Get The App

વડા પ્રધાનના સ્વતંત્રતા દિવસનું ભાષણ વિભાજન કરતું વિવાદાસ્પદ વિઝન

Updated: Aug 25th, 2024


Google NewsGoogle News
વડા પ્રધાનના સ્વતંત્રતા દિવસનું ભાષણ વિભાજન કરતું વિવાદાસ્પદ વિઝન 1 - image


- વિરોધીઓને વિકૃત કહીને વડા પ્રધાને લોકશાહી પ્રત્યે અણગમો દાખવ્યો

- ભાજપની સીટ ઘટીને ૨૪૦ થયા પછી આપણે એમ વિચારતા હોઈએ કે અમુક મુદ્દાઓ કોરાણે મૂકી દેવાશે તો આપણે ખોટા પડયા છીએ. દેખીતી રીતે વડા પ્રધાન હજી પણ યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) અને એક રાષ્ટ્ર, એક ચૂંટણી માટે મક્કમ રહ્યા છે

- ઓપિનિયન - પી.ચિદમ્બરમ્

વડા પ્રધાને સળંગ અગિયારમી વાર સ્વતંત્રતા દિવસે ભાષણ આપીને એક પ્રકારનો રેકોર્ડ સર્જ્યો. લાલ કિલ્લાના મંચ પરથી ૯૮ મિનિટનું આ સૌથી લાંબુ ભાષણ હતું. આ તેમના ત્રીજા સત્રની શરૂઆત હતી અને વડા પ્રધાન આગામી પાંચ વર્ષના સમયમાં સરકાર માટે તેમનું વિઝન રજૂ કરશે એવી અપેક્ષા હતી.

ભાજપના નેતાઓએ આ ભાષણને નવા નિડર વિઝનને ઉજાગર કરતું ગણાવ્યું હતું. જો એમ હોય તો મને ભય છે કે આ વિઝન સમાજના એક વર્ગને લક્ષ્યાંક બનાવી રહ્યું છે.

વડા પ્રધાને કહ્યું કે આપણે મક્કમતા સાથે આગળ ધપી રહ્યા છીએ, આપણે પ્રગતિ કરી રહ્યા છીએ, પણ બીજુ સત્ય એ પણ છે કે કેટલાક લોકો એવા પણ છે જેમને ભારતની પ્રગતિ ખૂંચે છે. કેટલાક લોકો ભારત માટે સારી બાબતો સ્વીકારી નથી શકતા. તેમના પોતાના સ્થાપિત હિત સચવાતા ન હોવાથી તેઓ અન્યોનો વિકાસ જોઈ નથી શકતા. આવો વિકૃત અભિગમ ધરાવતા લોકોની વિશ્વમાં કોઈ કમી નથી.

લોકશાહી માટે અણગમો

આ કેટલાક લોકો કોણ છે? હું એવા કોઈને જાણતો નથી કે જેને ભારતની કૃષિ, માહિતી પ્રૌદ્યોગિકી, પરમાણુ ઉર્જા, અવકાશ વગેરેમાં પ્રગતિ પર ગર્વ ન હોય. શું વડા પ્રધાન તેમની અને એનડીએ વિરુદ્ધ મતદાન કરનારા ૨૬ કરોડ લોકો પ્રત્યે ઈશારો કરી રહ્યા હતા? અથવા તો વધતી બેરોજગારી માટે તેમની ટીકા કરનારા યુવા વર્ગ પ્રત્યે કોઈ સંકેત કરી રહ્યા હતા? અથવા તો વધતી મોંઘવારીના બોજા બાબતે ફરિયાદ કરનારી ગૃહિણીને ઈશારો કરી રહ્યા હતા? અથવા તો ભારતીય વિસ્તારોના ચીનના બેશરમ કબજા સામે ભારતે ચૂપચાપ કરેલી પીછેહઠથી ચિંતિત થયેલા સૈનિકો અને ભૂતપૂર્વ સેવાકર્મીઓ સામે કોઈ ઈશારો હતો? ભારત માટેના વિઝન ફરતે લોકોને એકત્ર કરવાના ઈરાદે કરાયેલા ભાષણમાં વડા પ્રધાને વાસ્તવમાં તેમની સરકારની ખોટી નીતિઓ દ્વારા લોકોમાં થયેલા વિભાજનમાં વધારો કર્યો હતો. તેમની સરકારના વિરોધીઓને વિકૃત કહીને તેમણે લોકશાહી ચૂકાદા માટે તેમનો અનાદર વ્યક્ત કર્યો હતો.

ભાજપની સીટ ઘટીને ૨૪૦ થયા પછી આપણે એમ વિચારતા હોઈએ કે અમુક મુદ્દાઓ કોરાણે મૂકી દેવાશે તો આપણે ખોટા પડયા છીએ. દેખીતી રીતે વડા પ્રધાન હજી પણ યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) અને એક રાષ્ટ્ર, એક ચૂંટણી માટે મક્કમ રહ્યા છે. તેમણે પોતાના સ્વતંત્રતા દિવસના ભાષણમાં બંનેનો ઉલ્લેખ કર્યો. તેમણે વર્તમાન પર્સનલ લો કોડને કોમવાદી સિવિલ કોડ તરીકે ગણાવ્યા અને કહ્યું કે રાષ્ટ્રનું ધાર્મિક ધોરણે વિભાજન કરતા કાયદાનું આધુનિક સમાજમાં કોઈ સ્થાન નથી. હું તેના સ્થાને બિનસાંપ્રદાયિક સિવિલ કોડ દેશમાં ઈચ્છું છું. આપણે ૭૫ વર્ષ કોમવાદી સિવિલ કોડ હેઠળ વિતાવ્યા. હવે આપણે સેક્યુલર સિવિલ કોડ તરફ આગળ વધવાનું છે. ત્યારે જ આપણને ધાર્મિક ધોરણે ભેદભાવ સર્જતા કાયદાને કારણે થતા અણબનાવથી રાહત મળશે.

