Get The App

પોતાને સાચા લાગતા કાર્યો પાર પાડવામાં ડો.મનમોહન સિંહ કૃતનિશ્ચયી રહેતા

Updated: Jan 5th, 2025


Google NewsGoogle News
પોતાને સાચા લાગતા કાર્યો પાર પાડવામાં ડો.મનમોહન સિંહ કૃતનિશ્ચયી રહેતા 1 - image


- સરેરાશ ૬.૮૦ ટકા મજબૂત આર્થિક વિકાસ દર તેમના કાર્યકાળનું જમા પાસુ રહ્યું હતું 

- દસ વર્ષના વડા પ્રધાન તરીકેના કાર્યકાળમાં તેમણે હાંસલ કરેલા ૬.૮૦ ટકાના સરેરાશ આર્થિક વિકાસ દર અને બીજુ યુએનડીપી પ્રમાણે યુપીએ સરકારે દસ વર્ષમાં ૨૭ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢયા છે તે 

- ઓપિનિયન - પી.ચિદમ્બરમ્

ડો. મનમોહન સિંહનું ૯૨ વર્ષની વયે ૨૬, ડિસેમ્બર, ૨૦૨૪ના નિધન થયું. ૨૧ જૂન, ૧૯૯૧ના રોજ જ્યારે તેમણે નાણાં પ્રધાન તરીકે શપથ લીધા હતા ત્યારથી શરૂ થયેલા  અમારા સંબંધનો તેમની વિદાય સાથે અંત આવ્યો છે. 

ડો. મનમોહન સિંહની નાણાં પ્રધાન તરીકે નિમણૂંક કરવા પહેલા આ  પદ માટે  નરસિંહ રાવની પ્રથમ પસંદગી આઈ. જી. પટેલ હતા. અર્થશાસ્ત્રી પટેલે આ ઓફર નકારી કાઢી હતી અને તેમણે જ ડો. મનમોહન સિંહનું નામ સૂચવ્યું હતું. ડો. મનમોહન સિંહને તે વેળા પ્રથમ હરોળમાં નિહાળીને અનેક લોકોને આશ્ચર્ય થયું હતું. તેમને કેબિનેટ પ્રધાન બનાવાઈ રહ્યા છે તે નિશ્ચિત હતું પરંતુ તેમને કયો પોર્ટફોલિઓ અપાશે તે સામે સવાલ હતો. જો કે કલાકોની અંદર જ તેઓ નોર્થ બ્લોકમાં જોવા મળ્યા હતા. 

રૂપિયાનું ડિવેલ્યુએશન

૧ જુલાઈ, ૧૯૯૧ના રિઝર્વ બેન્કે રૂપિયાનું ડિવેલ્યુએશન જાહેર કર્યું હતું. ૩ જુલાઈના રોજ વડા પ્રધાન નરસિંહરાવે  મને તેમની ઓફિસમાં બોલાવ્યો હતો અને ડિવેલ્યુએશન સંદર્ભમાં તેમના કેટલાક કેબિનેટ સાથીઓની ગેરસમજ અંગે તેમણે મારી સાથે વાત કરી હતી. ત્યારે મે તેમને જણાવ્યું હતું કે, રુપી ઓવરવેલ્યુડ હતો, નિકાસને માર પડતો હતો, ફોરેકસ રિઝર્વ નીચુ હતું, વિદેશી રોકાણકારો ભારતમાં રોકાણ કરતા ખચકાતા હતા, અને બીજુ ઘણું. વધુ એક ડિવેલ્યુએશન થવાનું છે  એમ શ્રી. રાવે મને જણાવ્યું હતું અને કહ્યું કે હું નાણાં પ્રધાનને મળીને  તેઓ વધુ ડિવેલ્યુએશન  ભલે પડતું ન  મૂકે પરંતુ તે મોકૂફ રાખવા તેમને વિનંતી કરું. મને ખાતરી હતી કે આ માટે મને એકલાને જ દૂત તરીકે પસંદ કરાયો નહીં હોય.

આમછતાં, આશાવાદ સાથે, હું નોર્થ બ્લોક ધસી ગયો હતો. ડો. મનમોહન સિંહ નાણાં પ્રધાન બન્યા બાદ તેમની સાથે મારી તે પ્રથમ મુલાકાત હતી. વડા પ્રધાન રાવે મને જે સંદેશ આપ્યો હતો તે મેં તેમને જણાવ્યો. સંદેશ સાંભળીને ડો. સિંહ મુંઝાયા હતા એ મેં તેમના ચ્હેરા પરથી કળી લીધું હતું. તેમણે મને શાંતિથી સાંભળ્યો હતો અને જણાવ્યું કે, સવારે ૧૦ કલાકે  બજારો ખૂલ્યા તેની મિનિટોની અંદર જ સદર બીજુ પગલું લેવાઈ ગયું છે. તે વેળાના રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર સી. રંગરાજન સાથે ડો. સિંહે કઈ રીતે વાતચીત કરી હતી તેની સ્ટોરી ડિવેલ્યુએશનની આસપાસની લોકવાયકાનો ભાગ બની રહી છે. તેમના આ એક જ નિર્ણયથી એ સ્પષ્ટ થઈ ગયું હતું કે ડો. સિંહ એક કૃતનિશ્ચયી નાણાં પ્રધાન હતા. 

