ક્યાં છે કૃષ્ણ? ક્યાં નથી કૃષ્ણ? .
- ઈ.સ.પૂર્વે બીજી સદીના અફઘાનિસ્તાનના ચાંદીના સિક્કા પર મળે છે ચક્રપાણી શ્રીકૃષ્ણ અને હલધર બલરામ
- ડૉ. કુમારપાળ દેસાઈ
શ્રીકૃષ્ણના વ્યક્તિત્વને સમગ્રતયા પામવું એ જેટલું પડકારરૂપ છે એટલી જ પડકારરૂપ બાબત એમના જીવનમાં 'રૂઢ' ધર્મ વિશે જોવા મળે છે. 'રૂઢ' ધર્મની કોઈ પકડમાં શ્રીકૃષ્ણ આવતા નથી. કોઈ એમને મહામાનવ તરીકે ઓળખે છે, તો કોઈ એમને પૂર્ણાવતાર રૂપે જુએ છે. શાશ્વત, ધર્મ, ઋત, સત્ય અને સર્વના અંતરયામી તરીકે શ્રીકૃષ્ણનું નિરૂપણ મળે છે. કેટકેટલાં રૂપ છે એમનાં. એ વ્રજનાથ છે, તો સજ્જનોના સંરક્ષક અને દુર્જનોના વિનાશક છે. એ ગોપીજનવલ્લભ છે, તો ગીતાના ગાયક પણ છે. એ મહાયોગેશ્વર છે. તો જગતમાં સંક્રમણ કરનાર ત્રિવિક્રમ વિષ્ણુ પણ છે. ૬૩૪ પૃષ્ઠની કુંતીની કઠોર નિયતિની અને વિધિવક્રતાની કથા આલેખતી મહાનવલ 'અનાહતા'નું મેં સર્જન કર્યું, ત્યારે સૌથી મોટો સવાલ એ શ્રીકૃષ્ણના વિવિધરંગી વ્યક્તિત્વને આલેખવાનો હતો. શ્રી હરિન્દ્ર દવેએ લખેલી નવલકથા 'માધવ ક્યાંય નથી' એની અનુભૂતિ પછી મહાભારત વાંચતા એમ લાગ્યું કે 'માધવ ક્યાં નથી ?'
ભારતનો કયો સર્જક કે વિશ્વનો તત્ત્વજ્ઞાાની શ્રીકૃષ્ણ થી અલિપ્ત રહી શકતો નથી ! પ્રસિદ્ધ ઈતિહાસકાર આર્નોલ્ડ ટોયન્બીએ તેમના અંતિમ ગ્રંથ 'અ સ્ટડી ઓફ હિસ્ટરી'નું સમાપન કરતાં અંતે જણાવ્યું છે : 'અર્જુનની આગ્રહભરી પ્રાર્થના પછી શ્રીકૃષ્ણે વિકરાળ વિશ્વરૂપદર્શન કરાવ્યું અને ભયભીત અર્જુન ઉપર જેવો એમનો પ્રભાવ પડયો હતો, તેવો પ્રભાવ આ તત્ત્વશોધક ઈતિહાસકાર પણ અનુભવે છે.'
વિશ્વભરમાં શ્રીમદ્ ભગવદ્ગીતાનું ભિન્ન ભિન્ન પ્રકારે ગાન થયું છે. ક્યાંક પુરુષોત્તમ શ્રીકૃષ્ણ મળે, ક્યાંક સચરાચરગુરુ શ્રીકૃષ્ણ મળે, ક્યાંક અંતર્યામી શ્રીકૃષ્ણ મળે. ક્યાંક સર્વના સહાયક શ્રીકૃષ્ણ મળે, ક્યાંક સર્વના કલ્યાણકારી, સર્વના મિત્ર અને જ્ઞાાન અને કર્મના યોગીશ્વર શ્રીકૃષ્ણ મળે. ક્યાંક કોઈ અંગત મહત્ત્વકાંક્ષા નહીં કે સત્તાપ્રાપ્તિની ભાવના નહીં, માત્ર લોકકલ્યાણ અર્થે એમણે દુષ્ટ કંસનો વધ કર્યો. એ સમયે તેઓ યાદવોના રાજા થઈ શકે તેમ હતા, પણ એમણે રાજ્ય સ્વીકાર્યું નહીં.
