Get The App

'હિંદુ રાષ્ટ્ર'નું બંધારણ બનાવવાનું શરૂ કરાયું

Updated: Aug 14th, 2022


Google NewsGoogle News
'હિંદુ રાષ્ટ્ર'નું બંધારણ બનાવવાનું શરૂ કરાયું 1 - image

'હિંદુ રાષ્ટ્ર'નું બંધારણ બનાવવાનું શરૂ કરાયું

નવીદિલ્હી, તા.૧૪

દેશને આઝાદી મળી તેને સોમવારે ૭૫ વર્ષ પૂરાં થશે ત્યારે હિંદુવાદીઓએ ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર કરવાની માગ બુલંદ કરી છે. તેના ભાગરૂપે કેટલાક હિંદુ સંતો-વિદ્વાનો 'હિન્દુ રાષ્ટ્રના રૂપમાં ભારતનું બંધારણ'નો ડ્રાફ્ટ બનાવી રહ્યા છે. ૨૦૨૩ના માધ મેલામાં  દરમિયાન ધર્મ સંસદમાં આ ડ્રાફ્ટ રજૂ કરવામાં આવશે. આ ડ્રાફ્ટ દેશના સેક્યુલર બંધારણને સ્થાને લાવવાની માંગ હોવાના કારણે નવો વિવાદ પેદા થવાની પૂરી શક્યતા છે.

ડ્રાફ્ટ બનાવનારી સમિતીમાં હિન્દુ રાષ્ટ્ર નિર્માણ સમિતિના પ્રમુખ કમલેશ્વર ઉપાધ્યાય, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ બી.એન. રેડ્ડી, સંરક્ષણ નિષ્ણાત આનંદ વર્ધન, સનાતન ધર્મના વિદ્વાન મનાતા ચંદ્રમણિ મિશ્રા અને વિશ્વ હિન્દુ મહાસંઘના અધ્યક્ષ અજય સિંહ મુખ્ય છે.  શામ્ભવી પીઠાધીશ્વરના માર્ગદર્શનમાં ૩૦ લોકો બંધારણનો ડ્રાફ્ટ તૈયાર કરી રહ્યા છે. 

આ હિન્દુ રાષ્ટ્ર બંધારણ અનુસાર દિલ્હીની જગ્યાએ વારાણસી દેશની રાજધાની હશે. કાશીમાં ધર્મ સંસદ બનાવશે અને રાષ્ટ્રનું લક્ષ્ય અખંડ ભારતના સપનાને સાકાર કરવાનું હશે. હિન્દુ રાષ્ટ્રના બંધારણમાં મુસ્લિમ અને ખ્રિસ્તીઓને મત આપવાનો અધિકાર નહીં હોય એવી જાહેરાત કરાઈ છે.

કર્ણાટકમાં સંતોષ મુખ્યમંત્રી નહીં બને

ભાજપના કર્ણાટક પ્રભારી અરૂણ સિંહે જાહેરાત કરી છે કે, ભાજપ વિધાનસભાની ચૂંટણી બસવરાજ બોમ્મઈના નેતૃત્વમાં લડશે અને બોમ્માઈ ભાજપનો મુખ્યમંત્રીપદનો  ચહેરો હશે. ભાજપે સંગઠનના માળખામાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લઈને  ૧૫૦ બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. ભાજપનાં સૂત્રોના મતે, મોદીએ સંતોષને બેસાડવાની માગણી ફગાવી દીધી છે.

સિંહનો આક્ષેપ છે કે, કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી. એટલા માટે તે  મુખ્યમંત્રી બદલાશે એવી અફવા ફેલાવી રહી છે પણ આ વાતમાં કોઈ દમ નથી. કોંગ્રેસના નેતા  ડી.કે. શિવકુમાર અને સિદ્ધારમૈયા અફવાઓ ફેલાવી રહ્યા છે પણ તેના પર ધ્યાન આપવાની જરૂર નથી.

