મણિપુરની વણસતી જતી પરિસ્થિતિ
- વંશીય સંઘર્ષ અને સરકારની ઉદાસીનતા જવાબદાર
- મણિપુરના ગમખ્વાર પતન માટે જવાબદારી સ્વીકારવી પડશે. આ સમગ્ર ઘટના માટે પ્રશાસનમાં મુખ્યત્વે ત્રણ જણા જવાબદાર કહી શકાય
- નાગાઓને કેન્દ્ર અને રાજ્ય સામે તેમની પોતાની ઐતિહાસીક ફરિયાદો છે અને તેમને મેતી વિ. કુકી-ઝોમી સંઘર્ષમાં સામેલ થવાની બિલકુલ ઈચ્છા નથી
- ઓપિનિયન - પી.ચિદમ્બરમ્
પાછલી કોલમોના પાના ફેરવતા મને ૩૦ જુલાઈ, ૨૦૨૩ના રોજ મણિપુર બાબતે નહિ લખવા માટે ભારે અફસોસ થયો અને હવે આજે ૧૩ મહિનાથી વધુ સમય થઈ ગયો. આ બાબત અક્ષમ્ય છે. આ બાબત મણિપુરને પોતાની સામૂહિક ચેતનાના સૌથી ઊંડા ખૂણામાં ધકેલી દેવા માટે તમામ ભારતીયો માટે અક્ષમ્ય છે.
જ્યારે મેં ગયા વર્ષે લખ્યું હતું ત્યારે સંકેતો અશુભ હતા. મેં કહ્યું હતું કે આ વંશીય સાફસૂફીની શરૂઆત છે. ત્યારે મેં કહ્યું હતું કે આજે મને મળેલા અથવા વાંચેલા તમામ અહેવાલો મુજબ ઈમ્ફાલની ખીણમાં કોઈ કુકી-ઝોમી બાકી નથી રહ્યા અને મેતી કુકી-ઝોમી બહુલ વિસ્તારોમાં કોઈ મેતી નથી. મેં કહ્યું હતું કે મુખ્ય મંત્રી અને તેમના મંત્રીઓ તેમના ઘરેથી કામ કરી રહ્યા છે અને તેઓ પ્રભાવિત વિસ્તારોમાં જઈ શકવા સમર્થ નથી. મેં એવુું પણ કહ્યું હતું કે કોઈ વંશીય જૂથોને મણિપુરની પોલીસ પર વિશ્વાસ નથી રહ્યો અને કોઈ ખુવારી બાબતે સત્તાવાર આંકડા પર વિશ્વાસ નથી રાખતું.
મણિપુરની સ્થિતિ માટે જવાબદાર મુખ્ય ત્રણ વ્યક્તિઓ
મેં લખેલો પ્રત્યેક શબ્દ અફસોસજનક રીતે ખરો પડયો છે. સંસદીય લોકશાહીમાં પ્રશાસનમાં એક અથવા વધુએ મણિપુરના ગમખ્વાર પતન માટે જવાબદારી સ્વીકારવી પડશે. આ સમગ્ર ઘટના માટે પ્રશાસનમાં મુખ્યત્વે ત્રણ જણા જવાબદાર કહી શકાય-
પ્રથમ જવાબદાર વ્યક્તિ છે વડા પ્રધાન નરેન્દ્ર મોદીઃ એવું લાગે છે કે તેમણે મણિપુર રાજ્યની મુલાકાત ન લેવાની પ્રતિજ્ઞાા લીધી છે. તેમનો અભિગમ એવો છે કે ભલે મણિપુર ભડકે બળે, હું મણિપુરની ધરતી પર પગ નહીં મુકુ. ૯મી જૂન, ૨૦૨૪ના રોજ તેમના ત્રીજા સત્રની શરૂઆતથી વડા પ્રધાનને ઈટાલી (૧૩-૧૪ જૂન), રશિયા (૮-૯ જુલાઈ), ઓસ્ટ્રિયા (૧૦ જુલાઈ), પોલેન્ડ (૨૧-૨૨ ઓગસ્ટ), યુક્રેન (૨૩-૨૪ ઓગસ્ટ), બુ્રનેઈ (૩-૪ સપ્ટેમ્બર) અને સિંગાપોર (૪-૫ સપ્ટેમ્બર) જવાનો સમય મળ્યો. ૨૦૨૪ના બાકીના મહિનાઓમાં તેમનું અમેરિકા, લાઓસ, સેમોસ, રશિયા, અઝરબૈજાન અને બ્રાઝિલ જવાનું નક્કી છે. એ બાબત નિર્વિવાદ છે કે વડા પ્રધાને મણિપુરની મુલાકાત સમય અથવા થાકને કારણે નથી લીધી એવું નથી, પણ તેઓ આ અસહાય રાજ્યની મુલાકાત ન લેવા પ્રતિબદ્ધ છે.
મણિપુર જવા માટે તેમનો ઈન્કાર તેમના જક્કીપણાની સાબિતી છે. આ અભિગમની ઝલક આપણને ગુજરાતના રમખાણો, સીએએ વિરોધી દેખાવો અને ત્રણ કૃષિ કાયદા સામે ખેડૂતોના દેખાવો સમયે પણ જોવા મળી હતી જ્યારે તેમણે તેમના તમામ મંત્રીઓને સંસદના બંને ગૃહોમાં તમામ સુધારાનો વિરોધ કરવાની સૂચના આપી હતી, પછી ભલે તે ગમે તેટલા જરૂરી હોય.
