એઆઈ ટેકનોલોજી દુનિયામાં ભયાનક વીજ કટોકટી નોતરશે

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
એઆઈ ટેકનોલોજી દુનિયામાં ભયાનક વીજ કટોકટી નોતરશે 1 - image


- પ્રાસંગિક

- એઆઈ ટેકનોલોજીના કારણે ઘણાં ક્ષેત્રોમાં ક્રાંતિ આવી રહી છે, પરંતુ એની એક આડઅસર એ છે કે તેના લીધે વીજળીની ડિમાન્ડ ખૂબ વધી ગઈ છે. ચેટજીપીટીને દરરોજ એક અમેરિકન પરિવાર કરતાં 17 હજાર ગણી વધારે વીજળીની જરૂર પડે છે. અમેરિકામાં મોટી ટેક-કંપનીઓના હેડક્વાર્ટ્સ અને ડેટા સેન્ટર્સ છે એટલે સૌથી પહેલી અસર અમેરિકાને જ થઈ છે.

સ્માર્ટફોન, લેપટોપ, ટેબ કે એ સહિતની જેટલાં ટેકનોલોજીકલ ઉપકરણોનો આપણે ઉપયોગ કરીએ છીએ એમાં બેટરી ચાર્જ કરવી પડે છે. આ બધી જ પ્રોડક્ટ્સ પાવરથી ચાલે છે એટલે એમાં વીજળીનો ભરપૂર વપરાશ થાય છે. પરંતુ આટલી વીજળી પૂરતી નથી. ડિવાઈસમાં જરૂરી વીજળી કરતાં ઘણા વધારે પાવરનો જથ્થો ટેકનોલોજી પાછળ ખર્ચાય છે. આપણે મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરીએ તેમાં આપણાં મોબાઈલની બેટરી જ નથી ખર્ચાતી, એ એપ ચાલુ રાખવા માટે ડેટા સેન્ટર્સ, સર્વર્સ દિવસ-રાત એક્ટિવ રહે છે ને એ ચલાવવા માટે વીજળીની જરૂર પડે છે. એ એપ બને ત્યારે કમ્પ્યુટર્સમાં પાવર કન્ઝમ્પ્શન થાય છે. એ જ રીતે મોબાઈલનું ઉત્પાદન થાય ત્યારે એમાં જેટલા ફિચર્સ આપણને મળે છે એ બધાના સોફ્ટવેર બનાવવામાં પણ વીજ પૂરવઠો ખર્ચાય છે.

ટૂંકમાં, આપણાં સુધી પહોંચતી ટેકનોલોજી પાછળ વીજળીનો મોટો જથ્થો ખર્ચાય છે. ટેકનોલોજી જેમ જેમ વિકસી તેમ તેમ વીજળી ડિમાન્ડ વધી. સાધારણ મોબાઈલ ફોનના ઉત્પાદનમાં કે તેની બેટરીમાં વીજળી એટલી જરૂર પડતી ન હતી જેટલી સ્માર્ટફોનમાં પડે છે. એ જ રીતે વિન્ડોઝમાં એટલી વીજળીની જરૂર નથી પડતી જેટલી આટફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) કે વર્ચ્યુઅલ રિઆલિટી (વીઆર)માં પડે છે. એક તરફ એઆઈની ટેકનોલોજી તમામ ક્ષેત્રોમાં ખૂબ ઝડપથી પ્રસરી રહી છે, તો બીજી તરફ, એની પાછળ વીજળીની જરૂરિયાત પણ ખૂબ વધી ગઈ છે.

