વસંતપંચમી ! .
- 'ઋતુઓમાં હું વસંતઋતુ છું.'
- હેલો ! વસંતપંચમી ! 'વેલ-કમ' !
- હેલો ! હકરાત્મકતા ! જિંદાબાદ !
કો કિલ પંચમ સૂર બોલો કે, આવી 'વસંતપંચમી' એવું ગાતી પ્રકૃતિ, હરખપદૂડી થઈ, ફૂલમાં સુગંધનો ટહૂકો... પર્ણોમાં શાંતિનો ટહૂકો.. ને ઝૂલતી ડાળીઓમાં થનગનાટનો ટહૂકો પ્રગટાવવા વસંતનાં વધામણાં કરશે.
'વસંતપંચમીમાં' મા સરસ્વતીની આરાધના થશે. મહાશક્તિ મા-શારદા સૃષ્ટિ ઉપર સર્જનાત્મકતા, ઉત્કૃષ્ટ અભિવ્યક્તિ, ગતિશીલતા, બૌદ્ધિકતા, કલ્પનાશક્તિ, પ્રફુલ્લિત્તા, કલાસામર્થ્ય, પ્રસન્નતા અને સંવેદનશીલતા રૂપી હકારાત્મકતાની કૃપા વરસાવશે.
નવજીવનની શાહી વડે, વસંત વાતાવરણના પટ ઉપર જાણે લખશે કે, 'હકારાત્મક્તા એ જ મારું સ્વરૂપ છે. જ્યાં જ્યાં હકારાત્મકતાનું મનોવલણ છે ત્યાં ત્યાં હું છું જ. હકારાત્મકતાનું મનોવલણ જ મને ખીલવે છે.'
પ્રકૃતિનાં સ્વરૂપો-ઝાડ, પાન, ફળ, ફૂલ છોડવા, વેલ-પાનખરની નકારાત્મકતાને સહનકરીને પણ 'જાકારો આપે છે. પાનખરમાં
પ્રકૃતિ મરશિયા ગાઈ, નિરાશાના ડુંગર નીચે, કચડાઈ જતી નથી. તેતો દૃઢતા-ધીરજથી, હકારાત્મકતાના રોપા રોપી, વસંતનું જ રટણ ચાલુ રાખે છે. હકારાત્મકતાનું એ રટણ જ જાણે, વસંત બનીને પ્રકૃતિને નવું રૂપ-શક્તિ ઓજસ આપે છે.
ભગવાને ગીતાજીના અધ્યાય ૧૦ શ્લોક ૩૫માં કહ્યું છે- 'ઋતુઓમાં હું વસંતઋતુ છું. તેમાંના ઐશ્વર્ય, શોભા પ્રાણ મારા ઐશ્વર્યનોજ અંશ છે. આવી વસંત માનવજીવનની યુવાવસ્થામાં
પૂર બહારમાં ખીલી ઊઠે છે. 'ઘટમાં ઘોડાં થનગને..ને આતમ વીંઝે પાંખ
અણ દીઠેલી ભોમ પર, યૌવન માંડે આંખ.'
પરાક્રમશીલતા.. જોમ..જોસ.થનગનાટ એવું યૌવન પણ હકારાત્મકતાનું જ સ્વરૂપ છે. નકારાત્મકતા રૂપી પાનખરનો
સ્પર્શ અકાળે વૃદ્ધત્વ ન લાવી દે તે માટે 'હકારાત્મકતા' સાથે આજીવન 'મૈત્રી' કેળવવી જ પડે.
માનવજીવનમાં વસંત ખીલી હોય તેવાં માનવીને જોઈ, કોઈ કવિ ટહૂકી ઊઠશે કે,
'હસી હસીને જે રીઝવી જતાં,
સ્મિતે સૌમ્ય, ઉરે વસી જતાં,
પ્રફુલ્લતાનાં પદ્મસમાં
મારા રોમે રોમે વસી ગયાં.'
નકારાત્મકતાને હડસેલીને, હકારાત્મકતાની ખીલેલી વસંતમાં 'નવા દેહ.. નવીકલા જોવા મળશે. હકારાત્મકતાથી ભર્યો માનવી અનુભવે છે કે :
'બધે જ નવરસના ડેરા ભર્યા છે,
તું અમૃતનો કુંભ.. તું કનૈયાનો વેણુનાદં.
I Can... I Must...I Will...હું કરી શકું જ, મારે કરવું જ જોઈએ.. હું કરીશ જ.) એવો હકારાત્મક 'સ્પીરીટ' માનવને વસંત બક્ષે છે.
માનવ જીવનની પાનખર રૂપ વૃધ્ધાવસ્થામાં પણ 'હકારાત્મક મનોવલણ' રાખીએ તો વસંતનું મધુરું.. કમનીય 'લસ્યનૃત્ય' અનુભવવા મળે.
માણસ મોટી ઉંમરે પણ પોતાની માનસિક, શારીરિક શક્તિનો દુરુપયોગ કર્યા સિવાય, કુદરતની સાથે રહી, વસંત બની, હકારાત્મકતાથી જીવે તો સો વર્ષ 'સદાબહાર' રહી શકે. હકારાત્મતાને લીધે વાર્ધકયની ગરિમા પણ ભવ્ય-દિવ્ય બને છે. મહાપુરુષોનું જીવન સાક્ષી પૂરે છે. હકારાત્મકતાની સૂક્ષ્મ ચેતનાની ગતિ સાથે તાલ મેળવવાથી વૃદ્ધાવસ્થા રહેતી નથી. શક્તિનો સ્રોત ખૂટતો નથી.
તાજેતરમાં જ મે માસમાં 'નેશનલ નર્સવીક ઉજવાયું, તેમાં એક ૯૦ વર્ષની કર્મશીલ નર્સને વર્લ્ડમાં બેસ્ટ નર્સનો ખિતાબ અને 'કવીન' તરીકેનો ક્રાઉન પહેરાવવામાં આવેલો. ત્યારે તેણે કહ્યું, 'હું ૯૦ વર્ષની થઈ ! ઓહ ! ર્ગાડ ! હું તો હજી જુવાન જ છું. હું આજની પેઢી સાથે રહી નવી ટેકનોલોજી સાથે કદમ મિલાવવા કોશિશ કરું છું.. ને કરતી રહીશ. હું પ્રભુ પાસે એજ માગું છું કે હું આજ રીતે કાર્યરત રહું. જોમ છે. જુસ્સો છે.. પ્રત્યેક કાર્યમાં પૂર્ણ ચેતના રેડી દેવાનો સંકલ્પ છે.'
આવા ગરિમાયુક્ત વાર્ધક્યને બિરદાવતાં જગત કહેશે કે-
'Your presence is a gift to the world'. તમારી ઉપસ્થિતિ જગત માટે ઉપહાર (ભેટ ) છે, હેલો ! વસંત વેલ-કમ ! હેલો ! હકારાત્મકતા ! જિંદાબાદ !'
- લાભુભાઈ ર.પંડયા