Get The App

શ્રી કૃષ્ણએ વસંત ઋતુને જ પોતાની વિભૂતી કેમ કહી છે?

Updated: Feb 12th, 2025


Google NewsGoogle News
શ્રી કૃષ્ણએ વસંત ઋતુને જ પોતાની વિભૂતી કેમ કહી છે? 1 - image


શ્રીમદ્ ભગવદ ગીતાના અધ્યાય-૧૦(૩૫)માં ભગવાન કહે છે. "કુસુમાકર-ઋતુઓમાં વસંત હું છું." આવી કૃષ્ણનું સ્વરૂપ-વસંત ઋતુ- મહા સુદ- પાંચમ વસંત પંચમીથી પ્રવૃત થશે. આ ઋતુમાં વર્ષા વગર જ વૃક્ષ-લતા વિગેરે પત્ર-પુષ્પ રંગબેરંગી ફુલોથી ખીલી ઊઠે છે. વસંતનો ઉત્સવ એટલે નિસર્ગનો ઉત્સવ. જ્યાં જ્યાં નજર જાય ત્યાં ત્યાં હરિયાળી અને રંગબેરંગી ફુલોની ગોષ્ઠી. આ દ્રશ્ય નિહાળી મન-પ્રસન્નતા અનુભવે છે. પ્રકૃતિમાં ઈશ્વરની અનુભૂતિ થાય છે. શબ્દો સરી પડે છે, "ડાળીએ ડાળીએ ડાંડિયા રાસ, કળી-કળીએ કમળ.

ને પાંદડે-પાંદડે પુરૂષોતમ-ને પુષ્પે-પુષ્પે પરમેશ્વર

બ્રહ્મવૈવર્ત પુરાણની કથા મુજબ શ્રી કૃષ્ણએ માતા સરસ્વતી પર પ્રસન્ન થઈ, વરદાન આપેલ કે, "મહા સુદ- પાંચમ વસંત પંચમીના રોજ તમારી આરાધના કરી, વિદ્યા આરંભ કરશે તેને પ્રસન્નતા-સફળતા મળશે."

ગુલાબી ઠંડી વચ્ચે વસંતનું આગમન થતા જ વનવગડા અરણ્યોમાં ઝાડ-પાન-વૃક્ષવેલીઓ નૂતન શૃગાર ધારણ કરે છે. કુસુમ, કળીઓ પુષ્પો, કેસુડો વસંતી વાયરા સાથે એની મઘ-મઘતી સુવાસ-વાયુમંડળમાં પ્રસરાવે છે. આ સમયે વૃંદાવનની ગલીમાં પ્રભુ શ્રી કૃષ્ણ, શ્રી રાધીકાજી તથા ગોપીઓ સાથે ચાલીસ દિવસ સુધી નિત્ય હોળી ખીલે છે. આપણને આધકવિ નરસિંહ મહેતાના વસંત પદનું સ્મરણ થાય...

"ચાલ રમીયે સહી, મેલ મથવું મહિ... વસંત આવ્યો,

વન વેલ ફૂલી, મૂલીયા અંબ કોકિલા-લ-વે કદમ્બ,

કુસુમ-કુસુમ-રહ્યા ભ્રમર ઝુલી, આજ તો લાજગી દુહાઈ,

ચાલ રમીયે સહી... મેલ મથવું નહિ...

અન્ય રચનામાં પરમ વૈષ્ણવ વસંતનું વર્ણન કરતા કહે છે

"આ ઋતુ રૂડી રે, મારા વ્હાલા રૂડો મારા વસંત,

રૂડાને વનમાં કેસુ ફૂલ્યા, રૂડો રાધાજીનો કંઠ.

આ રીતે અનેક ભક્તો-કવિઓએ વસંતને વધાવેલ છે. પ્રકૃતિમાં સરળતા છે. તેનામાં કોઈ દંભનો એક પણ અંશ નથી, આથી પ્રભુની નજીક છે. આપણે વસંતમાં કુદરતના નઝરાણાનું વિહંગવાલોકન કરી, તેનામાંથી પ્રેરણા લઈ, જુનું ત્યજી નવેસરથી શુભારંભ કરીએ. જીવનમાં વસંત ખીલવીએ, મા સરસ્વતીની ઉપાસના કરીએ. સર્વે સિદ્ધી-સફળતા-પ્રસન્નતા પ્રાપ્ત કરીએ એ જ અર્ભ્યથના.


Google NewsGoogle News