થોડા દિવસ પહેલાં તુમાકુરુના ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય સુરેશ ગૌડાએ પ્રેેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે, ભાજપની ટોચની નેતાગીરી બોમ્માઈને મુખ્યમંત્રીપદેથી હટાવવા પર વિચાર કરી રહી છે. શક્ય છે કે, ૧૫ ઓગસ્ટ પહેલાં બોમ્મઈની જગ્યાએ અન્ય કોઈને જવાબદારી સોંપવામાં આવે.

નિર્મલાએ રાજ્યોને સલાહ આપતા મજાક ઊડી 

નાણામંત્રી નિર્મલા સીતારામણે રાજ્યોને સલાહ આપી છે કે, મફતની રેવડી જરૂર વહેંચો  પણ પહેલાં પોતાની સરકારના ખજાનામાં કેટલાં નાણાં છે તેની તપાસ કરો અને તે અનુસાર બજેટમાં જોગવાઈ  કરો.

આ સલાહ બદલ સોશિયલ મીડિયા યુઝર્સ નિર્મલાની મજાક ઉડાવી રહ્યા છે. ભાજપ દેશ પર વધતા દેવા વચ્ચે ખેડૂતોન દર ચાર મહિને બે હજાર રૂપિયાની લહાણી કરે છે ને નિર્મલા બીજાંને સલાહ આપે છે. ઘણાં લખી રહ્યાં છે કે, રાજ્યોની આર્થિક હાલત તમારા કારણે ખરાબ છે કેમ કે તમે જીએસટીમાં તેમના હિસ્સાની રકમ આપતાં નથી.

મોદીએ કોઈનું પણ નામ લીધા વિના અમુક રાજ્ય સરકારો મફત રેવડી વહેંચે છે એવો  ઉલ્લેખ કર્યો તેના પગલે ભાજપના નેતા આ મુદ્દે મચી પડયા છે.  મોદીએ કહેલું કે, આ માનસિકતા દેશ માટે તે ઘાતક છે. મોદીએ દિલ્હી અને પંજાબની આમ આદમી પાર્ટીની સરકારોને નિશાન બનાવી હતી.

યુપીમાં કચરાની ગાડીમાં તિરંગા વહેંચાતાં વિવાદ

ઉત્તર પ્રદેશમાં કચરાની ગાડીમાં રાષ્ટ્રધ્વજનો ખડકલો કરીને લોકોને વહેંચાતા હોવાનો વીડિયો વાયરલ થતાં વિવાદ થઈ ગયો છે. અયોધ્યા જિલ્લાના રામનગરમાં કચરાની ગાડીમાં તિરંગા લાવીને તિરંગાનું અપમાન થતું હોવાનો વિવાદ ચગ્યો છે. કચરાની ગાડીમાંથી તિરંગા અપાતા હોય એવો વીડિયો સપાના અખિલેશ યાદવે પણ સત્તાવાર ટ્વિટર અકાઉન્ટ પર મૂક્યો છે. 

સરકારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનની ૧૩ ઓગસ્ટથી શરૂઆત  કરી છે.  ૧૫ ઓગસ્ટ સુધી ચાલનારા આ અભિયાનનો ભાગ બનવા લોકો પોતપોતાના ઘર પર તિરંગો ઝંડો ફરકાવી રહ્યા છે ત્યારે આ ઘટના સામે લોકો આક્રોશ દાખવી રહ્યાં છે.

આ પહેલાં યુપીના બુલંદશહેર જિલ્લાનો આવો જ વીડિયો વાયરલ થયો હતો. હાપુડ જિલ્લામાં ભાજપના કાર્યાલયમાંથી જ ૨૦-૨૦ રૂપિયામાં તિરંગો વેચાતો હોવાનો વીડિયો પણ ફરતો થયો હતો. આ વીડિયો શેર કરીને ઘણાંએ લોકોને સવાલ પણ પૂછેલા કે,  ભાજપના કાર્યાલયો તિરંગાની દુકાન બની ગયા છે કે શું ? અખિલેશે સવાલ કરેલો કે, તિરંગા પર કેટલો જીએસટી આપવો પડશે ? 

