સાચી ઉંમર કેટલી? .
ભ ગવાન બુદ્ધ પાસે એક વૃધ્ધ ભિક્ષુ આવ્યા. બુદ્ધે તેમની ઉંમર પૂછી. ભિક્ષુએ કહ્યું, 'ચાર વર્ષ!' બુદ્ધ અને તેની આસપાસનાં બીજા ભિક્ષુઓ આશ્ચર્ય પામ્યા. ફરી વૃદ્ધને પૂછયું. ફરી એ જ જવાબ! બુદ્ધે તો કહ્યું, 'તમે તો અમને મૂંઝવણમાં મૂકી દીધા છે! તમારી ઉંમર તો સિત્તેરની આસપાસની લાગે છે અને તમે કહો છો ચાર વર્ષ? એ કેવી રીતે શક્ય છે?'
વૃધ્ધે ઉત્તર આપતાં જણાવ્યું કે, 'હે ભગવંત! અહીં આપની પાસે આવે મને ચાર વર્ષ થયા છે. એ પહેલાં તો ઉંડી ઉંઘમાં જ હતો. જીવન તો હું જીવતો હતો, પણ મને કોઈ હોશ ન'તો. આસપાસ શું ચાલી રહ્યું છે, તેનું મને ભાન ન'તું. હુ ંતો ઈચ્છા-વાસનાઓમાં રચ્યો-પચ્યો મૃતપ્રાય જીવન જીવી રહ્યો હતો. અહીં આપની પાસે સાધનામય જીવન અપનાવ્યું અને મારી ઉંઘ ઉડી. પૂર્ણ જાગૃત બન્યો. અહીંનાં ચાર વર્ષમાં ચિત્ત શાંત થતાં, સાચા જીવનની સુગંધ માણી શક્યો છું. અગાઉનાં વર્ષો તો મૃત્યુ સમાન હતાં. અહીં આપનાં આશ્રમમાંના ચાર વર્ષો મન નિર્વિચાર બનતાં, ભીતર ડોકીયું કરવાની તક મળી છે. એટલે આ આખા આયખામાં આપની સાથેના ચાર વર્ષોમાં સાચા જીવનને સમજી શક્યો. એટલે જ મેં મારું આયુષ્ય ચાર વર્ષનું કહ્યું.