આસુરી વૃત્તિઓ ઉપર દૈવી શક્તિનો વિજય 'હોલીકા દહન'

Updated: Mar 20th, 2024


Google NewsGoogle News
આસુરી વૃત્તિઓ ઉપર દૈવી શક્તિનો વિજય 'હોલીકા દહન' 1 - image


- હોલીકા દહનના તહેવારનું સાચું મૂલ્યાંકન કરીને આપણા આધ્યાત્મિક બળને પુષ્ટી આપવા ભગવદ્ સ્મરણ વધારતા રહીએ.

પૂ ર્વે હિરણ્યા કશ્યિપુ અને હિરણ્યાક્ષ નામના બે અસુર રાજાએ આ સૃષ્ટિ ઉપર કાળો કેર વર્તાવી રહ્યા હતા. હું જ ભગવાન છું. મારા સિવાય અન્ય કોઇનું નામ લેવું નહીં તે રીતે પડકાર ફેંકતા હતા. તેમના કુળમાં ભક્ત પ્રહલાદનો જન્મ થયો. તેઓ નાના હતા ત્યારથી ભગવાનની ભક્તિમાં લીન રહેતા હતા.

હિરણ્યાકશ્યિપુએ ઘણું સમજાવ્યા છતાં તેઓ ભગવાનનું નામ લેવાનું છોડતા ન હતા તેથી હાથીના પગતળે છુંદી નાંખવા, ઊંચા પર્વત ઉપરથી ફેંકી દેવા જેવા અનેક અત્યાચારો કર્યા છતાં ભગવાને ભક્ત પ્રહલાદની રક્ષા કરી હતી.

છેવટે આગમાં બાળીને ખાખ કરવા માટે હોલીકા નામની એક રાક્ષસીને તૈયાર કરી. તેની પાસે વરદાનમાં મળેલી એક ચુંદડી હતી. જે ઓઢીને આગમાં બેસે તો આગ તેને બાળી શકતી નહતી. હોલીકાએ ચુંદડી ઓઢીને આગમાં બેઠી. ભક્ત પ્રહલાદને તેના ખોળામાં બેસાડયાં. આગ ભડ ભડ સળગી. જોરથી પવન ફુંકાયો. હોલીકાની ચુંદડી ઉડીને ભક્ત પ્રહલાદ ઉપર છવાઇ ગઇ. હોલીકા બળી ગઇ. ભક્ત પ્રહલાદ બચી ગયા.

આ પ્રસંગની યાદમા હોલીકા દહનનો ઉત્સવ મનાવાય છે. ગામે ગામ ગોંદરે મોટી હોળી પ્રગટાવાય છે. તેની પૂજા થાય છે. નવા વર્ષના પાકને વધાવવા ધાણી અને ખજૂરનો પ્રસાદ ધરાવાય છે. નાના બાળકોને પગે લગાડીને 'ઢૂંઢ' નામનો ઉત્સવ મનાવાય છે. સગા વહાલાંને બોલાવીને ભેટ-સોગાદ અપાય છે.

બીજા દિવસે ધૂળેટી મનાવાય છે. એક બીજાને રંગ છાંટીને મીઠાઇઓ ખવડાવીને ડફલીના તાલે ફાગ જેવાં ગીતો ગાઇને ઝેર નામનાં નૃત્ય કરવામાં ભાઇઓ-બહેનો જોડાય છે અને જીવનની નાની મોટી દુ:ખદ ઘટનાઓને ભૂલીને જીવનનો આનંદ લૂંટે છે. એ જ 'હોલી'કા દહન હોલી એટલે બની ગયેલી ઘટનાઓનું દહન કરવું ભૂલી જવું. નવેસરથી સંબંધો તાજા કરીને જીવનને માણવું.

હિરણ્યાકશ્યિપુ ક્રોધનું અને હિરણ્યાક્ષ લોભનું પ્રતીક છે.

આપણા મન ઉપર ક્રોધ, લોભ, અહંકાર, કામ જેવી આસુરી વૃત્તિઓ હાવી થઇ જાય છે. ત્યારે ભગવદ્ સ્મરણ થઇ શકતું નથી. 

આ હોલીકા દહનના તહેવારનું સાચું મૂલ્યાંકન કરીને આપણા આધ્યાત્મિક બળને પુષ્ટી આપવા ભગવદ્ સ્મરણ વધારતા રહીએ.

- નાથાલાલ બ્રહ્મક્ષત્રિય


Google NewsGoogle News