એ જ રીતે રાજસૂય યજ્ઞા અને અશ્વમેઘ યજ્ઞા પ્રસંગે યુધિષ્ઠિરે બે-બે વખત એમને સમ્રાટ બનવા વિનંતી કરી, એ પણ એમણે નમ્રતાપૂર્વક નકારી હતી. કવિઓ, વિદ્વાનો, સંતો, ભક્તો અને બહુજનસમાજે એમના વ્યક્તિત્વનું અનેક પ્રકારે કીર્તન, નિરૂપણ અને સંશોધન કર્યું છે. આવું એક સંશોધન કૃષ્ણચરિત્રતા ઊંડા અભ્યાસી ઉપેન્દ્રરાય સાંડેસરા અને સુમના શાહ પાસેથી મળે છે, જેમાં એમણે શ્રીકૃષ્ણના વ્યક્તિત્વનો પરિચય આપવા પ્રયાસ કર્યો છે.
શ્રીકૃષ્ણના વ્યક્તિત્વમાં વિશ્વરૂપદર્શન એક મહત્ત્વની બાબત છે. મહાભારત યુદ્ધના પ્રારંભે અર્જુનની આગ્રહભરી વિનંતીથી શ્રીકૃષ્ણે વિશ્વરૂપ દર્શન કરાવ્યું છે.
બીજું એ કે શ્રીકૃષ્ણે બાળલીલામાં માટી ખાધી, માતાના આરોપનો અસ્વીકાર કરીને શ્રીકૃષ્ણે માતાને મોંમાં વિશ્વરૂપદર્શન કરાવ્યું. એમણે અક્રૂરને પણ વિશ્વરૂપદર્શન કરાવ્યું હતું.
હસ્તિનાપુરમાં દુર્યોધને શાન્તિદૂત શ્રીકૃષ્ણને કેદ કરવાનું ગોઠવ્યું, ત્યારે શ્રીકૃષ્ણે પોતાનું ઉગ્ર વિશ્વરૂપ બતાવ્યું. અર્જુનને 'અનુગીતા' સંભળાવ્યા પછી દ્ધારકા જતાં ઉત્તંક ઋષિને શ્રીકૃષ્ણે વિશ્વરૂપદર્શન કરાવ્યું.
શ્રીકૃષ્ણ પૂર્ણાવતાર છે. મનુષ્ય જીવનમાં કરી શકે એટલો સંપૂર્ણ પુરુષાર્થ એમણે કર્યો છે, અને શ્રેષ્ઠથી માંડીને નિકૃષ્ટત્તમ સુધીની અખિલ માનવજાતિને યજ્ઞાાર્થે - ભગવત્પ્રીત્યર્થે નિરંતર પુરુષાર્થ કરવાનો આદર્શ આપ્યો છે. આત્મદર્શન કરી કૃતાર્થ થવા માટે અને કૃતાર્થ થયા પછી ભક્તિપૂર્વક લોકસંહારાર્થે કર્મ કરવા માટે.
કેટલીક ઐતિહાસિક ચર્ચાઓ કરીએ. ઈ. પૂર્વે એકાદ હજાર વર્ષ જેટલા પ્રાચીન સમયથી શ્રીકૃષ્ણનું ક્ષત્રિયત્વ લુપ્ત લઈને તેમને પૂજ્ય ભગવાન માનવામાં આવતા હતા એમ જણાય છે. 'બૌધાયન ગૃહ્યસૂત્ર' (ઈ.સ. પૂર્વે ૮૦૦/૭૦૦)માં 'તદાહ ભગવાન્' એમ લખીને 'ભગવદ્ગીતા'નો શ્લોક (૯-૨૬) પ્રમાણ તરીકે ટાંક્યો છે. તે ઉપરાંત તે જ ગ્રંથમાં શ્રીકૃષ્ણ અને વિષ્ણુપુજનના અનેક નિર્દેશ છે. શ્રીકૃષ્ણનાં દ્ધાદશ નામો પણ ત્યાં છે.
શ્રીકૃષ્ણ-અર્જુન ક્ષત્રિય નહિ, પરંતુ સમ્માનનીય દેવો (નર-નારાયણ) છે તેથી તેમને માટે પાણિનિએ 'આર્મીનિયામાં ઈ.પૂર્વે ત્રીજી શતાબ્દીમાં માત્ર કૃષ્ણ-ઉપાસના જ પ્રચલિત નહોતી, પણ તે સાથે ત્યાં બાન્ સરવરના તપ ઉપર મંદિરોમાં કૃષ્ણની વિશાળ મૂર્તિઓ પણ ઉપસ્થિત હતી. જેને પછી ખ્રિસ્તીઓએ તોડાવેલી, એનું કહેવું છે કે ઈ.સ.ની ચોથી શતાબ્દીના આરંભે લગભગ ત્યાં પાંચ હજાર કૃષ્ણોપાસક વિદ્યમાન હતા.'
