Get The App

યોગેશ્વર ભગવાન શ્રીકૃષ્ણે દર્શાવેલી યોગસિદ્ધિઓ

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
યોગેશ્વર ભગવાન શ્રીકૃષ્ણે દર્શાવેલી યોગસિદ્ધિઓ 1 - image


- દેવેશ મહેતા

- યોગેશ્વર શ્રીકૃષ્ણ કહે છે - જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચેન્દ્રિયોના વિષયોનો મનને અકાર આપી ઈશ્વરના સ્વરૂપમાં એનું ધ્યાન ધરે છે તે 'અણિમા' સિદ્ધિ પ્રાપ્ત કરે છે, પંચમહાભૂતના પરમાણુમાં મનનું ધ્યાન કરે તેને 'લઘિમા' શક્તિ પ્રાપ્ત થાય છે

'સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે ।

તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નુમ: ।।

આધિદૈવિક અને આધ્યાત્મિક દુ:ખોનું શમન કરનારા, સદ્, ચિદ્ અને આનંદ સ્વરૂપ ભગવાન શ્રીકૃષ્ણને અમે પ્રણામ કરીએ છીએ.'

ભગવાન શ્રીકૃષ્ણ વિશ્વમાં વ્યાપેલું સત્, ચિત્, આનંદરૂપ પરમ તત્વ છે. શાંડિલ્ય ઋષિ રાજા પરીક્ષિત અને વ્રજનાભને કહે છે - 'હે રાજાઓ, વ્રજભૂમિ જનિત રહસ્યને ધ્યાન આપીને સાંભળો.' 'વ્રજન્' શબ્દથી વ્યાપ્તિનો બોધ થાય છે. વ્યાપવાના ગુણને કારણે એનું નામ વ્રજ છે. શાસ્ત્રો કહે છે - 'ગુણાતીતં પરં બ્રહ્મ વ્યાપકં વ્રજ ઉચ્યતે । સદાનંદં પરં જ્યોતિ ર્મુક્તાનાં પદમવ્યયમ્ ।।' આ વ્રજ જ ગુણાતીત, પરબ્રહ્મ, વ્યાપક, સદાનંદ, ઉત્તમ જ્યોતિ અને મુક્ત પુરુષોનું અવ્યય પદ છે. વ્રજ એ સતત વિસ્તરતા વિશ્વનું પ્રતીક છે અને વ્રજવિહારી કૃષ્ણ આત્મારામ, આપ્તકામ બ્રહ્મનું પ્રતીક છે તે પ્રેમયુક્ત હૃદયવાળાને અનુભૂત થાય છે. શ્રીકૃષ્ણ આત્મામાં રમણ કરે છે તો એમનો આત્મા કોણ છે? એ કોની સાથે રમણ કરે છે ? એ રહસ્યને ઉજાગર કરતાં કહેવાયું છે - 'આત્મા તુ રાધિકા તસ્ય, તયૈવ રમણાદસૌ । આત્મારામ તયા પ્રાજ્ઞૌ: પ્રોચ્યતે ગૂઢવેદિભિ: ।। શ્રીકૃષ્ણ પરમાત્મા છે. એ પરમાત્માનો આત્મા રાધિકા છે. શ્રીકૃષ્ણ રાધા સાથે રમણ કરે છે. એટલે આ ગૂઢ તત્વના રહસ્યને જાણનારા જ્ઞાની પુરુષો એમને 'આત્મારામ'' કહે છે.

શ્રીમદ્ ભાગવતના દશમ સ્કંધમાં કહેવાયું છે - 'રન્તુ મનશ્વક્રે યોગમાયામુપાશ્રિત: । યોગમાયાનો આશ્રય કરીને શ્રીકૃષ્ણે લીલાપૂર્વક રમવાનો વિચાર કર્યો. રાસ રમવાની પ્રક્રિયામાં પણ ભૌતિક વિજ્ઞાન છુપાયેલું છે. રાસના નૃત્યમાં બે બે ગોપીઓની વચ્ચે એક કૃષ્ણ હોય એવું દ્રશ્યમાન થાય છે. ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ પ્રોટોન અને ન્યૂટ્રોનની આસપાસ પરિભ્રમણ કરતો ઈલેકટ્રોન પણ આ રીતે દેખાય છે. ભૌતિક વિજ્ઞાની જેક સરફાત્તી (વચબં જીચકિચાૌ) અને બોબ ટોબેન (મ્ર્મ ્ર્મીહ) કહે છે કે વિશ્વમાં એક જ ઈલેકટ્રોન હોય એવું સંભવ છે જે આકાશ- સમયમાં પાછળની તરફ વિખેરાઈ 'એબસોલ્યુટ એલ્સવેર'માં જઈ ત્યાંથી પાછો ફરી અનંત રૂપો ધારણ કરતો હોય એવું લાગે છે. વિજ્ઞાનીઓએ હાઈડ્રોજનના અણુની 'મિકેનિકલ સિમ્યુલેશન્સ ઓફ પ્રોબેબિલિટી ડેન્સિટી ઓફ ડિફરન્ટ ઈલેટ્રોન સ્ટેટસ' દર્શાવે છે તે બાબત શાસ્ત્રોએ રાસ લીલાની ગોપીઓ અને કૃષ્ણની નૃત્યક્રીડા દ્વારા દર્શાવી છે.

