જ્યારે મનથી નમન થાય ત્યારે આશીર્વાદ ફળે છે
કુરૂક્ષેત્રના મેદાન પર યુધ્ધ શરૂ થતાં પહેલાં કલ્પી પણ ના શકાય એવી ઘટના ઘટી હતી. યુધિષ્ઠિર શરીર પરથી કવચ ઉતારી, હથિયાર હેઠા મૂકી, રથમાંથી નીચે ઊતર્યા. હાથ જોડી પિતામહ તરફ ચાલવા લાગ્યા. બીજા પાંડવો અને શ્રીકૃષ્ણ પણ રથમાંથી ઉતરી તેમની પાછળ ચાલવા લાગ્યા. પળભર માટે દરેકને લાગ્યુ કે યુધિષ્ઠિરને હતાશા ઘેરી વળી હશે. અથવા યુદ્ધની ભીષણતાથી ડરી ગયા હશે. બન્ને પક્ષોના યોધ્ધાઓ અનેક જાતના તર્કવિતર્ક કરવા લાગ્યા. પણ શ્રીકૃષ્ણ આ ક્રિયાનું રહસ્ય પામી ગયા.
યુધિષ્ઠિર ભીષ્મ પાસે પહોંચ્યા. (તત:પાદૌ કરાભ્યાં પીડય પાંડવ:) પોતાના બે હાથે પિતામહના ચરણ દબાવી માથું ઝૂકાવી પગે પડયા. પછી ખૂબ જ કૂણા સ્વરે વિનંતિ કરી. ' હે પિતામહ. હું આપની આજ્ઞાા ચાહું છું. મને દુ:ખ છે મારે આપની સાથે યુદ્ધ કરવું પડશે. (અનુજાનીહિમાં તાત આશિષશ્વ પ્રયોજય) હે તાત, યુધ્ધ કરવા મને આજ્ઞાા આપી- આશીર્વાદ આપો. પિતામહનું ચિત્ત ફૂલની ફળીઓનું ઝૂમખું મ્હોરી ઉઠે એમ ઉલ્લસિત થઈ ગયું. યુધિષ્ઠિરની હથેળીનો ચરણસ્પર્શ થતાં જ તેમણે તેના મસ્તક પર હાથ મૂકી પારિજાતના ફૂલોના ઢગલાની માફક આશીર્વાદ વરસાવી દીધા. પુત્ર, હવે હું ખૂબ ખુશ છું. તને આજ્ઞાા આપું છું. તુ યુધ્ધ કર અને વિજય મેળવ. એટલું જ નહિ તારા મનમાં જે કંઈ ઇચ્છા હોય તે યુધ્ધભુમિ પર પૂર્ણ થાય એવા મારા આશીર્વાદ છે. અન્ય પાંડવોએ પણ આશીર્વાદ લીધા. ત્યારબાદ સૌએ દ્રૌણાચાર્ય, કૃપાચાર્ય, મામા શલ્પ પણ આશીર્વાદ લીધા. આશીર્વાદ આપતી વખતે દરેકે એક જ વાત કહી. 'હે પાંડવો, યુધ્ધનો નિર્ણય કર્યા પછી જો તમે મારી પાસે આશીર્વાદ લેવા ના આવ્યા હોત તો (શપેયં ત્વાં મહારાજ પરાભાવાય સર્વશ :) હું દરેક રીતે તમારી હાર થાય એવો શાપ આપત!'
શું વડીલોના મન એટલા છીછરા અને કઠણ હોય છે કે કોઈ ઝૂકે ચરણસ્પર્શ કરે કે નમન કરે ત્યારે જ આશીર્વાદ આપે ? ના, તેમના માટે સંબંધીઓ પ્રત્યેનો વાત્સલ્યભાવ શિરાઓમાં દોડતા લોહીના એક એક બુંદ જેટલો જીવંત હોય છે. જીવનના અનુભવો પરથી તે એટલું તો સમજી જ ગયો હોય છે કે આશીર્વાદ ધર્મકાર્ય કરનારને જ અપાય અધર્મીને નહિ ! અહીં સ્ત્રીપર્વનો એક પ્રસંગ નોંધવા જેવો છે. યુધ્ધના અઢારે અઢાર દિવસ દુર્યોધન કુરૂક્ષેત્રમાં જતાં પહેલાં માતા ગાંધારીના આશીર્વાદ લેવા જતો. માતા ગાંધારીનું તપોબળ એટલું નક્કર હતું કે તેમના શાપથી પાંડવોનો જડમૂળથી નાશ થઈ જાય પણ ધર્મિષ્ઠ અને સત્યવકતા ગાંધારી એક જ વાત કહેતી. ' યતો ધર્મસ્તતો જય:.' પુત્ર, જેના પક્ષમાં ધર્મ હશે તેનો જ વિજય થશે. ગાંધારીએ દુર્યોધનને વિજયીભવનો આશીર્વાદ કદી નથી આપ્યો.
