દરેક ધાર્મિક કાર્યોમાં 'ગણેશજી' ની કેમ પૂજા થાય છે ??
- પાર્વતી દેવીએ પોતાના શરીરના મેલથી એક એવા ચેતન પુરૂષનું નિર્માણ કર્યું. જે શુભ લક્ષણોથી સંયુક્ત હતો. એમના બધા જ અંગ સુંદર અને દોષ રહિત હતા. એમનું શરીર વિશાળ, પરમ શોભાયમાન અને મહાન બલ-પરાક્રમથી સંપન્ન હતું
ગણોનાં અધિપતિ હોવાથી તેને 'ગણપતિ' કહેવામાં આવે છે. તે પાર્વતીના તપથી ઉત્પન્ન થયા હતા. તેનો પ્રાદુર્ભાવ થયો તે સમયે શંકર ભગવાન ત્યાં હતાં પાર્વતીજીના પતિ હોવાથી તે ગણેશજીના પિતા થયા.
ગણેશજીની ઉત્પતિ :
શિવજીએ મૈથુની પ્રજા ઉત્પન્ન કરી નથી. દેવ નદી ગંગામાં પધરાવેલું સદાશિવના તેજથી જે પુત્રની ઉત્પત્તિ થઈ તે સ્કંદરૂપી ઉત્પન્ન થયા જે કાર્તિકેય કહેવાયા. તે શિવજીના તે માનસ પુત્ર નહિ પણ સંકલ્પ પુત્ર છે. તેની ઉત્પત્તિનો દિવસ માગસર સુદ છઠ્ઠની તિથિનો દિવસ હતો. કાર્તિકેયએ પોતાના તેજ અને પરાક્રમથી તારકાસૂર જેવા રાક્ષસોનો નાશ કર્યો અને પશુબલિ જે યજ્ઞામાં હોમાતી હતી તે પ્રથાનો પણ વિરોધ કરી તે અટકાવી હતી.
કાર્તિકેય દ્વારા કરાયેલ તારકાસૂરના વધનું ચરિત્ર અત્યંત આશ્ચર્યજનક તેમજ પવિત્ર છે. તે સર્વકામના પુર્ણ કરનારું છે. યશ તેમજ આયુષ્યની વૃદ્ધિ કરનારું છે. કાર્તિકેયકુમારનું ચરિત્ર શ્રદ્ધાભાવે સાંભળનારાને ગાશે જે તે શિવલોકે પ્રસ્થાન કરશે, ઉત્તમ સુખો પામીને દિવ્ય મુક્તિનું સુખ પામશે. આ શિવજીના પ્રથમ માનસ પુત્ર નહિં સંકલ્પ પુત્ર છે. જેને આપણે કાર્તિકેય સ્વામી તરીકે પૂજીએ છીએ.
પાર્વતીજીએ ગણેશની ઉત્પત્તિ કરી:
પાર્વતીજીએ પોતાના શરીરના મેલથી ગણેશની ઉત્પત્તિ કરી હતી. શિવજી જ્યારે તપ કરતા ગયા. તેમની સમાધિની કોઈ અવધિ રહેતી નથી. તેમની ગેરહાજરીમાં પાર્વતીજીની જયા-વિજ્યા નામવાળી તેની પાસે આવીને વિચાર કરવા લાગી - "સખી! બધા જ ગણો રુદ્રના છે નંદી, ભૃંગી વગેરે જે અમારા છે તે પણ શિવજીની આજ્ઞામાં તત્પર છે એમાનામાં પણ આપણું કોઈ નથી. તેથી હે પાપ રહિતે શિવે-(પાર્વતીજી) તમારે પણ અમારા માટે એક ગણની રચના કરવી જોઈએ."
પાર્વતીજીએ આવા સુંદર વચનો હિતકારક માન્યા અને મનમાં એવો વિચાર કરવો કે મારો પણ કોઈ એવો સેવક હોવો જોઈએ. જે પરમ શુભ, કાર્યકુશળ અને મારી જ આજ્ઞામાં તત્પર રહેનારો હોય. એ જરાય વિચલિત થનારો ન હોય.