શ્રીમદ્ ભાગવતના ૨૯મા અધ્યાયના ૪૨મા શ્લોકમાં કહેવાયું છે - 'ઈતિ વિકલવિતં તાસાં શ્રુત્વા યોગેશ્વરેશ્વર: પ્રહસ્ય સદયં ગોપીરાત્મારામો।પ્યરીરમત્ ।। આમ જ્યારે યોગેશ્વરોના ઈશ્વર શ્રીકૃષ્ણે તેમની વિકળ વાણી સાંભળી ત્યારે સ્વયં આત્મરમણ કરનારા છતાં હસીને દયાપૂર્વક તેમની સાથે રમણ કરવા લાગ્યા.' અહીં ભગવાન શ્રીકૃષ્ણને કેવળ યોગેશ્વર જ નહી, એમને પણ ઈશ્વર કહેવામાં આવ્યા છે. ભગવાન શ્રીકૃષ્ણે બાળપણથી જ અનેક પ્રકારની યોગસિદ્ધિઓ પ્રદર્શિત કરવાની શરૂ કરી દીધી હતી. જન્મના છઠ્ઠા જ દિવસે માયા-અવિદ્યારૂપ પૂતનાને મારી હતી. શકટાસુર, બકાસુર, અધાસુર જેવા અનેક અસુરોને માર્યા હતા. ઈન્દ્રના સાંવર્તક નામના પ્રલયકારી મેઘ થકી કરાતી અતિવૃષ્ટિથી બચાવવા ડાબા હાથની ટચલી આંગળી પર ગોવર્ધન પર્વતને ધારણ કર્યો હતો. પાંડવોના દૂત તરીકે દુર્યોધનની સભામાં ગયા ત્યારે અણિમા, ગરિમા, મહિમા જેવી યોગસિદ્ધિઓ દર્શાવી પોતાનું યોગેશ્વર રૂપ પ્રગટ કર્યું હતું.

શ્રીમદ્ ભાગવત મહાપુરાણના પંદરમા અધ્યાયના આરંભમાં ભગવાન શ્રીકૃષ્ણે યોગ સિદ્ધિઓની વાત કરી છે - 'જિતેન્દ્રિયસ્ય યુક્તસ્ય જિતશ્વાસસ્ય યોગિન: । મયિ ધાહયતશ્વેત ઉપતિષ્ઠન્તિ સિદ્ધિય: ।।' પ્રાણાયામ કરનાર, જિતેન્દ્રિય અને મારામાં મન સ્થિર રાખનાર યોગીને સિદ્ધિઓ સ્વયં પ્રાપ્ત થાય છે. અઢાર પ્રકારની સિદ્ધિઓમાંથી મુખ્ય અષ્ટસિદ્ધિ યોગેશ્વર ભગવાન શ્રીકૃષ્ણના આશ્રયથી અને અન્ય દસ સત્વ ગુણની વૃદ્ધિથી પ્રાપ્ત થતી દર્શાવવામાં આવી છે. અણિમા- શરીરને અણુ જેવું નાનું કરી દેવું, મહિમા- શરીરને મોટું કરી દેવું, લઘિમા- શરીરને હલકું કર દેવું, પ્રાપ્તિ- પ્રાણીઓની ઈન્દ્રિયો સાથે ઈન્દ્રિયોના વિષયો જોવાની શક્તિ, ઈશિતા - બીજાઓમાં માયા પ્રેરવી, વશિતા, વશિતા- વશ કરવાનું સામર્થ્ય, પ્રાકામ્ય - ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ.

સત્વગુણની વૃદ્ધિથી જે દસ સિદ્ધિઓ મળે છે તે આ પ્રમાણે છે - ૧. અનૂર્મિમત્વ - ભૂખ તરસ ન લાગવી તે ૨. ત્રિકાલજ્ઞાત્વ ૩. દૂરશ્રવણ ૪. દૂરદર્શન ૫. મનોજન - ઈચ્છારૂપ શરીરનું ગમન ૬. ઈચ્છામૃત્યુ ૮. દેવો સાથે ક્રીડાનું દર્શન ૯. સંકલ્પ સિદ્ધિ ૧૦. અપ્રતિહતાજ્ઞા - આજ્ઞાભંગ ન થવો તે. આ ઉપરાંત પાંચ ક્ષુદ્ર એટલે કે સામાન્ય સિદ્ધિઓ છે - ૧. ત્રિકાલજ્ઞાત્વ ૨. અપદ્વન્દ્વ (ઠંડી ગરમી ન લાગવી તે) ૩. પારકાના વિચાર જાણી લેવા ૪. પ્રતિષ્ટંભ (અગ્નિ, સૂર્ય, ઝેર વગેરે કોઈ પદાર્થની અસર ન થવી ૫. અપરાજય.