માણસ ક્રોધમાં હોય ત્યારે હિંસક બની મારામારી કરે. પ્રેમમાં હોય ત્યારે પ્રિયજનને હૃદયથી લગાવી આલિંગન આપે, પણ...માણસ જ્યારે કોઈની ગુરૂતાથી ગદ્ગદ્ થાય, નિ:સ્વાર્થ લાગણીથી તરબતર થાય, કોઈની કૃપાના સ્પર્શથી ઝાકળ જેવી સુખદ શીતળતા અનુભવે, કોઈને ધન્યવાદ આપવા શ્રદ્ધા અને આદરભાવથી હૈયું નિરુદેશ સંવેદન અનુભવે ત્યારે માણસ ઝૂકે છે, નમન કરે છે, ચરણસ્પર્શ કરે છે. આવા સમયે આંખે સમર્પણના આંસુની ઝાંય બાઝે છે.
જવાહરલાલ નહેરૂના બહેન વિજ્યા લક્ષ્મીના લગ્ન રાજકોટના રણજીત પંડિત સાથે થયાં હતા. તેમને પુત્રીઓ હતી. પુત્ર નહોતો. પતિ રણજીતનું અચાનક અવસાન થયું. જીવનમાં શૂન્યાવકાશ છવાઈ ગયો. વિજયા લક્ષ્મીના સસરા જાગીરદાર હતા. તે સજ્જન તો હતા પણ જૂનવાણી (ઓથોડોક્સ) હતા. તેમણે વિજ્યાલક્ષ્મીને હિન્દુ કુટુંબના તે વખતના કાયદા મુજબ મિલકતમાં ભાગ આપવાની ના પાડી. પત્ર મારફતે જણાવ્યું. 'જો મારે પૌત્ર હોત તો તેને ભાગ જરૂર મળત. પૌત્રીઓને ભાગ ના મળે. પણ જો તમે અહીં રાજકોટ આવીને રહેશો તો એક વડીલ તરીકે ભરણપોષણની જવાબદારી જરૂર ઉપાડીશ !' વિજ્યાલક્ષ્મી પંડિત શિક્ષિત હતા. આધુનિક વિચારધારા ધરાવતા હતા. તેમને ખૂબ લાગી આવ્યું. તેમણે દીકરીઓને લઈને અમેરિકા જવાનો નિર્ણય લીધો એ સારૃં કર્યું. મારા હંમેશના તમને આશીર્વાદ છે. પણ અમેરિકા જતાં પહેલાં સસરાના આશીર્વાદ લઈ આવ્યા? વિજ્યાલક્ષ્મીના મનમાં સસરાના વલણ પ્રત્યે કડવાશ હતી. તે સમસમીને મૌન રહ્યાં. બાપુએ કહ્યું ' તમારે ક્યાં મિલકતમાં ભાગ લેવા જવાનું છે ? તમારે તો આશીર્વાદ લેવા જવાનું છે. અને આશીર્વાદ લેવો એ તમારો હક્ક પણ છે અને ફરજ પણ ! એ તમારૃં કર્તવ્ય છે. અમેરિકા જાવ છો તો મન હળવું કરીને જાવ.
વિજયાલક્ષ્મીને આ વાત કઠણ લાગી પણ તે રાજકોટ ગયાં. પુત્રીઓ સાથે સસરાજીને ચરણસ્પર્શ કર્યા. ચરણસ્પર્શ કરવાથી તે હળવાં થઈ ગયાં. ખરેખર તે જાત પ્રત્યે ઊંચા સાહિત થયાં. પણ સસરા વલોવાઈ ગયા. બગીચા તરફની બારી ખોલતાં જ જેમ ઘર સુગંધિત થઇ જાય એમ તેમનું હૃદય આદર મળવાથી છલકાઈ ગયું. આંખો ભીની થઈ ગઇ. આવું વિચાર્યું નહોતું. પૌત્રીઓને બન્ને હાથે ઉંચકી બાથમાં ભરી દીધી. તે બોલ્યા,' કાયદો ગમે તે કહે. હું મારી દીકરીઓને વારસાથી વંચિત નહિ રાખું ।। ઘર- જમીન-પૈસા જે જોઈએ તે આપીશ. બાપુની સલાહથી કડવાશ ભૂલીને વિજ્યાલક્ષ્મી પંડિતે મનથી નમન કર્યું અને આશીર્વાદ ફળી ગયો. આશીર્વાદ ખેડેલા ખેતરમાં રોપાયેલાં ધાન્યબીજ પર ઝળુંબતા ઘનઘોર વાદળ જેવો છે. પહેલી વખત પગલાં ભરતા બાળકના- પડી જઈશ તો ઝીલી લેશે એવા માતા પર થયેલા વિશ્વાસ જેવો છે. ભક્તની ભગવાન ઉપરની પરમ શ્રદ્ધા જેવો છે. આશીર્વાદ મૂર્તિને નમન કર્યા પછી હથેળીમાં મૂકાતા પ્રસાદ જેવો છે.
- સુરેન્દ્ર શાહ