણી કાંઠેથી પ્રદૂષિત કરવામાં આવે છે. એ મારા અંકુશમાં નથી.' પ્રદૂષિત હવાના કારણે માછલીઓને શ્વાસની બીમારી થવા માંડી ત્યારેય તેમણે બહાનું બતાવ્યુંઃ 'હવાનું પ્રદૂષણ જંગલના કાંઠે ધુમાડો કરીને ફેલાવવામાં આવે છે. એ રાજા સિંહનું ષડયંત્ર છે.'
દરિયાની કંઈ પણ સમસ્યા હોય ત્યારે કાચબાભાઈએ એકનો એક જવાબ આપતાઃ 'જંગલ-દરિયાની બધી જ આંતરિક બાબતો રાજા સિંહ અને તેમના અંગત વિશ્વાસુ રીંછભાઈના અંડરમાં આવે છે. એમાં મારું કંઈ ચાલતું નથી.'
એકના એક જવાબથી થાકેલા દરિયાઈ મતદારોએ આખરે નક્કી કર્યુંઃ 'જો બધી વાતમાં રાજા સિંહનું જ ચાલતું હોય તો પછી રાજા સિંહને જ સત્તા સોંપી દઈએ.'
ને એમ કાચબાભાઈનો પરાજય થયો. દરિયાના મતદારોએ વિચાર્યું, 'ચલો, હવે થોડા વર્ષ કાચબાભાઈના કકળાટિયાના કકળાટથી બચી શકાશે.'
પરંતુ એ કકળાટથી બચવું શક્ય ન હતું. હાર્યા પછી કાચબાભાઈએ નામ પ્રમાણે નવો કકળાટ શરૂ કર્યોઃ 'ચૂંટણીની જવાબદારી જેમના પર હતી એ બાજોએ કંઈક ગરબડો કરી છે. બાજોએ રાજા સિંહ સાથે મળીને મને હરાવી દીધો, પણ કંઈ વાંધો નહીં. હવે હું વિપક્ષમાં રહીને દરિયાના મુદ્દા ઉઠાવતો રહીશ!'