વીજળીના દરો પણ દર મહિને બદલાશે

સરકાર વીજળીના દરો દર મહિને બદલાય એની વ્યવસ્થા કરવાની દિશામાં આગળ વધી રહી છે. વીજળીના ઉત્પાદન માટે  વપરાતા કોલસા, ડીઝલ અને ગેસ વગેરે જેવા ફ્યુઅલના ભાવના આધારે દર મહિને વીજળીના યુનિટ દીઠ ભાવ નક્કી કરવામાં આવશે.

કેન્દ્રીય ઊર્જા મંત્રાલયે  વિદ્યુત અધિનિયમ ૨૦૦૩ની કલમ ૧૭૬ હેઠળ બનાવેલા નિયમોમાં સુધારો કરવાની તૈયારી કરવા માંડી છે એ જોતાં આ નવી જોગવાઈ આવતા વર્ષની શરૂઆતથી અમલમાં આવે તેવી શક્યતા છે. કેન્દ્રીય ઉર્જા નાયબ સચિવ ડી. ચટ્ટોપાધ્યાયે ૧૨ ઓગસ્ટે તમામ રાજ્ય સરકારો અને અન્ય સંબંધિત એકમોને ડ્રાફ્ટ મોકલીને ૧૧ સપ્ટેમ્બર સુધીમાં સૂચનો માંગ્યા છે.

સરકારે આ વ્યવસ્થા કરવા માટે સંસદમાં ડ્રાફ્ટ ઇલેક્ટ્રિસિટી (એમેન્ડમેન્ટ) રેગ્યુલેશન્સ ૨૦૨૨ બિલ મૂકેલું પણ એ પસાર નહોતું થયું. હવે જેડીયુ ભાજપ સાથે નથી તેથી રાજ્યસભામાં આ બિલ પસાર થવા અંગે શંકા છે તેથી  સરકાર નિયમોમાં સુધારા દ્વારા તેની જોગવાઈઓને લાગુ કરવા માટે આગળ વધશે. તેના કારણે ગ્રાહકો પર બોજ વધશે એ જોતાં તેનો ઉગ્ર વિરોધ થવાની શક્યતા છે.

***

કાશ્મિરમાં ત્રણ દાયકા પછી પ્રથમ મલ્ટિપ્લેક્સ

કાશ્મિરના શ્રીનગરમાં ત્રણ દાયકા પછીના પ્રથમ મલ્ટિપ્લેક્સ ટોકિઝના પ્રારંભની બધી તૈયારીઓ થઇ ચૂકી છે. એનાથી સ્થાનિક યુવાનોને મનોરંજન અને રોજગારીની તકો મળશે. જમ્મુ અને કાશ્મિરમાંથી કલમ-૩૭૦ હટાવાઇ એના ત્રણ વર્ષો પછી મલ્ટિપ્લેક્સ સિનેમા શરૂ થશે. આ વિસ્તારમાં ત્રાસવાદ વધી પડતાં ૧૯૯૦માં થિયેટરો પર પડદો પાડી દેવાયો હતો. આઇનોક્સ દ્વારા ડિઝાઇન કરાયેલું અને આગામી સપ્ટેમ્બરમાં શરૂ થનારૂં મલ્ટિપ્લેક્સ ત્રણ ઓડિટોરિયમવાળું હશે. આ પ્રત્યેકમાં છેલ્લામાં છેલ્લી ઢબની સાઉન્ડ સિસ્ટમ અને આરામદાયી બેઠક-વ્યવસ્થા હશે.

