Get The App

વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ: નિર્વિઘ્નં કુરુમેદેવ સર્વકાર્યેષુ સર્વદા

Updated: Sep 8th, 2021


Google NewsGoogle News
વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ: નિર્વિઘ્નં કુરુમેદેવ સર્વકાર્યેષુ સર્વદા 1 - image


- કોઇપણ શુભ કાર્યની શરૂઆત શ્રી ગણેશજીની પૂજા, અર્ચના, આરાધના પછી જ થાય છે જેથી શુભ કાર્ય કે મંગલકાર્ય કોઇપણ પ્રકારના વિઘ્ન વીના પાર પડે અને એથી જ શ્રી ગણેશને વિઘ્નહર્તા તરીકે આપણે જાણીએ છીએ.

શ્રી ગણેશાય નમ: ભાદરવા માસના શુકલપક્ષની ચતુર્થી એટલે ગણપતિ ચોથ જેને આપણે ગણેશ ચતુર્થી તરીકે જાણીએ છીએ. આ ચતુર્થીથી દસ-અગિયાર દિવસ એટલે કે આનંદ ચૌદશ સુધી શ્રી ગણેશજીનું આપણે સૌ વિશેષરીતે અભિવાદન કરતા હોઈએ છીએ.

આમ તો ગણોના નાયકને ગણનાયક અથવા ગણપતિ કહેવામાં આવે છે. આ ગણોના અધિપતિને પ્રથમ પૂજાનું સ્થાન અથવા માન પ્રાપ્ત થયું છે. કોઇપણ શુભ કાર્યની શરૂઆત શ્રી ગણેશજીની પૂજા, અર્ચના, આરાધના પછી જ થાય છે જેથી શુભ કાર્ય કે મંગલકાર્ય કોઇપણ પ્રકારના વિઘ્ન વીના પાર પડે અને એથી જ શ્રી ગણેશને વિઘ્નહર્તા તરીકે આપણે જાણીએ છીએ.

એવું કહેવાય છે કે, યુદ્ધમાં શ્રી ગણેશ કુશળ સેના નાયક છે તો તે નૃત્યકળામાં પણ નિપુણ છે. શ્રી ગણેશ વિશ્વરૂપ દેવતા પણ છે. સંત જ્ઞાાનેશ્વરજી એ કહ્યા પ્રમાણે ગણેશજીના હાથમાં ત્રિશુળ એટલે કે તર્ક છે અને લાડુનો અર્થ મહારસથી પરિપૂર્ણ વેદાંત ગણપતિનું પેટ મોટું, આંખ નાની પોતાના ભક્તોના અપરાધ માફ કરીને લંબોદર કહેવાયા. દુષ્ટ લોકોને દંડ દઇને ગણપતિ વક્રતુંડ બની ગયા. અસૂરોથી લડતાં એક દાંત તૂટયો તેથી એકદંત અને કપાળમાં ચંદ્ર એટલે ભાલચંદ્ર તરીકે પણ ઓળખાયા છે. દૂર્વા, શમી અને મંદાર પુષ્પોથી તેમની પૂજા થાય છે. ગણેશજીને તુલસીપત્ર અર્પણ થતાં નથી અને મોદકનો પ્રસાદ તો તેમને અત્યંત પ્રિય.

શ્રી ગણેશના આઠ શક્તિપીઠ કે જે અષ્ટ વિનાયક તરીકે જાણીતા છે અને તે બધા જ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલ છે અને પુના શહેરથી નજીકમાં છે. પુનાથી અષ્ટ વિનાયકની યાત્રા ૬૫૦ કિ.મી.ની અંદર જ સમાપ્ત થાય છે જ્યારે મુંબઈથી સંપૂર્ણ અષ્ટ વિનાયકની યાત્રા ૭૫૦ કિ.મી.માં સમાપ્ત થાય છે.

ગણેશજીની અવતાર કથાઓ તથા તેમના શક્તિપીઠ ખરેખર ખૂબ જ પ્રાચીન છે, એવું કહેવાય છે કે, અષ્ટ વિનાયકની બધી જ મૂર્તિઓ સ્વયંભુ રીતે પ્રાપ્ત થયેલ છે. તે જે રૂપમાં મળી આવી  તે જ સ્થિતિમાં મંદિરમાં સ્થાપિત કરાઈ છે. બનાવેલી મૂર્તિ જેવી સુંદરતા આ અષ્ટ વિનાયકની મૂર્તિઓમાં કદાચ કોકને ન દેખાય છતાં મૂર્તિનું અસલ સ્વરૂપ ભક્તોને અને શ્રદ્ધાળુઓને પરમ સંતોષ આપે છે. 

- તારક દિવેટીઆ


Google NewsGoogle News