Get The App

દરેક શુભ-કાર્યોમાં 'શ્રીફળ'નું મહત્વ શું છે?

Updated: Jun 21st, 2023

GS TEAM


Google News
Google News
દરેક શુભ-કાર્યોમાં 'શ્રીફળ'નું મહત્વ શું છે? 1 - image


- શ્રીફળનું જીવન આપણને સહુને જીવનમંત્ર આપે છે કે 'તારા સ્વધર્મમાં મારી કાચલીની જેમ કઠોર રહેજે. પરંતુ ધ્યાન રાખજે તું કઠોર નહીં બનતો તારું હૃદય તો મારી મલાઈ જેવું જ કુણું રાખજે. તારા મીઠા શીતળ રસથી તુષાતુરની તૃષા છિપાવજે. વિશ્વની ખારાશ તારા ઉરમાં સમાવજે પણ લોકોને તો તું મીઠું જ પાણી આપજે.'

પ્ર ત્યેક શુભ-કાર્યમાં શુકન તરીકે શ્રીફળ નારીયેળ રાખવામાં આવે છે. તેની પાછળ બલિદાનની ભાવના રહેલી છે. શ્રીફળ માનવીના મનના વૈભવનું પ્રતીક છે. હૃદયની કુમાશ રાખી જીવનની કઠોર કર્તવ્ય નિષ્ઠાનું પ્રેરણાદાતા એટલે શ્રીફળ.

નારીયેળીના પ્રત્યેક ભાગની ઉપયુક્તતા છે. તેથી જ તેનું નામ 'શ્રીફળ' છે. શ્રી એટલે વૈભવ અને શ્રીફળ એટલે વૈભવ લાવનારું ફળ શ્રીફળ એ વૈભવનું પ્રતિક છે.

નારીયેળનું ફળ એ નિઃસ્વાર્થ સેવાનું પણ પ્રતિક છે. કારણકે નારિયેળના વૃક્ષનો દરેક ભાગ-થડ, પાંદડા, ફળ વગેરે મનુષ્યના કોઈને કોઈ કામમાં આવે છે. પાંદડામાંથી ઘરનું છાપરું બને છે. તેમાંથી સાદડી, અને આસનો બને છે. નારીયેળની છાલમાંથી કાથી બને છે. જે અનેક કામમાં આવે છે. નાળિયેરનાં કોપરામાંથી તેલ અને સાબુ બને છે. કોપરાનું છીણ રસોઈને સ્વાદિષ્ટ બનાવવામાં વપરાય છે. 

નારિયેળનું વૃક્ષ જમીનમાંથી ખારું પાણી ચૂસીને તેનું રૂપાંતર કરી મીઠું પાણી આપે છે. આથી નારિયેળનાં વૃક્ષને 'કલ્પવૃક્ષ' પણ કહે છે.

નારીયેલનાં પાણીમાંથી પોટેશીયમ વધુ મળે છે. જેથી શરીરમાં સ્ફૂર્તિ તથા માંસપેશીઓમાં શક્તિનું નિર્માણ કરે છે. આ ઉપરાંત પ્રોટિન, ગ્લુકોઝ, ઉપરાંત વિટામિન એ અને બી પણ હોય છે. આયુર્વેદમાં ચરક, સુશ્રુત ભાવપ્રકાશ વગેરે ગ્રંથોમાં શબ્દથી આનું વર્ણન આપેલ છે. માનવીના મસ્તકની પ્રતિકૃતિ-

પહેલાનો વધ થતો હતો. પ્રાણીઓની બલિ ચઢાવતી હતી. ત્યારબાદ બુદ્ધિમાન ઋષિઓએ સમજાવ્યું કે 'જો તમારે બલિ આપવી જ છે તો લોટનાં પિંડની આપો પછી જો માનવીની જ કે પ્રાણીઓની જ આપણી હોવ તો તેની પ્રતિકૃત્તિ શોધી કાઢી અને તેની આહુતિ આપવાનું સમજાવ્યું અને તે એટલે શ્રીફળ.. તે માટે એક સમજણ છે કે વિશ્વામિત્રે પ્રતિસૃષ્ટિ નિર્માણ કરી તેના પ્રતિક તરીકે શ્રીફળને માન્યતા મળી.

તેમણે સમજાવ્યું કે 'શ્રીફળ ઉપરની બે આંખો તે માનવીની આંખો સમજ. તેની ઉપરનાં છોતરાને ચોટલી સમજ, નરબલીમાં ચોટલી પકડીને શીશને વધેરાતું. તેને બદલે શ્રીફળની બે આંખોવાળા ભાગને ચોટલીથી પકડીને ભગવાન સમક્ષ વધે અને તેનો અડધો ભાગ પ્રસાદ તરીકે ખાવો. પરંતુ શ્રીફળ વધેરવાથી પાણી નીકળે, લોહી ક્યાંથી લાવવું ? આમાં નારિયેલ વધેરવાથી જે પાણી નિકળે તેમાં થોડુંક સિંદૂર નાખી એટલે તેનો રંગ લોહી જેવો થઈ જશે. અને તેનો છંટકાવ કર. આ પ્રમાણે માનવીમાં વધતું આત્મિક સમાધાન વધ્યું. આમ શ્રીફળે પોતાનું બલિદાન આપીને નરભક્ષી માનવને નરમાસ ખાતા અટકાવ્યો. આમ માનવ સંસ્કૃતિની પ્રગતિમાંથી શ્રીફળ એ એક સેતુ સમાન છે.

