જ્યાં મોહ ત્યાં પ્રાણ .
શ્રી મદ ભાગવતના પાંચમા સ્કંધમાં શ્રીભરતજીનું ચરિત્ર આલેખેલું છે. ભરતજી સંસારનો ત્યાગ કરીને ગંડકી નદીના નીરે આશ્રમ બાંધીને રહેતા હતા. એકવાર નદીમાં સ્નાન કરી રહ્યા હતા ત્યારે એક ગર્ભિણી હરણી પાણી પીવા નદી તરફ આવી રહી હતી. એક સિંહ તેની પાછળ પડયો હતો તેનો તેને ખ્યાલ નહોતો. અચાનક સિંહની ભયંકર ત્રાડથી તે ડરી ગઈ. તેની તરસ તો ક્યાંય જતી રહી. હવે તેને જીવ બચાવવો હતોે. કશો રસ્તો ના સૂઝતાં, નદી પાર કરવા તેણે નદીમાં છલાંગ લગાવી દીધી. છલાંગ મારતી વખતે અત્યંત ભયને કારણે તેનો ગર્ભ નીકળીને નદીમાં પડી ગયો. હરણીએ નદી માંડ માંડ પાર કરી. પણ તે કિનારે જતાં જ ઢળી પડી અને મરી ગઈ! તેનું બચ્ચું પાણીના પ્રવાહમાં તણાતું હતું. ભરતજીને દયા આવી. તે બચ્ચાને લઈને આશ્રમમાં આવ્યાં. તેમણે બચ્ચાની આંખોમાં લાચારી જોઈ. દિવસે દિવસે મૃગબાળ પ્રત્યે ભરતજીને માયા બંધાઈ ગઈ. દિવસ-રાત તેમની પાસે જ રહેવા લાગ્યું. હવે ભરતજીનો સમય તેના ખાવાપીવાની વ્યવસ્થા કરવામાં, હિંસક પ્રાણીઓથી બચાવવામાં, તેને લાડ પ્યાર કરવામાં જ વીતવા લાગ્યો, થોડા દિવસોમાં તો તેમનાં યમ, નિયમ, ધ્યાન, સાધના અને ભક્તિ કર્મો છૂટવા લાગ્યાં મોહ વધતો ગયો, આસક્તિ વધતી ગઈ, માયા વધતી ગઈ. બેસતાં ઊઠતાં, હરતા ફરતા...અરે, ભોજન કરતાંય તેમનું મન મૃગબાળને શોધ્યા કરતું. જે ભરતજીએ પ્રભુને પામવાના મોક્ષ માર્ગમાં અડચણરૂપ લાગતા પુત્રો-સંબંધી અને સર્વસંસારનો ત્યાગ કર્યો હતો તે આજે મૃગબાળની મોહ-માયામાં લપેટાઈ ગયા હતા. અંત સમયે પણ મૃગબાળ અને ભરતજી સાથે હતા. આવી આસક્તિમાં જ મૃગબાળની સાથે ભરતજીનું શરીર છૂટી ગયું. અંતકાળની ભાવના મુજબ અન્ય સાધારણ માનવની માફક તેમને પણ મૃગશરીર પ્રાપ્ત થયું. પણ તેમની સાધનાના બળે તેમને પૂર્વ જન્મની સ્મૃતિ કાયમ રહી. તે મૃગ રૂપ થવાનું 'કારણલ્લ જાણીને પસ્તાયા! જે ચિત્ત શ્રીકૃષ્ણમાં નિરંતર રચ્યું પચ્યું રહેતું હતું તે એક મૃગબાળની માયામાં કેવી રીતે ફસાઈ ગયું. કેવી માયા, કેવી આસક્તિ, પ્રાણ ક્યાં અટકી ગયો.
જે એક ક્ષણ પણ ચિત્તમાંથી હટે નહિ તે મોહ. જે ક્ષણે ક્ષણે યાદ આવ્યા કરે તે મોહ. જે સાંસારિક કાર્યો કરતાં કરતાંય ભૂલાય નહિ તે મોહ. પંચેન્દ્રિયમાંથી એકાદ ઈન્દ્રિય પણ કોઈ ખાસ વસ્તુની લાલસામાં ડૂબેલી રહે તો જીવનરસ ડહોળાઈ જાય. ઈચ્છા થછી સ્વાભાવિક છે પણ એક જ ઈચ્છાના કેન્દ્રમાં પ્રાણ ભટક્યા કરે તે નુકશાન કર્તા છે.
આંખને એક દ્રશ્ય ગમે એટલે તે જુએ પણ તેને એ જ દ્રશ્ય ફરી ફરી જોવાની કામના થાય તો મોહ પેદા થાય. સ્વાદિષ્ટ મિઠાઈ ખાવાની ઈચ્છા થાય તે ઠીક છે પણ એક ખાસ પ્રકારની મિઠાઈ ખાવાની ઈચ્છા થયા જ કરે, થયા જ કરે તે ચિત્તની ગુલામ સ્વાદેન્દ્રિયની નબળાઈ છે. પછી મિઠાઈ દેખાય ને મન તેને ખાવા દોડધામ કર્યા કરે ! આપણે અમુક જ જગ્યાની ચા કે કોફી, અમુક જ જગ્યાની મિઠાઈ, અમુક જ જગ્યાનું ફરસાણ-ખાવા માટે લોકોને દોડધામ કરતા જોયા છે. જ્યારે ચિત્ત, મન, પ્રાણ ત્યાં અટકેલો રહે ત્યારે આવું બને છે.