આવો વિચાર કરીને પાર્વતી દેવીએ પોતાના શરીરના મેલથી એક એવા ચેતન પુરૂષનું નિર્માણ કર્યું. જે શુભ લક્ષણોથી સંયુક્ત હતો. એમના બધા જ અંગ સુંદર અને દોષ રહિત હતા. એમનું શરીર વિશાળ, પરમ શોભાયમાન અને મહાન બલ-પરાક્રમથી સંપન્ન હતું. દેવીએ એને અનેક પ્રકારનાં વસ્ત્ર, વિવિધ પ્રકારના આભૂષણોથી ખુબ જ સજ્જ કરીને ઉત્તમ આશિર્વાદ દઈને કહ્યું "તમે મારા પુત્ર છો, મારા પોતાના જ છો તમારા સમાન વ્હાલું મારું અહીં કોઈ બીજુ નથી. પાર્વતીના આવા કથન પર તે પુરૂષ એમને નમસ્કાર
કરીને બોલ્યો,
હે માં ! હું આપના કથન અનુસાર જ કરીશ. આવું સાંભળીને તે પુત્રને કહ્યું કે આજથી તમે મારા દ્વારપાળ થઈ જાઓ... હે સત્પુત્ર ! મારી આજ્ઞા સિવાય કોઈપણ હઠપૂર્વક મારા મહેલની અંદર પ્રવેશી ન શકે, ભલે ગમે તે હોય. હે બેટા ! આટલું ધ્યાન રાખજે.
આમ કહીને પાર્વતીએ ગણેશના હાથમાં એક સુંદર છડી આપી દીધી. પછી તે દંડધારી ગણરાજને પોતાના દ્વાર પર સ્થાપિત કરી દીધા અને પોતે સખીઓ સાથે સ્નાન કરવા લાગ્યા.
આજ સમયે ભગવાન શિવ તે દ્વાર ઉપર આવી પહોંચ્યા. ગણેશ એ પાર્વતી પતિને ઓળખતા ન હતા. તેથી તે બોલી ઉઠયા - હે દેવ ! માતાની આજ્ઞા વિના તમે અંદર ન જાઓ. માતા સ્નાન કરવા બેઠા છે. આમ કહીને ગણેશે એમને રોકવા માટે છડી હાથમાં લીધી તું કોને રોકી રહ્યો છે?? શું તું મને નથી જાણતો?? હું શિવ સિવાય બીજો કોઈ નથી. શિવજીના ગણએ કહ્યું કે બાળક અમારો રસ્તો કેમ રોકે છે ?? શિવજી આગળ વધ્યા તો ગણેશજીએ રીતસરની લાકડી ઉગામી અને અંદર જતા રોક્યા.
શિવજીના ગણોએ શિવજીને નમસ્કાર કરીને કહ્યું "હે પ્રભુ !" તમારો વિરોધ કરનાર આ ઉદ્ધતનું અમારે હવે શું કરવું ? શિવજીએ આજ્ઞા આપી કે એ દ્વારપાળને ઉંચકીને ફગાવી દો.
પછી ગણો દોડયા. ગણેશજીને મારવા ધસી પડયા પણ ગણેશજીએ તો તે ગણોને મારી-પછાડી ભગાડયા. આ કોલાહલ સાંભળીને પાર્વતી બહારનું વાતાવરણની વાતો સખી પાસેથી બોલ્યા ગણેશજીએ બરાબર કર્યું છે.
ત્યાં ટાણે સદાશિવ ત્યાં આવી પહોંચ્યા. તેમણે આ બધી હકીકત જાણી. પછી શિવજી યુદ્ધ માટે તત્પર થયા. શિવજીએ બાળકનું અદ્ભુત પરાક્રમ જોઈ શિવજી ક્રોધિત થઈ પોતાના ત્રિશૂળ વડે ગણેશજીનું માથુ છેદી નાખ્યું.
પાર્વતીજી આ જોઈ કોપાયમાન થયા:
આ સમાચારથી પાર્વતીજી ક્રોધિત થઈ ગયા અને ઘણી બધી શક્તિઓ ઉત્પન્ન કરીને એમણે વિચાર કર્યા વિના જ એમણે પ્રલય થવાની / કરવાની આજ્ઞા આપી દીધી. પછી એ શક્તિઓ દ્વારા પ્રલય થવા લાગ્યો. એ શક્તિઓનો તે જાજવલ્યમાન પ્રકાશ, એમનું તેજ સર્વ દિશાઓને દગ્ધ જેવું કરી નાખવા લાગ્યું. એને જોઈને બધા જ શિવગણ ભયભીત થઈ ગયા. આ સમયે નારદ ત્યાં આવી આ બધી વ્યથા જોઈને બધાને ત્રિરિજાદેવીને વંદના કરી તેની કૃપા મેળવવા વિનંતી કરી અને તેની સ્તુતિ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે અમે તમારા ચરણોમાં મસ્તક નમાવીએ છીએ. આપ ક્રોધને શાંત કરો અને પ્રસન્ન થઈ જાઓ - ક્ષમા કરો.