એક લેટેસ્ટ અહેવાલનું માનીએ તો ચેટજીપીટીના ૨૦ કરોડ ગ્લોબલ યુઝર્સ છે અને આ ટેકનોલોજી પાછળ દરરોજ પાંચ લાખ કિલોવોટ્સથી વધુ વીજળી ખર્ચાય છે. અમેરિકામાં દરરોજ સરેરાશ એક ઘરમાં ૨૯ કિલોવોટ્સ વીજળી વપરાય છે. બીજી તરફ એક એઆઈ ચેટબોટને ચલાવવા માટે પાંચ લાખ કિલોવોટ્સ વીજળીની ખપત થાય છે. ગણતરી માંડીએ તો ચેટજીપીટીને દરરોજ એક અમેરિકન પરિવાર કરતાં ૧૭ હજાર ગણી વધારે વીજળીની જરૂર પડે છે. એવોય અંદાજ બાંધવામાં આવ્યો છે કે આજની તમામ ટેકનોલોજી કંપનીઓએ તેમની પ્રોડક્ટમાં એઆઈ ટૂલ ઉમેરે તો તેમને વર્ષે ૨૯ અબજ કિલોવોટ્સ વીજળીની જરૂર પડે. ૨૦૨૭ સુધીમાં મોટી ટેકનોલોજી કંપનીઓ જે વીજળીનો એઆઈ પાછળ વાષક ખર્ચ કરતી હશે એનો જથ્થો હશે - ૧૩૪ ટેરાવોટ્સ.

ઈન ફેક્ટ, અત્યારે જ ટેક-જાયન્ટ્સ વીજળીનો મોટો જથ્થો વાપરે છે. જેમ કે, સેમસંગને વર્ષે ૨૩ ટેરાવોટ્સ વીજળીની જરૂર પડે છે, તો ગૂગલ ૧૦ ટેરાવોટ્સ વીજળી ખર્ચ કરે છે ને માઈક્રોસોફ્ટને ૧૨ ટેરાવોટ્સ વીજળીનો ખપ પડે છે. એ માન્યું કે ટેક-કંપનીઓ વીજળીની માતબર ડિમાન્ડની સાથે સાથે કરોડો નોકરીઓનું સર્જન કરે છે. કરોડો લોકોને ટેકનોલોજી કંપનીઓના કારણે સીધી કે આડકતરી રોજગારી મળે છે. પરંતુ એઆઈ પાછળ જે વીજળીનો જથ્થો ખર્ચાઈ જશે એના કારણે કરોડો લોકો વીજળીની ગંભીર અછતનો સામનો કરતાં હશે. એની શરૂઆત તો અત્યારથી જ થઈ ચૂકી છે. અમેરિકામાં મોટી ટેક-કંપનીઓના હેડક્વાર્ટ્સ અને ડેટા સેન્ટર્સ છે એટલે સૌથી પહેલી અસર અમેરિકાને જ થઈ છે.

એકાદ-બે મહિના પહેલાં અમેરિકાનાં અનેક રાજ્યોમાં વીજળીની ગંભીર અછત થતાં અંધારપટનું જોખમ સર્જાયું હતું. વીજ પૂરવઠાની કંપનીઓએ જણાવ્યું હતું કે અમેરિકામાં આવી સ્થિતિ અગાઉ ક્યારેય ઊભી થઈ નથી. ડેટા સેન્ટર અને ટેકનોલોજીની કંપનીઓમાં વીજળીની જરૂરિયાત વધતાં વીજળીની માગમાં ઉછાળો આવ્યો છે એમાં આટફિશિયલ ઈન્ટેલિજન્સની ટેકનોલોજી પાછળ જે વીજળી વપરાવા માંડી છે તેનો જથ્થો સૌથી વધારે છે.

ગૂગલ, મેટા, માઈક્રોસોફ્ટ, એમેઝોન સહિતની કેટલીય મોટી કંપનીઓમાં વીજળીની માગ ખૂબ વધી છે. આ કંપનીઓને પોતાના પાવર પ્લાન્ટ બનાવવાની તાકીદ અમેરિકન સરકારે કરી છે, પણ એ શક્ય નથી. ટેક-કંપનીઓ માટે એ પ્રોજેક્ટ ખર્ચાળ સાહિત થાય તેથી આ કંપનીઓએ અન્ય દેશોમાં ડેટા સેન્ટર બનાવવા વિચારણા શરૂ કરી છે. વીજળી ઉત્પાદક કંપનીઓના કહેવા પ્રમાણે ક્રિપ્ટો માઈનિંગમાં પણ વીજળીની પુષ્કળ જરૂર પડે છે ને ડેટા સેન્ટર સતત ધમધમતા હોવાથી વીજળીનો પૂરવઠો જરૂરી બની જાય છે. જ્યોજયાના પબ્લિક સવસ કમિશનના અધ્યક્ષ જેસન શૉના કહેવા પ્રમાણે અગાઉ અમેરિકામાં ક્યારેય આટલી હદે વીજળીની અછત સર્જાયાનું જોવા મળ્યું નથી. હવે જે વીજળીની અછત છે એનાથી કેટલાંય રાજ્યોમાં વીજ કટોકટી સર્જાશે અને અંધારપટની પરિસ્થિતિનું નિર્માણ થશે. તેમણે કહ્યું કે જ્યોજયામાં જ છેલ્લાં એક દશકામાં વીજળીની ડિમાન્ડ ૧૭ ગણી વધી ગઈ છે.