પાક.ની તરફેણ માટે શીખોને પૈસાની લાલચ

પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસીસ ઇન્ટેલિજન્સ (આઇએસઆઇ), એ દેશમાં લઘુમતીઓને થઇ રહેલા અન્યાયના મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે એની આબરૂ બચાવવા માટે શીખ સમુદાયને પોતાની તરફેણમાં બોલવા માટે પૈસાથી લલચાવી રહી છે. આઇએસઆઇ ભારતીય શીખ નેતાઓને પણ પાકિસ્તાન તરફે  બોલતા કરવા માટે એમને તગડી રકમ આપીને લલચાવાનું આયોજન કરી રહી છે. એજન્સીએ અત્યાર સુધી ફક્ત થોડાક નેતાઓને જ વિશ્વાસમાં લીધા છે, જેમાં મુખ્યત્વે પાકિસ્તાન શીખ ગુરૂદ્વારા પ્રબંધક સમિતિના સભ્યોનો સમાવેશ થાય છે. પૈસાથી લલચાયેલા આ શીખ નેતાઓએ પાકિસ્તાનની તરફેણમાં નિવેદનો કરવા માંડયા છે. આવા એક અગ્રણી સિમ્પાલ સિંઘ (લઘુમતીઓ માટેના રાષ્ટ્રીય પંચના સભ્ય)એ જણાવ્યું કે અમે પાકિસ્તાનની લઘુમતીઓ અમને નસીબદાર માનીએ છીએ કે અમે એ દેશમાં રહીએ છીએ કે જ્યાં લઘુમતી કોમોના સભ્યોની વધુ સરભરા કરાય છે અને તેઓ વિશ્વના અન્ય કોઇપણ દેશ કરતાં (પાકિસ્તાનમાં) વધુ સલામત છે. 

રેડિયો સાથે કરો દેશની સ્વાતંત્ર્યોત્તર યાત્રા

ભારતનું સૌથી મોટું જનસેવા બ્રોડકાસ્ટર ઓલ ઇન્ડિયા રેડિયો (એર), આઝાદી પછીના ૭૫ વર્ષોથી દેશભરના કરોડો નાગરિકો માટે સુપ્રસિધ્ધ વાર્તાકાર બની રહ્યું છે. આ વર્ષે આકાશવાણી, 'આઝાદ ભારતકી બાત - આકાશવાણી કે સાથ' ના શીર્ષક અંતર્ગત એક અજોડ પહેલ સાથે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી  રહ્યું  છે. ૧૫ ઓગસ્ટથી શરૂ થનારી ૯૦  સેંકડની આ શ્રેણી ૧૦૦.૧ એફએમ ગોલ્ડ ચેનલ, પ્રાઇમ ટાઇમ ન્યુઝ બુલેટિન અને સોશ્યલ મીડિયા સહિત એના બધા જ પ્લેટફોર્મ પરથી પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ મારફતે આકાશવાણી દ્વારા રજૂ થનારી વાતસ્વરૂપે આઝાદી પછીની ભારતયાત્રા રજૂ થશે.

દિલ્હીમાં મન્કીપોક્સનો પાંચમો કેસ

પાટનગરની લોકનાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલના તબીબી નિદેશક ડો. સુરેશ કુમારે શનિવારે જણાવ્યું કે દિલ્હીમાં મન્કીપોક્સનો પાંચમો કેસ નોંધાયો છે. મૂળ આફ્રિકાની  ૨૨ વર્ષની યુવતીના લોહીનું શુક્રવારે પરીક્ષણ કરાતા એ પોઝિટિવ જણાયું છે. હાલમાં એ હોસ્પિટલમાં નિરીક્ષણ હેઠળ છે. દર્દીએ કોઇ પ્રવાસ કર્યો નથી. તેઓ એક મહિના પહેલાં આફ્રિકા ગયાં હતાં. દિલ્હીમાં મન્કીપોક્સના કુલ પાંચ કેસ નોંધાયા છે, એમ ડો. કુમારે ઉમેર્યું.

- ઇન્દર સાહની


Google NewsGoogle News