આપણો સનાતન ધર્મ એટલે શું ?
- ત્રિવિધ રત્નો એટલે કે જ્ઞાાન, ભક્તિ અને કર્મ આ ત્રણે રત્નો સ્વસ્થતાપૂર્વક જીવનમાં અહંકાર અને રાગદ્વેષ છોડીને આચરણ કરવાથી જ મનુષ્યમાં મનુષત્વ પ્રાપ્ત થાય છે અને સત્યતા પ્રસ્થાપિત થાય છે
આ પણો ધર્મ એટલે સનાતન ધર્મ કહેવાય છે. પણ આજે ધર્મમાં સનાતન તત્વનું સત્ય સ્વરૂપ આજના ધાર્મિકોએ રહેવા દીધું છે ખરું? જરા શાંત ચિત્તે આગ્રહો અને હઠાગ્રહો છોડીને સમત્વ ધારણ કરીને શુદ્ધ બુદ્ધિ અને શુદ્ધ મન કરીને વિચારો.
સનાતન ધર્મ એટલે ત્રિવિધ, ત્રિમાર્ગ ગામી અને ત્રિકર્મરતના સિધ્ધાંત પર ઉભેલો ધર્મ તે જ સનાતન ધર્મ છે. શું આજના ધર્મમાં આ ત્રિરત્નોનું સત્યતાપૂર્વક આચરણ દેખાય છે ખરું? જરા વિચારો, જ્યાં આ ત્રિરત્નોનું આચરણ જ નથી ત્યાં ધર્મ જ નથી. જે ધર્મ આંતરિક રીતે માણસનું પરિવર્તન ન કરી શકે અને સત્ય સ્વરૂપમાં સ્થિર ન કરે અને માણસને પરમાત્મા સ્વરૂપ બનાવી શકે નહી તે ધર્મ જ નથી. કારણ કે સત્ય એ જ પરમાત્મા છે એટલે જે ધર્મ સત્યમાં માણસને સ્થિર ન કરે તે ધર્મ નથી પણ પાખંડ છે એમ જ માનવું રહ્યું.
અંતરાત્મા, માનસિક જગત અને સ્થૂળ જગત આ ત્રણે સ્થાનોમાં પરમાત્મા પ્રકૃતિ સૃષ્ટ એટલે કે પ્રકૃતિથી ઉત્પન્ન મહાશક્તિ દ્વારા ચાલવાવાળો વિશ્વરૂપ સનાતન ધર્મ પોતાનો આત્મપ્રકાશ પાથરી રહ્યો છે. આ ત્રણે સ્થાનોમાં એની સાથે અંતરનું જોડાણ હોવાની ચેષ્ટા જ સનાતન ધર્મનું ત્રિવિધ તત્વ છે એટલે જ સનાતન ધર્મ ત્રિવિધ છે.
અ ત્રિવિધ રત્નો એટલે કે જ્ઞાાન, ભક્તિ અને કર્મ આ ત્રણે રત્નો સ્વસ્થતાપૂર્વક જીવનમાં અહંકાર અને રાગદ્વેષ છોડીને આચરણ કરવાથી જ મનુષ્યમાં મનુષત્વ પ્રાપ્ત થાય છે અને સત્યતા પ્રસ્થાપિત થાય છે. આ ત્રણે રત્નો દ્વારા જ આત્મશુદ્ધિ કરીને પરમાત્માની સાથે એકત્વ થવાનું છે એટલે કે પરમાત્મા સાથે મળી જવાનું છે. આમ દ્વૈતમાંથી મુક્ત થઈ અદ્વૈતતા પ્રાપ્ત કરવાની છે. એ જ સનાતન ધર્મની આખરી મંજિલ છે, ત્યાં પહોંચ્યા વિના સનાતન ધર્મનું આચરણ નથી. તે આપોઆપ સાબિત થાય છે આ રીતે સનાતન ધર્મની ત્રીમાર્ગી ગતિ છે એટલે જ કહેવાય છે સનાતન ધર્મ ત્રિમાર્ગગામી છે.
આ ત્રણ માર્ગ દ્વારા જ પરમાત્મા સુધી પહોંચી શકાય છે. પરમાત્મા કોઈ બહાર નથી અંદર જ છે એટલે આ ત્રણ માર્ગ દ્વારા આત્મસ્થ થઈને પોતાના સ્વભાવમાં જ સ્થિર થવાનું છે અને પોતાની જ પરમ ચેતનામાં જાગૃતિપુર્વક સ્થિર થઈને રહેવાનું છે એ જ ત્રિરત્ની સિદ્ધિ છે. માણસની બધી જ વૃત્તિઓમાં સત્ય, પ્રેમ અને શક્તિ આ ત્રણ માણસની મુખ્ય વૃત્તિઓ ઉર્ધ્વગામિની અને બ્રહ્મ પ્રાપ્તિનું બળ પ્રદાન કરનારી છે. આ ત્રણ વૃત્તિઓના વિકાસથી જ માનવજાતિની ધીરે ધીરે ઉન્નતિ થઈ રહી છે. આમ સત્ય પ્રેમ અને શક્તિ દ્વારા ત્રિમાર્ગ એટલે કે જ્ઞાાન, ભક્તિ અને કર્મમાં બરાબર પારંગત થવું એ જ સનાતન ધર્મનું ત્રિકર્મ છે. આ રીતે સનાતન ધર્મિત્રિ કર્મ છે, અત્રીકર્મ દ્વારા જ સિદ્ધિ પ્રાપ્ત કરવાની છે, શું આજના ધર્મો માણસને અહંકાર, રાગદ્વેષ અને વાસનારહિત કરીને દ્વૈતમાંથી મુક્ત કરીને અદ્વૈતમાં સ્થિર કરે છે ખરા? આ ત્રણ સનાતન ધર્મના પાયા છે, આ પાયા ઉપર આજના ધર્મોનું ચણતર છે ખરું? તો તેનો જવાબ ના માં જ મળે છે એટલે આજનો જે ધર્મો જે કોઈ ધર્માત્માઓ ચલાવે છે, તેમાં ત્રિકર્મને કોઈ જ સ્થાન નથી એટલે તે સનાતન ધર્મ નથી એટલું તો પ્રથમ દર્શને જ સિદ્ધ થાય છે.