એક પરીકથા દરેક ભાષામાં જોવા મળે છે. એક શક્તિશાળી રાજા હતો. બીજા રાજ્યના રાજાઓ તેના પર અનેકવાર આક્રમણ કરી ચૂક્યા હતા. પણ તે કદી હારતો નહિ. કદી મરતો નહિ. એક જાણભેદુ એ એનું રહસ્ય એક રાજકુમારને કહ્યું. રાજાનો પ્રાણ એક પોપટમાં રહેલો હતો. રાજકુમાર તે પોપટની શોધમાં નીકળ્યો. એક ગુપ્ત ભોંયરામાં સખત પહેરેદારી નીચે સોનાના પિંજરામાં પોપટ રાખેલો હતો. રાજકુમાર ત્યાં આવ્યો. પિંજરૂ ખોલ્યું. પોપટ કાઢીને ત્યાં જ મારી નાખ્યો. જ્યાં પોપટ મર્યો ત્યાં જ પેલા શક્તિશાળી રાજાનો પણ અંત આવી ગયો.
કેટલાક લોકો ધનહાનિ થવાથી, પ્રિયજનના વિખૂટા પડવાથી પ્રતિષ્ઠાને કલંક લાગવાથી કે નાપસંદ કે અસ્વીકાર (rejection) થવાથી આત્મહત્યા કરી લે છે. શા માટે ? કારણ કે તેમણે ધનને, પ્રિયજનને, સત્તાને, પ્રતિષ્ઠાને કે પોતાના સ્વીકારને જ પોતાનું જીવન માની લીધું હોય છે. પોતાની અતિ વહાલી, અતિ ચહેતી વસ્તુ કે વ્યક્તિમાં પોતાના મનનું-ચિત્તનું-પ્રાણનું આરોપણ કરેલું હોય છે. એકવાર વહાલી વસ્તુ ગઈ એટલે ખલાસ, જિંદગી ખતમ થઈ ગઈ. હવે અહીં જીવવા જેવું કસું રહેતું જ નથી. એન્ડ્રુ કાર્નેગી એના વખતમાં દશ કરોડ રૂપિયા છોડીને મર્યો હતો. પણ મરતી વખતેય શાંતિ ન હોતી. ''મારી ઈચ્છા સો કરોડ મૂકી જવાની હતી. નેવું કરોડની ઉણપ જેટલો હું ગરીબ જ રહ્યો.લ્લલ્લ હૈદરાબાદના નિઝામ પાસે એટલા હીરા હતા કે તેને ત્રાજવામાં તોલવા પડતા. ગોલકુંડાની ખાણમાંથી જે હીરો નીકળેએ પહેલાં તેની પાસે આવતા-સારા સારા લઈ લે પછી જ બજારમાં જતા. આટલો વૈભવ છતાં તેની હાલત કેવી હતી ? ત્રીસ વરસથી એકની એક ટોપી પહેરતો. વાસ મારતી છતાં ધોવડાવતો નહિ તેની પાસે યુવાની વખતનો એક જ કોટ હતો. તે આવેલા મહેમાનોને સિગારેટ પીતાં જોતો અને તેની છાતી બળી જતી. તેમના ગયા પછી એશ ટ્રે માં બચેલી સિગારેટના ટુકડા કાઢીને ફૂંકતો ! જ્યારે તે મરી ગયો ત્યારે એક હીરો તેના બૂટમાંથી મળ્યો હતો.
જ્યારે માણસનો પ્રાણ ક્યાંક અટકેલો હોય ત્યારે તેને માર્ગમાં આવતી મુશ્કેલીઓ, કઠણાઈઓ, કાંટા-કાંકરા, જોખમો કશું જ દેખાતું નથી. જો વહાલી વસ્તુ સાથે હોય તો જાણે દુનિયા તેની મુઠ્ઠીમાં હોય એમ લાગે છે. તેને લાગે છે ખુદ ઈશ્વર તેની સાથે છે.
જો જીવ જાગૃત થાય તો મોહ ઘટે મોહ ઘટે તો તૃષ્ણા ઓછી થાય. તૃષ્ણા ઓછી થાય તો વિચારવાનો સમય મળે વિચારવાનો સમય મળે તો હું કોણ છું ? એના સ્વ-રૂપનો પરિચય થાય. અને 'સ્વલ્લરૂપનો પરિચય થતાં જ મોક્ષ માર્ગ નજરે ચઢે. મહાભારતના યુધિષ્ઠિરનો પ્રાણ 'ધર્મલ્લમાં અટકેલો હતો. રામાયણના લક્ષ્મણનો પ્રાણ શ્રીરામમાં અટકેલો હતો. હવે આપણે વિચારવાનું છે કે આપણો પ્રાણ ક્યાં અટકેલો છે.
- સુરેન્દ્ર શાહ