જ્યારે તેમની સરકારની સત્તા દાવ પર લાગી ગઈ હતી ત્યારે બીજી વખત તેમની કુશળતા સાબિત થઈ હતી. ભારત-અમેરિકા વચ્ચે સૂચિત અણુ કરાર  સામે ડાબેરી પક્ષો ખાસ કરીને સીપીઆઈ (એમ)ના વિરાધથી કરાર ઘોંચમાં પડવાનું જોખમ ઊભુ થયું હતું. જો કરાર થશે તો યુપીએ સરકારમાંથી ટેકો પાછો ખેંચી લેવાની સીપીઆઈ (એમ)ના મહામંત્રી પ્રકાશ ખરાતે ચીમકી આપી હતી. કોંગ્રેસના અનેક  નેતાઓ એક કરાર માટે સરકારને જોખમમાં મુકાય નહીં તેવો મત ધરાવતા હતા. આવી સ્થિતિમાં પણ ડો. સિંહ મક્કમ રહ્યા હતા. જો કરાર પડતો મૂકવા કોંગ્રેસ પોતાને દબાણ કરશે તો પોતાની પાસે રાજીનામુ આપવા સિવાય કોઈ વિકલ્પ નથી એવું તેમણે મને જણાવ્યું હતું. મેં તેમના કૃતનિશ્ચયને જોયો હતો તેમ છતાં, અન્ય પક્ષોનો ટેકો મેળવવાની શકયતા તપાસવા તેમને સૂચન કર્યું હતું. સૂચિત અણુ કરારની તરફેણમાં ટેકો જાહેર કરવા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામને તેમણે સમજાવ્યા હતા અને કલામના નિવેદનનો ઉપયોગ તેમણે મુલાયમસિંહ યાદવ તથા સમાજવાદી પક્ષનો ટેકો મેળવવામાં કર્યો હતો. ડાબેરી પક્ષોની ચીમકી નબળી પડી ગઈઅને સરકાર વિશ્વાસનો મત જીતી ગઈ હતી, અને છેવટે કરાર પાર પડયો હતો. ડાબેરી પક્ષોએ ટેકો પાછો ખેંચી લીધો હોવા છતાં પણ ડો. સિંહ તેમના નેતાઓને માનસન્માન આપતા હતા અને સારા સંબંધો જાળવી રાખ્યા હતા. 

દૂરંદેશી ઉદારમતવાદી

બહુ ઓછા લોકોને એની જાણ છે કે ડો. સિંહની દૂરંદેશી વગર યુપીએના મુખ્ય કાર્યક્રમો શરૂ અથવા અમલી બની શકયા નહોત. જેના બે ઉદાહરણોમાં  એક તો, કૃષિ દેવા માફી (૨૦૦૮) અને બીજો અન્ન મેળવવાનો અધિકાર કાર્યક્રમ (૨૦૧૩). આ બન્ને કલ્યાણકારી કાર્યક્રમોની ડો. સિંહ જોરદાર તરફેણમાં હતા. જો કે તેમણે આની રાજકોષિય ખાધ પર અસર ન પડે તેની ખાતરી રાખવા મને ચેતવ્યો હતો. તેમને એ હકીકતની જાણ હતી કે જો, બૃહદ આર્થિક સ્થિરતા પડી ભાંગશે તો, કોઈપણ કલ્યાણકારી કાર્યક્રમ મધ્યમ કે લાંબા ગાળે અમલી થઈ શકશે નહીં. તેમને એ વાતનો સંતોષ થયો કે સરકાર રાજકોષિય ખાધને કાબૂમાં રાખી શકશે ત્યાર પછી જ તેમણે આ કલ્યાણકારી કાર્યક્રમોને મંજુરી આપી હતી. 

ડો. સિંહ એક સહજ સુધારક હતા પરંતુ તેઓ સતત ગરીબોની તરફેણમાં રહેતા. કલ્યાણકારી કાર્યક્રમોના તેઓ મજબૂત ટેકેદાર હતા. આર્થિક સુધારા અને કલ્યાણકારી કાર્યક્રમો સાથોસાથ આગળ વધી શકે છે, તે તેઓ આપણને શીખવાડી ગયા છે. હું પોતે પણ દ્રઢપૂર્વક માનુ છું કે હાલનો મધ્યમ વર્ગ એ ડો. સિંહની નીતિઓેને કારણે જ રચાયો છે.

ઈતિહાસ આ છે

૧૯૯૧ પછી જન્મેલી આજની પેઢીને ભાગ્યેજ જાણ હશે કે દેશમાં માત્ર એક જ ટીવી ચેનલ, એક જ કાર, એક જ એરલાઈન, એક જ ટેલિફોન સેવા, પીસીઓ-એસટીડી-આઈએસડી બુથ હતા અને ટ્રેનની ટિકિટથી લઈ પાસપોર્ટ મેળવવા માટે લાંબો સમય રાહ જોવી પડતી હતી. વડા  પ્રધાન  નરેન્દ્ર મોદી તથા તેમની કેબિનેટે  ડો. સિંહને અંજલિ આપીને બદલાવના બીજ ડો. સિંહે જ રોપ્યા હોવાનું એકરીતે કબૂલ્યુ છે. 

ઈતિહાસ ડો. સિંહ પ્રત્યે દયાળુ રહે કે ન રહે પરંતુ હું માનુ છું કે, ઈતિહાસના પાના પર ડો. સિંહના બે અવિશ્વસ્નિય પદચિન્હો છે, એક તો,તેમણે તેમના દસ વર્ષના વડા પ્રધાન તરીકેના કાર્યકાળમાં તેમણે હાંસલ કરેલા ૬.૮૦ ટકાના સરેરાશ આર્થિક વિકાસ દર અને બીજુ યુએનડીપી પ્રમાણે યુપીએ સરકારે દસ વર્ષમાં ૨૭ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢયા છે તે. બન્ને અભૂતપૂર્વ છે  અને ત્યારપછી તે જોવાયા નથી. ઈતિહાસે તેનો ચુકાદો અગાઉ જ આપી દીધો છે.


Google NewsGoogle News