બધા દેવર્ષિઓ આમ કહીને અત્યંત દીનભાવથી વ્યાકુળ થઈને બે હાથ જોડી ચંડિકા (પાર્વતી)નું ક્રોધીત સ્વરૂપની સામે ઉભા રહી ગયા. આવા કરૂણાભર્યા કથનથી માતાજી પ્રસન્ન થઈ ગયા અને ઋષિઓને / ગણોને કહેવા લાગ્યા.
"જો મારો પુત્ર જીવિત થઈ જાય અને એ તમારા સર્વમાં પૂજનીય મનાય તો સંહાર નહીં થાય. જ્યારે તમે લોકો તેને "સર્વાધ્યક્ષ"નું પદ પ્રદાન કરી દેશો ત્યારે જ્યારે જ લોકોમાં શાંતિ થઈ શકશે. અન્યથા તમને સુખ પ્રાપ્ત થશે નહિં.
આ કથન સાંભળીને શિવજીએ કહ્યું ઠીક છે, જે રીતે આખા ત્રિલોકને સુખ મળી શકે એ જ કરવું જોઈએ. માટે હવે ઉત્તર દિશા તરફ જવું જોઈએ અને જે જીવ પહેલો મળે તેનું મસ્તક કાપીને એ બાળકના શરીર પર લગાવી દેવું જોઈએ.
ત્યારબાદ શિવજીની આજ્ઞાથી ઉત્તર દિશા તરફ ગયા. ત્યાં એમને પહેલવહેલ એક દાંતવાળો હાથી મળ્યો. તેનું માથુ ઉડાવી દીધું પછી ગણેશના ધડને સાફ કરી સ્નાન કરાવીને તેના ઉપર હાથીનું મસ્તક જોડી દીધું. વેદ મંત્રોના સાથે મંત્રેલું પાણી ગણેશજીના શરીર ઉપર છાંટયું પછી શિવકૃપાથી તે બાળક આળસ મરડીને બેઠો થયો તે વખતે તેનું સ્વરૂપ ખુબ જ લાલ રંગનું, સુંદર દેખાઈ રહ્યું, ખુબ જ લાલ રંગનો, પ્રસન્ન, આનંદિત મુદ્રાવાળો, મનોહર આકૃતિવાળો, તે સદ્ભાગી પુત્ર બેઠો થયો. તેથી તેને જોઈ સહુ આનંદ પામ્યા અને પાર્વતી સમક્ષ રજુ કર્યો. દેવી પણ આનંદિત થયા. તેમના ખોળામાં તે ગણેશજીને બેસાડયા. શિવે ગણેશજીના માથે હાથ મુક્યો અને ઘણા આશીર્વાદ આપી બોલ્યા આ મારો બીજો પુત્ર છે. ગણેશજી ઉભા થઈને વિનયથી માતા પિતાને વંદન કર્યા.
અને અનેક વરદાનો આપ્યા. "હે પુત્ર! તું તો ધન્ય છો, તું કૃતાર્થ થયો છે. હમણા તારા મુખ પર સિંદૂર દેખાઈ રહ્યું છે તેથી તું સિંદુર વડે પુજાઈશ. જે વ્યક્તિ પુષ્પો, ચંદન, સુગંધીદાર, દ્રવ્યો, નૈવેદ્ય, તાંબુલ, આરતી અને નમસ્કાર વડે તારી પુજા કરશે. તેને સર્વસિદ્ધિ મળશે."
તેમના આ સ્વરૂપથી પ્રભાવિત થયેલા ત્રિદેવોએ તેમને અનેક વરદાનો આપ્યા તેઓ કહે છે "અમે ત્રણ દેવો બ્રહ્મા-વિષ્ણુ અને મહેશ જગતમાં જેવા પૂજ્ય છીએ, તેવા જ પૂજ્ય ગણેશ થાઓ. સર્વ વિઘ્નોએ હરનારા તેમજ ઈચ્છિત ફળ દેનારા ગણેશજીની અગ્રપુજા કર્યા પછી જ અમારી પુજા થશે." આપ દરેક ધાર્મિક કાર્યો કે શુભ કાર્યોમાં બધા ભગવાનની પહેલા ગણેશની પુજા-સ્થાપન કરાય છે.