મધ્યપ્રદેશના બેસનગરમાં ઈ.પૂર્વે બીજી સદીનો ગરુડસ્તંભ છે. તેના ઉપર બ્રાહ્મી લિપિમાં નીચે દર્શાવેલો અભિલેખ છે. 'દેવાધિદેવ વાસુદેવનો આ ગરુડધ્વજ દિયસના પુત્ર અને તક્ષશિલાના વાસી હેલિયોદોરસે, કે જે મહારાજા અંતિલિકિતસ (એન્ટિઆલ્કિદસ)ના યવન રાજદૂત હતા, તેમણે ત્રાતા ભાગચંદ કાશિપુત્રના સમૃદ્ધ રાજ્યશાસનના ચૌદમા વર્ષે નિર્માણ કરાવ્યો. આ ત્રણ પદ (અમૃત પગલાં)નું અનુષ્ઠાન કરવામાં આવે તો તે સ્વર્ગમાં લઈ જાય છે. : દમ, ત્યાગ અને અપ્રમાદ.'
રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના ઘોસુંડીના શિલાલેખોમાં (ઈ.પૂર્વે બીજી અથવા પહેલી સદી) સંકર્ષણ અને વાસુદેવને ભગવાન, અજિત અને સર્વેશ્વર કહ્યા છે. નાનાઘાટની ગુફામાંના અભિલેખ (ઈ.પૂર્વે.બીજી સદી)માં શ્રીકૃષ્ણ વાસુદેવને ભગવાન અને સર્વેશ્વર કહ્યા છે.
અફઘાનિસ્તાનમાં ઈ.પૂર્વે બીજી શતાબ્દીમાં ચાંદીના સિક્કા ચાલતા. તેમાં એક બાજુ ચક્રપાણિ શ્રીકૃષ્ણ અને બીજી બાજુ હલધર બલરામનું અંકન છે. આ સિક્કા ગ્રીક શાસન અગુથવલેય (એગેથોક્લિસ) એ ચલાવ્યા હતા.
સૌરાષ્ટ્રમાંથી ચોથી સદીની કેશીનિષૂદન કૃષ્ણની મૂર્તિ મળી છે. રશિયાના ખોતાનમાંથી વેણુગોપાલ અને ગોવર્ધનધારી શ્રીકૃષ્ણની મૂર્તિઓ મળી છે. તે બંને મૂર્તિઓ પણ ઈ.સ.ની ચોથી સદીની છે અને રશિયાના લેનિનગ્રાદના નેશનલ હર્મિતાઝ મ્યુઝિયમમાં મોજૂદ છે.
અત્યંત પ્રાચીન સમયની અર્જુન-શ્રીકૃષ્ણને પુરાણઋષિ નર-નારાયણના અવતાર માનવામાં આવે છે. કૃષ્ણ નામાભિધાનથી ઉલ્લેખાયેલાં અન્ય મહત્ત્વના પાત્ર પાત્ર મળે છે. જેમ કે (૧) કૃષ્ણ દ્વૈપાયન વેદવ્યાસ, મહાભારતના રચયિતા (૨) કૃષ્ણ અર્જુન પાંડવ, શ્રીકૃષ્ણના પ્રિયતમ સખા (૩) કૃષ્ણ આંગિરસ. મંત્રદ્રષ્ટા. (૪) કૃષ્ણ આત્રેય. આયુર્વેદના પ્રથમ પ્રવર્તક (૫) કૃષ્ણ દેવકીપુત્ર. 'છાંદોગ્ય ઉપનિષદ'માં એમને ઉપદેશ છે. ઉપનિષદમાંના બીજરૂપ ઉપદેશને 'ભગવદ્ગીતા'ના ઉપદેશ સાથે ઘણું સામ્ય છે. (૬) કૃષ્ણ પરાશર. એક બ્રહ્મર્ષિ. (૭) કૃષ્ણહારિત. એક આચાર્ય. તેમણે વાગ્દેવતાની ઉપાસનાનો એક પ્રકાર દર્શાવ્યો છે.
'ભગવદ્ગીતા'નો ઉપદેશ વિશ્વભરમાં સહજ રીતે પ્રસર્યો. કોઈ વ્યવસ્થિત સંસ્થા કે સંપ્રદાયના પ્રચારથી નહિ, પણ સ્વાભાવિક રીતે. હવે તમે જ કહો કે ક્યાં નથી શ્રીકૃષ્ણ ?