શ્રીફળ એ બારમાસી ફળ છે. તેને ઘણાં લાંબા સમય સુધી સંઘરી શકાય છે. તેની રચનામાં માનવીનાં મસ્તકની કાંઈક સામ્યતા જણાય છે. આથી આપણા પૂર્વજોએ 'શ્રીફળ' બલિ આપવાની કે હોમવાની શરૂઆત કરી.

- કર્તવ્યનું નિષ્ઠાભર્યું પ્રતીક ઃ જેણે જીવનમાં વિકાસ સાધવો છે. તેવા માનવને શ્રીફળ જીવનની કર્તવ્યનિષ્ઠા સમજાવે છે. સામાન્યત માનવી  સ્વ કેન્દ્રિત છે. તેને શ્રીફળ સાંસ્કૃતિક જીવનનો વ્યવહાર સમજાવે છે. સાંસ્કૃતિક જીવનની શરૂઆત બીજાથી પરથી થાય છે. અને પર સાથેનું તારું વર્તન- તારો વ્યવહાર મૃદુ હોવો જોઈએ. પારકાની ભૂલો ઉપર ક્ષમા દૃષ્ટિથી જોવું જોઈએ. કઠોર શબ્દાઘાત ન કરતા પ્રિય બોલવું જોઈએ  પ્રિય બોલવાથી બધા જીવો સંતુષ્ટ થાય છે. તેથી પ્રિય બોલવામાં દરિદ્રતા શા માટે ?

ઉત્તર રામચરિત માનસમાં ભાવભૂતિ કહે છે.

આત્મશાસન માટે વજ્રથી પણ કઠોર અને પરસાથેના સબંધમાં ફૂલોથી કોમળ એવા મહાન પુરુષોનાં હૃદય શ્રીફળ જેવાં જ હોય છે. બહારથી કઠોર અને અંદરથી કોમળ. શ્રીફળએ મહંતોની મહાનતા સમજાવનારું પ્રતીક છે. 

'ભાવનાથી કર્તવ્ય ઉચું છે' એ પ્રભુ રામચંદ્રનો આદર્શ અપનાવનાર ગાંધીજી પોતાના અનુસાસનની બાબતમાં આવા જ કઠોર હતા ને ! છતાંય ફુલ જેવા કોમળ ! અને તેથી તે મહાત્મા બન્યા ને !

દરિયાનું સાતત્ય પામનારું તેના ઘૂંઘવાટોનું મુક સાક્ષી બનનારુ, દરિયાની ખારાશને પોતાના ઉદરમાં સમાવી લોકોને મીઠું પાણી આપનારું નારિયેળીનું વૃક્ષ એ શ્રીફળ અને મહાનતાનું વર્ણન શું કરવું ?

શ્રીફળનું જીવન આપણને સહુને જીવનમંત્ર આપે છે કે 'તારા સ્વધર્મમાં મારી કાચલીની જેમ કઠોર રહેજે. પરંતુ ધ્યાન રાખજે તું કઠોર નહીં બનતો તારું હૃદય તો મારી મલાઈ જેવું જ કુણું રાખજે. તારા મીઠા શીતળ રસથી તુષાતુરની તૃષા છિપાવજે. વિશ્વની ખારાશ તારા ઉરમાં સમાવજે પણ લોકોને તો તું મીઠું જ પાણી આપજે.'

આપણી પરંપરામાં વિવિધ દેવો સાથે ફળોનાં નામો જોડાયેલાં છે. જેમ કે રામફળ-સીતાફળ અને શ્રીફળ શ્રી એટલે લક્ષ્મીજી. લક્ષ્મીજીનું ફળ એટલે શ્રીફળ. જ્યાં શ્રીફળ ત્યાં લક્ષ્મીજી અનાયાસે આવશે જ કે આવી જાય છે તેમ આપણે ત્યાં માનવામાં આવે છે.

શુભકાર્યો જેવા કે હોમ, હવન, લગ્ન પ્રસંગ કે ધાર્મિક પ્રસંગોમાં સૌ પ્રથમ શ્રીફળને યાદ કરવામાં આવે છે. શુકનનાં ચિહ્ન રૂપે પણ શ્રીફળ આપવામાં આવે છે. કારણકે તેનાથી આદર વ્યક્ત થાય છે. અને સાથે સાથે તેમાં શ્રી લક્ષ્મીના શુકન થતા હોય છે.

શ્રીફળને વધેરતી વખતે બીજો સંદેશો એ મળે છે કે 'મારા મનમાં રહેલી પાશવી કે ખરાબ વૃત્તિઓ નાશ પામો અને શુદ્ધ મીઠા જળ જેવા શુદ્ધ અને સારા વિચારો મારા મનમાં પ્રવેશો. નિઃસ્વાર્થ સેવાનું પ્રતીક બનજો.

આર નારિયેળ એટલે કે શ્રીફળનું ધાર્મિક મહત્વ છે. એટલે જ આપણે દરેક શુભકાર્યોમાં પહેલા શ્રીફળને યાદ કરીએ છીએ.

- ડો. ઉમાકાંત જે.જોષી

Tags :