ઈશ્વરીય કૃપા મુક્ત અને બિનશરતી હોય છે
કલ્પવૃક્ષ
કોમળ કૃપા એ ભગવાનનો વિશેષ ગુણ છે, જે હંમેશા ક્રિયાશીલ હોય છે. એ મુક્ત અને બિનશરતી હોય છે. એની તમે માગણી કરી નથી હોતી. બદલામાં કોઈ ખ્યાલ વગર ભગવાન એ આપે છે. હવે કૃપાનો આ વિચાર કરોઃ
એ ભગવાનનાં નેત્રો છે, જે તમારી અંદર રહેલી માત્ર સારપ જ જુએ છે, તમે પોતે એ જોઈ ન શકતા હો ત્યારે પણ.
...અને એ ભગવાનના હાથ છે, જે તમારી એકાકી પળોમાં તમારી સાથે વાત કરે છે અને સેવા માટે સાદ કરે છે.
ભગવાનના વિચારો તમારી ચેતનામાં અદ્ભુત સર્જનાત્મક વિચારો તરીકે ગળાઈને આવે છે.
ભગવાનના કાન દરેક પ્રાર્થના સાંભળે છે, ભલે તે સાવ સાદી હોય કે પછી ભવ્ય હોય.
જ્યારે જ્યારે તમને હૂંફ ને સાંત્વનની જરૂર પડે ત્યારે ભગવાનના હાથ તમને વીંટળાઈ રહે છે.
...અને તમે 'આભાર' કહો છો ત્યારે ભગવાન સ્મિત કરે છે અને એ એની કૃપાનું જ સ્વરૂપ છે.
ભગવાનની કૃપા એવી બાબત છે જે તમને એટલી ઊંડાણથી સ્પર્શે છે કે શબ્દો એનું વર્ણન કરી શકે નહીં, કારણ કે તે શબ્દો અને વિચારથી પર છે. એમ છતાં તે નક્કર વાસ્તવિકતા છે - તમે જાણતા હો તેવી કોઈ પણ બાબત કરતાં વધુ વાસ્તવિક.
સાચે જ, ભગવાનની કૃપા તમારા પર પૂરતી વરસતી હોય છે.
ચમત્કારો સર્જતી આ કૃપા માટે હું ભગવાનનો આભાર માનું છું.
- એઇલિન કૅડી
(આધ્યાત્મિક શિક્ષક, લેખિકા.
જન્મઃ ૧૯૧૭, મૃત્યુઃ ૨૦૦૬)