આ અછતને પહોંચી વળવા અમેરિકન વીજ ઉત્પાદક કંપનીઓને સરકારે તાકીદ કરી છે અને વીજળીનો જથ્થો જરૂરિયાત મુજબ જ ટેકનોલોજીને આપવા કહેવાયું છે. વીજળીની અછતના કારણે એક એવું પણ જોખમ છે કે આગામી દિવસોમાં વીજળી વધારે મોંઘી થશે. તેનાથી સામાન્ય નાગરિકોના ઘરનું બજેટ ખોરવાશે અને તેમને ઘરની વીજળીનું બિલ મોંઘું પડશે. ટેક કંપનીઓ વધુ ભાવ આપીને વીજળી ખરીદે લેશે એટલે આખરે કંપનીઓ પણ તેમને વીજળી આપવાને પ્રાધાન્ય આપશે. એક શક્યતા એવીય છે કે ટેક-કંપનીઓમાં જે એઆઈ ટેકનોલોજી પર કામ કરે છે તેમના પર વીજળીમાં જુદો ટેક્સ લગાડવો. જો એમ થશે તો એઆઈ ટેકનોલોજી મોંઘી થશે. પણ કંપનીઓ વધારે ટેક્સ ચૂકવીને પણ વીજળીનો જથ્થો મેળવશે એટલે સામાન્ય નાગરિકોને મળતો જથ્થો ઘટશે.

ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીના કહેવા પ્રમાણે ૨૦૨૨માં અમેરિકાના ૨૭૦૦ જેટલાં ડેટા સેન્ટરમાં કુલ વીજળીનો ૪ ટકા જથ્થો વપરાયો હતો. ૨૦૨૬ સુધીમાં આ જથ્થો વધીને છ ટકા થશે. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે ડેટા સેન્ટરમાં જ વીજળીનો મોટો જથ્થો ખર્ચાઈ જાય છે. અમેરિકામાં ડેટા સેન્ટરની સંખ્યા ઝડપભેર વધી રહી છે. ૨૦૩૫ સુધીમાં એકલા અમેરિકામાં એક લાખ ડેટા સેન્ટર ધમધમતાં હશે અને તેમાં મોટી માત્રામાં વીજળી જોઈશે. એને પહોંચી વળવા અત્યારથી જ પગલાં ભરવા પડશે. 

મોટી ટેક કંપનીઓ અત્યારે આથક રીતે ઉભરતા દેશોમાં ડેટા સેન્ટર્સ અને સર્વર બનાવવાનું આયોજન કરી રહી છે. ભારત જેવા દેશો આ કંપનીઓ માટે બહુ જ અનુકૂળ છે. અત્યારે વિદેશી કંપનીઓને આવકારવાની ભારતની પાલિસી છે અને તેના કારણે ભારતના ટેક-એક્સપર્ટ્સને નોકરીઓ મળશે, પરંતુ તેમાં વીજળીનો મોટો જથ્થો જોઈશે. અત્યારે દેશમાં ઉનાળો આવે છે ત્યારે વીજ વપરાશ વધી જાય છે અને ઘણાં શહેરોમાં વીજળીની અછત સર્જાય છે. ટેક-કંપનીઓ ભારત જેવા દેશોમાં એઆઈ ટેકનોલોજીના યુનિટ બનાવે તો આ અછત વિકટ સ્વરૂપ ધારણ કરી શકે છે. અત્યારે દુનિયામાં જેનો ક્રેઝ છે તે એઆઈ ટેકનોલોજી જગતમાં મોટી પાવર ક્રાઈસિસ નોતરે તો નવાઈ પામવા જેવું નહીં હોય.


Google NewsGoogle News