બીજા જવાબદાર વ્યક્તિ છે ગૃહ મંત્રી અમિત શાહઃ તેમની સૂચનાઓ રાજ્ય સરકારમાં વરિષ્ઠ અધિકારીઓની નિયુક્તિથી લઈને સુરક્ષા બળોની તૈનાતી સુધી મણિપુરના પ્રશાસનના તમામ પાસાને આવરી લે છે. તેઓ મણિપુરના પ્રશાસક છે. તેમના જ નિરીક્ષણ હેઠળ હિંસા ભડકી હતી. મણિપુરના લોકો એકબીજા સાથે માત્ર બંદુકો અને બોમ્બથી નથી લડતા. સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં પ્રથમવાર રોકેટો અને સશસ્ત્ર ડ્રોનનો ઉપયોગ થયો. છેલ્લા એક અઠવાડિયામાં બે જિલ્લામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો, સ્કૂલો અને કોલેજો બંધ રાખવામાં આવ્યા, પાંચ જિલ્લામાં ઈન્ટરનેટ બંધ રાખવામાં આવ્યું અને ઈમ્ફાલની સડકો પર પોલીસો વિદ્યાર્થીઓ સામે લડી રહ્યા છે. સીઆરપીએફની બે વધુ બેટેલિયન ( બે હજાર પુરુષ અને મહિલાઓ)ને પહેલેથી તૈનાત ૨૬ હજાર કર્મીઓના બળને વધુ મજબૂત કરવા મોકલી અપાયા છે.
ત્રીજી જવાબદાર વ્યક્તિ છે મણિપુરના મુખ્ય મંત્રી એન બિરેન સિંઘઃ તેઓ પોતે જ રચેલી કેદમાં જકડાઈ ગયા છે. તેઓ અને તેમના મંત્રીઓ ઈમ્ફાલ ખીણની આસપાસ ફરકી પણ નથી શકતા. કુકી-ઝોમી તેમને નફરત કરે છે. મેતીને એવો ભ્રમ હતો કે તેઓ તેમની સુરક્ષા કરી શકશે, પણ તેમની સરિયામ નિષ્ફળતાએ તેમને મણિપુરમાં સૌથી અપ્રિય બનાવી દીધા છે. તેમનું અસક્ષમ અને પક્ષપાતી શાસન નાગરી અસંતોષનું કારણ હતું, પણ હવે તેઓ જ મુખ્ય સમસ્યા છે અને તમામ પક્ષોની ઉશ્કેરણી કરી રહ્યા છે.
તેમણે અનેક મહિનાઓ અગાઉ રાજીનામુ આપી દેવું જોઈતું હતું. તેમનું પદ પર ચાલુ રહેવું મોદી અને શાહના ક્યારે પણ ભૂલ નહિ સ્વીકારવાના અભિગમને ઉજાગર કરે છે.
વિભાજીત મણિપુર
મણિપુર વાસ્તવમાં બે રાજ્ય છે. કુકી-ઝોમી અને નાગાની મિશ્ર વસતી ધરાવતા ચુરાચંદપુર, ફેરઝવાલ અને તેંગનોપાલ જિલ્લા ( સરહદી ગામ મોરેહ સહિત) વાસ્તવમાં કુકી-ઝોમીના નિયંત્રણમાં છે. કુકી-ઝોમી અલગ પ્રશાસન ચલાવી રહ્યા છે. કુકી-ઝોમી નિયંત્રિત વિસ્તારોમાં કોઈ મેતી સરકારી કર્મચારી નથી.
તેમને ખીણના જિલ્લાઓમાં ધકેલી દેવામાં આવ્યા છે. કુકી-ઝોમી એવા રાજ્યનો હિસ્સો નથી બનવા માગતા જ્યાં મેતી બહુમતીમાં હોય(૬૦ સભ્યોના ગૃહમાં તેમના ૪૦ વિધાનસભ્યો છે). મેતીને મણિપુરની ઓળખ અને ક્ષેત્રીય અખંડતતા સુરક્ષિત રાખવી છે. બંને સમુદાય વચ્ચેની શત્રુતા તીવ્ર અને ઊંડી છે.
સરકાર અને વંશીય જૂથો અથવા મેતી અને કુકી-ઝોમી, કોઈ પક્ષ વચ્ચે વાટાઘાટ નથી થઈ રહી. નાગાઓને કેન્દ્ર અને રાજ્ય સામે તેમની પોતાની ઐતિહાસીક ફરિયાદો છે અને તેમને મેતી વિ. કુકી-ઝોમી સંઘર્ષમાં સામેલ થવાની બિલકુલ ઈચ્છા નથી.
આશાનું કોઈ કિરણ નથી દેખાતું
મણિપુુર શંકા, દગો અને વંશીય સંઘર્ષના જાળામાં સપડાયું છે. મણિપુરમાં શાંતિ જાળવવી અને સરકાર ચલાવવી ક્યારેય સરળ કાર્ય નહોતું. પણ હવે કેન્દ્ર સરકારની બેદરકારી અને રાજ્ય સરકારની અસક્ષમતાને કારણે તે અકલ્પનીય રીતે વિકટ બની છે અને બંને સ્થળે ભાજપની સરકાર છે. ભારતના વડા પ્રધાનને કદાચ અહેસાસ થઈ ગયો છે કે ભારતના રાજ્ય મણિપુરની મુલાકાત લેવી ચંદ્રની અંધારી બાજુની મુલાકાત લેવા જેટલું જ જોખમી છે.