વડા પ્રધાનનું આ નિવેદન ક્ષતિ, ઓછી સમજ અને પૂર્વગ્રહનું મિશ્રણ હતું. પ્રત્યેક પર્સનલ કાયદો ધાર્મિક ધોરણે હોય છે અને તેમાં હિન્દુ કોડ પણ સામેલ છે, પણ તેનાથી તે કોમવાદી કોડ નથી બની જતો. લગ્ન બાબતે સેક્યુલર કોડ છે જ, દાખલા તરીકે સ્પેશિયલ મેરેજ એક્ટ, પણ ભારતના લોકોમાં તે ઓછો સ્વીકાર્ય છે. ભારતનો સામાન્ય માણસ (હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શિખ અથવા પારસી) તેનો પડોશી અન્ય સિવિલ કોડ અપનાવે તો ભેદભાવ નથી અનુભવતા. જો તમામ ધાર્મિક જૂથો અને સમુદાયો એક યુનિફોર્મ સિવિલ કોડ વિશે સહમત થાય તો તે ઉત્તમ છે, પણ આવું વિચારવું અને કહેવું સહેલુ છે, તેનો અમલ મુશ્કેલ છે.

વિભાજનકારી ભાષા

યુનિફોર્મ સિવિલ કોડ અથવા એક રાષ્ટ્ર એક ચૂંટણીનો વિચાર જ ચિંતા ઉપજાવે છે અને સૌ પ્રથમ લોકોનો ભય દૂર કરવો જરૂરી છે. મેં અગાઉ યુસીસી અને એક રાષ્ટ્ર એક ચૂંટણીનો છૂપો એજન્ડા જાહેર કર્યો હતો. યુસીસી માટે તમામ ધાર્મિક જૂથો અને સમુદાયો સાથે વ્યાપક અને વિસ્તૃત ચર્ચા જરૂરી છે. એક રાષ્ટ્ર એક ચૂંટણી માટે બંધારણના અનેક આર્ટિકલોમાં સુધારા કરવા પડશે. વડા પ્રધાનના ભાષણથી મુદ્દાઓની શરૂઆત અથવા અંત નથી આવતો. તેનાથી વિપરીત તેનો અર્થ એવો થઈ રહ્યો છે કે વિભાજનકારી મુદ્દાઓ ઉઠાવવામાં આવશે અને સંસદમાં પરાણે પસાર કરવામાં આવશે જેનાથી લોકોમાં વધુ વિભાજન થશે.

લોકસભાની ચૂંટણીમાં વધુ પ્રમાણમાં વિભાજનકારી ભાષાનો પ્રયોગ થયો હતો. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા પર હુમલો કરતા વડા પ્રધાને કહ્યું હતું કેઃ

- કોંગ્રેસ લોકોની જમીન, સોનું અને અન્ય મૂલ્યવાન વસ્તુઓ મુસ્લિમોમાં વહેંચી નાખશે

- કોંગ્રેસ તમારું મંગળસુત્ર અને સ્ત્રીધન લઈ લેશે અને વધુ બાળકો હોય તેવા લોકોને આપી દેશે

અમિત શાહે કહ્યું હતું કે કોંગ્રેસ મંદિરની મિલકતો જપ્ત કરી લેશે અને તેને વિતરીત કરી નાખશે.

રાજનાથ સિંહએ કહ્યું હતું કે કોંગ્રેસ લોકોની મિલકતો જપ્ત કરીને ઘૂસણખોરોમાં વહેંચી નાખશે.

સૌથી વધુ ચક્રાવે ચઢાવનાર મોદીનું નિવેદન હતું જેમાં તેમણે લોકોને ચેતવણી આપી કે તેમની ભેંસો પર વારસા કર નાખવામાં આવશે. મીડિયામાં પણ કોઈએ આવો બકવાસ બંધ કરવાની હાકલ ન કરી.

ગર્વ ભંગ કરતા ચૂંટણી ચુકાદાથી વડા પ્રધાન અટક્યા નથી, પણ સત્તા ગુમાવવાના ભયે તેમની સરકારને અનેક મુદ્દા પર પીછેહઠ કરવાની ફરજ પાડી છે ઃ કેપિટલ ગેન માટે ઈન્ડેક્સ લાભ ચાલુ રાખવામાં આવ્યો છે, વક્ફ બિલ સંસદીય સમિતિને સોંપવામાં આવ્યું છે, બ્રોડકાસ્ટિંગ બિલ પાછું ખેંચવામાં આવ્યું છે અને કેન્દ્ર સરકારમાં સીધા પ્રવેશની યોજના બંધ કરવામાં આવી છે. વધુ વિભાજનકારી વિચારોનો ભય ત્યારે જ દૂર થશે જ્યારે સીએએ, યુસીસી અને એક રાષ્ટ્ર એક ચૂંટણીના પ્રસ્તાવો પાછા ખેંચવામાં આવશે.

વિઝન ત્યારે જ ઉદ્ભવી શકે જ્યારે ભાજપની વિભાજનની રમત બંધ કરવામાં આવે.


Google NewsGoogle News