ડિજીટલ ક્રાંતિના કારણે ઉદ્યોગો, કૃષિ તેમજ સર્વિસ ક્ષેત્રમાં મોટા ફેરફાર

Updated: Jul 21st, 2024


Google NewsGoogle News
ડિજીટલ ક્રાંતિના કારણે ઉદ્યોગો, કૃષિ તેમજ સર્વિસ ક્ષેત્રમાં મોટા ફેરફાર 1 - image


- અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

- મેનેજમેન્ટ ક્ષેત્રમાં ઊભો થયેલો વેલ્યુ ચેઈનનો નવો કન્સેપ્ટ

હવે ભારતના કે જગતના અર્થકારણમાં સ્વાવલંબન અને સ્વદેશીનો યુગ ખતમ થયો છે. ડીજીટલ ક્રાંતિને કારણે જગતના ઉદ્યોગ, સર્વિસ અને કૃષિ ક્ષેત્રોમાં અને વ્યાપારના ક્ષેત્રમાં એટલા મોટા ફેરફારો આવ્યા છે કે મેનેજમેન્ટ ક્ષેત્રમાં વેલ્યુએડેડ અથવા વેલ્યુ ચેઈનનો કન્સેપ્ટ ઊભો થયો છે જેને કારણે ઉત્પાદન અને વ્યાપાર ક્ષેત્રે ક્રાંતિ આવી છે. દુનિયાની મોટાભાગની કંપનીઓ પોતાના સમગ્ર ઉત્પાદન માટે અથવા પ્રોડક્ટસના પાર્ટ્સ માટે કે કિંમતી ખનીજો માટે અન્ય દેશો પર મોટા પ્રમાણમાં આધાર રાખે છે. પરિણામે ઉત્પાદન ઓછા ખર્ચે થાય છે. અમેરિકા કે જાપાન કોમ્પ્યુટર ચીપ્સ માટે તાઈવાન પર આધાર ના રાખે અને કોમ્પ્યુટર ચીપ્સનું સ્વાવલંબનને નામે ઘર આંગણે ઉત્પાદન કરે તો કોમ્પ્યુટરની સમગ્ર સિસ્ટમ ઘણી જ મોંઘી પડે. અત્યાર સુધી વિદેશી વ્યાપાર તો વધતો જતો હતો પરંતુ હવે દેશી અને વિદેશી વ્યાપારમાં કોમ્પ્યુટર્સની મદદથી વેલ્યુ ચેઈનનો કન્સેપ્ટ ઊભર્યો છે તેને કારણે દરેક દેશને ફાયદો થયો છે. સ્વદેશી અને સ્વાવલંબન પર આધાર રાખ્યો હોત તો ભારતની ચાર મોટી કંપનીઓ જે વિદેશમાં પોતાની સેવાઓ પૂરી પાડી કરોડો ડોલર્સ (હા, કરોડો ડોલર્સ) કમાય છે તે વિકસી શકત નહીં. આ ચાર કંપનીઓ ઇન્ફોસીસ, ટાટા કન્સલ્ટન્સી, વીપ્રો અને એચસીએલનો સમાવેશ થાય છે. ૧૯૮૦ના દાયકામાં આ કંપનીઓનું અસ્તિત્ત્વ જ ન હતું અને વીપ્રો તો વેજીટેબલ ઓઇલમાં માર્કેટમાં હતી - કોમ્પ્યુટર ક્ષેત્રમાં નહીં.

આવા બદલાયેલા માહોલમાં પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણ ભારત માટે ઘણું જરૂરી છે. પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ એટલે વિદેશી મૂડી ધારકોનું ભારતમાં ઉત્પાદક ક્ષેત્રોમાં પ્રત્યક્ષ રોકાણ જે ભારતને વિદેશી હૂંડિયામણ પણ કમાવી આપે છે અને તેઓ અદ્યતન ટેકનોલોજી લાવતા હોવાથી ભારતીય કંપનીઓની ઉત્પાદકતા પણ વધે છે. ભારતમાં અપ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણ વિદેશી પોર્ટફોલીયો ઇન્વેસ્ટમેન્ટ દ્વારા આવે છે. આ રોકાણ ભારતની કંપનીઓના શેર, બોન્ડ, ડીબેન્ચર્સમાં કરવામાં આવે છે. વળી ભારતના હૂંડિયામણ ફંડમાં હવે વિદેશમાં વસેલા ભારતીયજનો પોતાની આવકનો અમુક ભાગ ભારતમાં મોકલીને ભારતીય હૂંડિયામણ ફંડમાં વધારો કરે છે.

પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણમાં ઘટાડો

ભારતના પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ ઘટી રહ્યું છે. ૨૦૨૦-૨૦૨૧માં તો ૫૬.૬ બીલીયન ડોલર્સ (એક બીલીયન ડોલર્સ બરાબર ૮૨૦૦ કરોડ રૂપિયા) તે ૨૦૨૩-૨૦૨૪માં ઘટીને ૪૪.૪ બીલીયન ડોલર્સ પર પહોંચી ગયું છે. વિચાર તો કરો કે આઝાદીના ૭૦ વર્ષ બાદ ભારતની સરાસરી માથાદીઠ આવક માત્ર ૨૭૩૧ ડોલર્સ છે.

બદલાયેલો માહોલ

જમાનાની બદલાયેલી તાસીર તો જુઓ કે આઝાદી પહેલા આપણે વિદેશીમાલ, વિદેશી મૂડી વગેરેનો વિરોધ કરતા હતા અને વિદેશી માલની હોળી કરતા હતા જ્યારે હવે આપણે વિદેશી પ્રત્યક્ષ મૂડીરોકાણને આર્કષવા મરણીયા પ્રયત્નો કરીએ છીએ પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણ એટલે વિદેશીઓનું મેન્યુફેકચરીંગ, વિતરણ વ્યવસ્થા, અને હજારો પ્રકારના ઉદ્યોગોમાં પ્રત્યક્ષ રોકાણ જે આપણને વિદેશી હૂંડિયામણ કમાવી આપે છે અને અદ્યતન ટેકનોલોજી દેશમાં લાવે છે. અત્યારે ભારતના કોમ્યુનીકેશન, ડીજીટલ ટેકનોલોજી, એઆઈ, કોમ્પ્યુટર્સ ચીપ્સ વગેરે ક્ષેત્રોમાં વિદેશી અને દેશી રોકાણ મોટા પ્રમાણમાં આવી રહ્યાં છે. અપ્રત્યક્ષ વિદેશી રોકાણ એટલે ભારતના શેરબજાર, મૂડીબજાર, વગેરેમાં રોકાણ જેને આપણે પોર્ટફોલીઓ ઇન્વેસ્ટમેન્ટ કહીએ છીએ. તે મોટા પ્રમાણમાં આપણા વિદેશી હૂંડિયામણમાં વધારો કરે છે. ભારતની નિકાસ કરતા ભારતની આયાત વધુ છે જેને ટ્રેડ ડેફીસીટ કહે છે જે આપણા વિદેશી હૂંડિયામણને ઘટાડે છે પરંતુ ભારતમાંથી વિદેશ જઈને કમાતા લોકો અબજો ડોલર્સનું હૂંડિયામણ આપણા દેશમાં મોકલી આપે છે જે ભારતને ઘણું કામ લાગે છે. હવે જગતના દેશો વિદેશી હૂંડિયાણ અને વિદેશી ટેકનોલોજીની ઝંખના કરે છે.


Google NewsGoogle News