આજે ચાલતા તમામ સંપ્રદાયો અને પંથો એટલા માટે ચલાવવામાં આવે છે જેનાથી પોતાના અહંકાર, રાગદ્વેષ અને વાસનાઓને પોષણ મળે ને પોતાની લાભ અને લોભની વૃતિને પૂર્ણ કરવાની ઉત્તમ તકો મળે અને આ બધી જ વૃતિઓને પોષણ આપવાનો જ. આજના ધર્માત્માનો મુખ્ય ઉદ્દેશ રહેલો દેખાય છે. આમ આજના પંથો અને સંપ્રદાયો ને સનાતન ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી. તેનું નામ વટાવવાનો કોઈ અર્થ જ નથી, જ્યાં તેના ત્રિવિધ સિદ્ધાંતની અમલવારી નથી ત્યાં સનાતન ધર્મ છે તેમ કહેવું તે અસત્ય છે. આમે આ લોકો ને સત્યનું ક્યા આચરણ જ કરવું છે.
સનાતન ધર્મ તો ત્રિવિધ માર્ગ દ્વારા માનવ સમાજનું સમગ્ર રૂપે કલ્યાણ કરનાર ધર્મ છે. જેમાં જ્ઞાાન ભક્તિ અને નિષ્કામ કર્મથી બધા જ પ્રકારની માનવ શક્તિઓ પ્રવિષ્ટ અને વિકસિત કરીને માણસ પોતાનો તો વિકાસ કરે જ છે. પણ સાથે સાથે સમાજની પણ ઉન્નતી કરે છે અને સત્ય અને સનાતન ધર્મ તો માણસનાં માનસમાં રહેલી રાક્ષસી વૃત્તિઓનો લોપ કરે છે અને સત્ય સ્વરુપ શુદ્ધ સાત્વિક અને પવિત્ર વૃત્તિઓનો અને તમામ પ્રકારની શક્તિઓનો વિકાસ કરે છે અને માણસને સમગ્ર રીતે આંતરિક રીતે પરિવર્તિત કરી સત્ય સ્વરુપ બનાવી પરમાત્મામાં સ્થિર કરવાનું કામ કરે છે તેનું નામ જ સનાતન ધર્મ છે.
શું આજના સંપ્રદાયો અને પંથો પોતાના અનુયાઈઓને સત્યમાં સ્થિર કરે છે ખરા? તેને અહંકાર રાગદ્વેષને વાસનાઓથી મુક્ત કરે છે ખરા? તેને પોતાની પરમ ચેતનામાં જાગૃતિપૂર્વક સ્થિર કરે છે ખરા? ત્રિરત્ન માની કોઈપણ પ્રકારની આંતરિક સાધના દ્વારા માણસને નિર્વિચાર, નિર્ગ્રંથ ઈચ્છા રહિત, મનની અક્રિય સ્થિતિમાં કે કર્તૃત્વ રહિત સ્થિતિમાં સ્થિર કરે છે ખરા? તેમજ માણસના મનને રાગ અને વિરાગથી મુક્ત કરીને વિતરાગી અવસ્થામાં માણસને સ્થિર કરે છે ખરા? માણસને સમ્યક સત્ય દર્શન, સમ્યક સત્ય જ્ઞાાન અને સમ્યક સત્ય ચારિત્રમાં સ્થિર કરે છે ખરા? માણસને અનાસક્ત ભાવમાં, ઉપયોગની વૃત્તિમાં કે સાક્ષીભાવમાં સ્થિર કરે છે ખરા? આનો જવાબ મારા ભાઈ- બહેનનામાં જ મળે છે માટે જ આજે ધર્મના નામે ચાલતા ઝગડાઓ અને પોષાતી અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસ આજના જેટલો ક્યારેય હતો જ નહી એવું સ્પષ્ટ લાગી રહ્યું છે. ધર્મ એટલે આત્મસ્થ થઈને સ્વભાવને જાણી તેમાં જીવવું તેજ ધર્મ છે. એ સિવાયની બધી જ પ્રવૃત્તિ તે ધર્મની નથી એટલું સત્ય સ્વરૂપ થઈને જાણો અને સમજો.
- તત્વચિંતક વી. પટેલ