શિવજી તે વખતે કહે કે "હે ગણોના અધ્યક્ષશ્રી ગણપતિજી તમે ભાદરવા માસની વદ ચોથની તિથિએ ચંદ્રોદય સમયે પાર્વતીના ચિત્તથી પ્રગટ થયા છો તેથી તે દિવસે અને તે સમયે તમારું વ્રત થશે. દૂર્વા વડે તમારૃં પૂજન થશે. તમારી મુર્તિ બનાવીને તેમાં પ્રતિષ્ઠા કરી તમારું દિવ્ય ભાવ અને શ્રદ્ધાથી પૂજન થશે અને મોદકનો પ્રસાદ ધરશે. સ્ત્રીઓ પણ આ વ્રત કરી શકશે."
પછી દેવોએ દુંદુભિ-નગારા વગાડી 'જય' શબ્દ થકી અનુમોદન આપ્યું. આકાશમાંથી સુમન-પુષ્પોની વૃષ્ટિ થઈ. મોટો ઉત્સવ મનાવ્યો. ચારેતરફ આનંદમય અને મંગળમય વાતાવરણ બની ગયું.
બુદ્ધિની ચતુરાઈથી માતા-પિતાની પ્રદક્ષિણા કરી આખી પૃથ્વીની પ્રદક્ષિણા સમાન પૂણ્ય તેમણે મેળવ્યું.
ગણેશના લગ્ન :
વિશ્વરૂપ નામના પ્રજાપતિની બે સુંદર રૂપાળી દીકરીઓ સિદ્ધિ અને બુદ્ધિ તે બેઉ કન્યા સાથે તેમના વિવાહ થયા તેમાં સિદ્ધિથી શ્રેય અને બુદ્ધિથી લાભ નામે બે પુત્રો થયા.
પ્રદક્ષિણા પછી માનભંગ થયેલા કાર્તિકેય માત-પિતાને વંદન કરી ત્યાંથી દક્ષિણ દિશામાં કૌચપર્વત પર જઈને રહ્યા.
પાર્વતીજીનાં વરદાનથી દેવો દ્વારા ગણેશજીને અગ્રપૂજ્ય મનાયા. શિવજીએ ગણેશજીને સર્વાધ્યક્ષ પદ પ્રદાન કર્યું. આથી દરેક શુભ કાર્યોમાં પ્રથમ ગણેશજીની પૂજા થાય છે ત્યારપછી અન્ય દેવોનું પૂજન કરાય છે.
ગણેશજીનાં બાર નામો :
૧. ઓમ સુમુખાય નમ:
૨. ઓમ એક દન્તાય નમ:
૩. ઓમ કપિલાય નમ:
૪. ઓમ ગજકર્ણાયે નમ:
૫. ઓમ લંબોદરાય નમ:
૬. ઓમ વિકટાય નમ:
૭. ઓમ વિઘ્નનાશાય નમ:
૮. ઓમ વિનાયકાય નમ:
૯. ઓમ ધુમ્રકેતવે નમ:
૧૦. ઓમ ગણાધ્યક્ષાય નમ:
૧૧. ઓમ ભાલચંદ્રાય નમ:
૧૨. ગજાનનાય: નમ:
द्वादर्शतानी नामानि
त्रिसंध्य य पथेन्नरः ।।
न च विघ्नभयं तस्य
सर्व सिद्धि करम प्रभो ।।
(નારદ પુરાણ)
આને ગણેશ ભગવાનનું સંકટનાશન સ્તોત્ર પણ કહે છે. આ ૧૨ નામો ત્રણેય સંધ્યા (સવારે બપોરે અને સાંજ) સમયે જે પાઠ કરે છે. તે વિદ્યાર્થીને વિદ્યા ફળે છે. ધનાર્થીને ધન પ્રાપ્ત થાય છે. પુત્રવિહોણાને પુત્રની પ્રાપ્તિ થાય છે. મોક્ષાર્થીને તેની ગતિ મળે છે. આ ઉપરાંત ગણેશ અથર્વશિર્ષ પણ છે. માત્ર ।। શ્રી ગં ગણપતયે નમ: ।। અથવા ।। શ્રી ગણેશાય નમ: ।। માત્ર બોલવાથી દરેક કાર્યોમાં વિઘ્નો રહિત લાભો મળે છે. શ્રી ગણેશના વિશેષ પરિચય માટે 'ગણેશ પુરાણ' નામનો ગ્રંથ પણ રચાયેલ છે.
ભગવાન 'શ્રી ગણેશ' આપણા સહુનું મંગળ કરે તેવી પ્રાર્થના સાથે...
- ડો.ઉમાકાંત જે. જોષી