યોગધારણા કરવાથી મુખ્ય સિદ્ધિઓ મળે છે. યોગેશ્વર ભગવાન શ્રીકૃષ્ણ કહે છે - જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચેન્દ્રિયોના વિષયોનો મનને અકાર આપી ઈશ્વરના સ્વરૂપમાં એનું ધ્યાન ધરે છે તે 'અણિમા' સિદ્ધિ પ્રાપ્ત કરે છે. જે વ્યક્તિ મનને જ્ઞાનશક્તિવાળા મહત્ તત્વનો આકાર આપી મારા મહાન સ્વરૂપનું ધ્યાન કરે તેને 'મહિમા' સિદ્ધિ પ્રાપ્ત થાય છે. પંચમહાભૂતના પરમાણુમાં મનનું ધ્યાન કરી સૂક્ષ્મ રૂપે જે મારું ધ્યાન કરે તેને 'લઘિમા' શક્તિ પ્રાપ્ત થાય છે. સાત્વિક અહંકાર રૂપ મારા સ્વરૂપમાં મારી ધારણા કરવાથી પ્રત્યેક ઈન્દ્રિયમાં રહેલા દૈવતવાળી પ્રાપ્તિ નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જેમનો જન્મ અવ્યક્ત એવા મારા ક્રિયાશક્તિવાળા મહત્ તત્વમાં મનની ધારણા કરનાર 'પ્રાકાશ્ય' નામની સિદ્ધિ પ્રાપ્ત કરે છે. ત્રણ ગુણવાળી માયાના નિયંતા કાળ સ્વરૂપ વિષ્ણુમાં ચિત્ત જોડવાથી જડ અને ચેતનને પ્રેરનારી 'ઈશિતા' સિદ્ધિ પ્રાપ્ત થાય છે. વિરાટ અને હિરણ્ય ગર્ભથી પણ પર રહેલા નારાયણ ભગવાનમાં મનને યોગથી જોડનારા યોગી મારો સમાનધર્મા બને છે અને 'વશિતા' સિદ્ધિ પ્રાપ્ત કરે છે મારા નિર્ગુણ બ્રહ્મસ્વરૂપ વિશુદ્ધ મનની ધારણા કરનાર યોગી પરમાનંદ પ્રાપ્તિ રૂપ 'પ્રાકામ્ય' સિદ્ધિ પ્રાપ્ત કરે છે.

વિશુદ્ધ તત્વરૂપ મારામાં ચિત્તનું ધ્યાન-ધારણા કરવાથી 'અનૂર્મિમત્વ'ની સિદ્ધિ મળે છે. સમષ્ટિના પ્રાણરૂપ મારામાં મનથી નાદનું ચિંતન કરનાર જ્ઞાની બની દૂરના પ્રાણીઓની વાણી સાંભળવા રૂપ દૂર શ્રવણની સિદ્ધિને પ્રાપ્ત કરે છે. સૂર્યમાં આંખને અને આંખમાં સૂર્યને જોડી બન્નેના સંયોગમાં મનને જોડી મારું ધ્યાન કરનારને 'દૂરદર્શન' સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જેથી તે સૂક્ષ્મ દ્રષ્ટિવાળો બની દૂરની વસ્તુઓને જોઈ શકે છે મન, દેહ અને તેને અનુસરતા વાયુની મારામાં ધારણા કરવાથી જ્યાં મન જાય ત્યાં શરીર જાય એવી મનોજવ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. મારા યોગબળનો આશ્રય કરી જે જે સ્વરૂપ ધારણ કરવાની ઈચ્છા થાય તેમાં મનને સ્થિર કરવાથી 'કામરૂપ' એટલે કે ઈચ્છા પ્રમાણેનું શરીર ધારણ કરવાની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જેમ ભમરો એક ફૂલમાંથી બીજા ફૂલમાં સહેલાઈથી પ્રવેશ કરે છે તેમ પરકાયા પ્રવેશ કરવાની ઈચ્છાવાળા યોગીએ તે તે કાયામાં પોતાનું ચિંતન કરી દેહ છોડી દેવાથી 'પરકાયા પ્રવેશ'ની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. યોગેશ્વર ભગવાન શ્રીકૃષ્ણ કહે છે - 'સર્વેષામપિ સિદ્ધીના હેતુ: પતિરહં પ્રભુ: । અહં યોગસ્ય સાંખ્યસ્ય ધર્મસ્ય બ્રહ્મવાદિનામ્ ।। બધી જ સિદ્ધિઓનો સ્વામી હું છું. યોગ, જ્ઞાન અને ધર્મને જાણનાર બ્રહ્મવાદીઓનો સ્વામી પણ હું છું.'     


Google NewsGoogle News