પક્ષીઓના જગતમાં સૌથી સુખી પક્ષી કોણ?
મં દિર સામે વડલાના વૃક્ષના ઓટલા નીચે એ સંત જપસાધના અને પ્રભુસ્તવના વહેલી પ્રભાતે દરરોજ કરે, તેની સામેની નાનકડી ખૂલ્લી જગામાં મંદિરમાં આવતા દર્શનાર્થીઓ દર્શન કરવા આવે તે પક્ષીઓ માટે ચણ પણ નાખતા જાય.
આ સ્થળે સવારમાં અનેક પક્ષીઓ ચણવા આવે. એક કબૂતર ઓટલા ઉપર આવી સંત પાસે બેસી ગયું.
ધ્યાન પૂરું થતાં સંતે પ્રભુસ્તવના કરી. કબૂતર ત્યાંથી ઊડીને જતું નથી, ત્યાં જ બેસી રહ્યું છે. સંતે કબૂતરને માથે હાથ ફેરવ્યો. કબૂતર કહે, હું બહુ જ દુઃખી છું. સંત કહે, કેમ શું થયું ? કબૂતર કહે, આ પક્ષીઓના જગતમાં મારી કશી જ કિંમત નથી. માનવીઓમાં પણ હું માન-સન્માન પામી શકતો નથી. મારું જીવન બદતર થઈ ગયું છે. હવે આપ મારું આ દુઃખ દૂર કરો.
મને તારું કોઈ જ દુઃખ દેખાતું નથી, તો હું શું કરું ? સંતે કહ્યું, તમે મહાન સંત છો. તમે ભગવાનની નજીક છો. તમારું કહ્યું બધું જ ભગવાન માને છે માટે તમને કહું છું કે તમે ભગવાનને કહી મારું દુઃખ દૂર કરો કબૂતરે કહ્યું. શું કરવાથી તારું દુઃખ દૂર થાય ? જુઓ, સામેના સરોવરમાં હંસ છે તે તમે જોયું છે ? કેવું શ્વેત રંગનો હંસ છે ! હંસ કેવો સુંદર છે ! એ કોઈને પણ ગમી જાય. તે આખો દિવસ સરોવરમાં તર્યા કરે અને સરોવરમાં કેવાં રંગબેરંગી કમળ ખીલ્યાં છે ! આવા સુંદર વાતાવરણમાં મોજ-મસ્તીથી તે જીવે છે. બસ, મને આવું જીવન ગમે. તમે ભગવાનને કહો કે મને કબૂતરમાંથી હંસ બનાવી દે જેથી મારાં તમામ દુઃખોનો અંત આવી જાય કબૂતરે કહ્યું. સંત કહે, ભલે, હું ભગવાનને તારા માટે પ્રાર્થના કરીશ, પરંતુ તું પહેલાં હંસની પાસે એકવાર જઈને એની જીવનચર્યાને જાણીને આવી જા.
એ તો સરોવર પાસે જઈ અને હંસની સાથે વાત કરે છે અને કહે કે, તું કેટલો સુંદર છે અને સુખી છે.મને તારા સુખની ઈર્ષા આવે છે કે મને આવું સુખ કેમ નથી ? હંસ કહે, તારી ગેરસમજ છે. હું સુખી નથી. મારો રંગ માત્ર શ્વેત-સુંદર છે, હું રંગીન નથી એટલે મને પોતાને જ મારું શરીર ગમતું નથી. વળી હું આ નાનકડા સરોવરમાં જ રહું છું. આની બહાર હું જઈ શકતો નથી, તેનું મને દુઃખ છે. કબૂતર કહે, તો પક્ષીઓમાં સુખી કોણ? પોપટ બહુ જ સુખી ગણાય હંસે કહ્યું.
કબૂતર પોપટ પાસે જઈને કહે કે, તારો રંગ-રૂપ કેટલાં સુંદર છે ! લોકો તને બહુ જ ચાહે, માટે તું કેટલો સુખી છે !
પોપટ કહે, ના, હું ડરીને રહું છું. જો લોકોની ચાહના મેળવવા જાઉં તો તે લોકો મને એક પાંજરામાં પૂરી દે. પકડાઈ જવાની બીકે હું એ બાજુ ફરકતો પણ નથી. ખૂલ્લું આકાશ અને સુંદર રંગ મને મળ્યાં છે પણ હું સતત ભય અને ડરમાં જીવું છું. આમાં સુખ ક્યા મળ્યું ? કબૂતર કહે, તો તું જ મને કહે કે પક્ષીઓમાં સુખી કયું પક્ષી ? પોપટ કહે, તું મોરને જો. મારા કરતાં અનેક ગણા રંગોયુક્ત એ પક્ષી ખરેખર સુખી છે.
કબૂતર એક પશુ-પ્રાણી સંગ્રહાલયમાં મોરને જુએ છે અને પૂછે છે કે, અહા ! શું ભગવાને તને સુંદર રંગો આપ્યા છે ! તારાં પીંછાઓ, કલગી વિવિધ રંગોથી શોભાયમાન છે. વળી તું કળા કરે ત્યારે તો તારું સૌદર્ય ચરમ સીમાએ પહોંચે છે ! જો, આ પીંજરા બહાર તને જોવા કેટલા બધા લોકો ટોળે વળ્યા છે. ખરેખર પક્ષીજગતમાં તારા જેવું કોઈ સુખી નથી.
મોર કહે, તું કયા સુખની વાત કરે છે ? મારા આ રંગોને અને કહેવાતા સૌંદર્યને કારણે જ આ પશુ-પક્ષી સંગ્રહાલયમાં મને કેદ મળી છે. ખૂલ્લા આકાશમાં ઊડવાનું મારા નસીબમાં ક્યાં છે? પોતાના શરીરની શોભા માટે મારા શરીરમાંથી પીંછા ખેંચતા આ લોકો મારી પીડાને શું જાણે ? કબૂતર કહે, તો પક્ષીજગતમાં સુખી કોણ ? મોર કહે, મારા મતે બધાં પક્ષીઓમાં તારી જાત કબૂતર સૌથી સુખી છે. મુક્ત ગગનમાં ઊડી શકે છે અને કબૂતરને ખાવા માટે માનવીઓએ અનેક જગાએ ચબૂતરા બનાવ્યા છે, ત્યાં માણસો ચણ નાખી જાય છે જેથી કબૂતર જ સુખી. હવે તેને અહેસાસ થઈ ગયો કે ખરેખર હું દુઃખી નથી.
- ગુણવંત બરવાળિયા