'ઉપનિષદ' આપણને બ્રહ્મવિદ્યા શીખવે છે
આપણા મનમાં ઉઠતી વૃત્તિઓનો વિષય સાથે સંયોગ કેવી રીતે મૂલવવો? મારો આ દેહમાં રહેવાનો હેતુ શું હોઈ શકે? આ પ્રશ્નોના જવાબ જ્યાંથી મળે છે તે શાસ્ત્રો, વેદ, ઉપનિષદ, વેદાંત, ઋષિકથનો સમજવા પ્રયત્ન કરવો
ભારતીય આર્ય સંસ્કૃતિના માર્ગદર્શક 'વેદ અપૌરૂષેય મનાય છે. વેદનો અંતિમ ભાગ વેદાંત. ઋષિ પરંપરાથી આપણા સુધી પહોંચ્યા છે. જ્ઞાનકાંડના મંત્રો એ જ અલગ અલગ ઉપનિષદો છે. આવા લગભગ ૧૧ ઉપનિષદો છે.
'ઇશાવાસ્યોપનિષદ' ઇશ શબ્દથી શરૂ થતો પ્રથમ ઉપનિષદ મનાય છે. કેનોપનિષદ. કેન શબ્દથી શરૂ થતો ઉપનિષદ છે.
ઉપનિષદ આપણને જ્યાં ઉભા છીએ ત્યાંથી આપણા જીવનના દ્રષ્ટિકોણને જોતાં શીખવે છે. મારે મારું મૂલ્યાંકન કરતાં શીખવાનું છે. આ જગતનું સંચાલન કોણ કરતું હશે? આ જગત સાથે મારો શું સંબંધ છે?
આપણા મનમાં ઉઠતી વૃત્તિઓનો વિષય સાથે સંયોગ થાય છે તેને કેવી રીતે મૂલવવો? મારો આ દેહમાં રહેવાનો હેતુ શું હોઈ શકે? આ બધા પ્રશ્નોના જવાબ જ્યાંથી મળે છે તેને (આપણાં શાસ્ત્રો, વેદ,ઉપનિષદ, વેદાંત અને ઋષિકથનો) સમજવા માટે પ્રયત્ન કરવો. જ્ઞાન મેળવવું. આવા જ્ઞાનને સમાજના પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચાડવાનો આસય આવા ગ્રંથોનો છે.
આપણા ઋષિઓ કુદરત સાથે તાલ મિલાવીને ભરપુર જીવન જીવ્યા છે એક જ સત્યને ઋષિઓએ અલગ અલગ સ્વરૂપે માણ્યું છે. તે રીતે તે જ્ઞાનને ગાવાનો પ્રયત્ન કર્યો છે. નદી જેમ વહેતી રહે છે. વહેવું એ તેનો સ્વભાવ છે. આપણા ઋષિઓ નદીના વહેણની જેમ વૈદિક વિચારોને આપણા સુધી લાવ્યા છે. આપણા મનમાં ઊઠતા તમામ પ્રશ્નો શાંત થઈ જાય ત્યારે સમાધિનો અનુભવ થાય છે. આપણા ઉપનિષદો પ્રશ્નોનું સમાધાન કરીને શાંત થતા નથી, પરંતુ દરેક પ્રશ્નોનો આપણા મનમાંથી છેદ ઉડાડી દેવાનું ભગીરથ કાર્ય કરે છે. બધા જ પ્રશ્નોનો ક્ષય થઈ જાય ત્યારે જ પરમતત્વ. પરમાત્માની અનુભૂતિ કરી શકાય છે. જેને બ્રહ્માનંદ કહેવાય છે.
જીવન એક રમત છે. સાહજિકતાથી રમતાં શીખવા માટે ઉપનિષદ આપણને બોધ આપે છે. જેની પ્રકૃતિ ત્રિદોષયુક્ત છે. આળસુ, પ્રમાદી, ક્રોધી કે લંપટ વૃત્તિવાળા સાધકો આ વિદ્યાને પચાવી શકતા નથી. માટે નિષ્કપટ, સરળ જીવન વ્યવહાર દ્વારા જ ઇશ પ્રાપ્તિનો બોધ કરી શકાશે તેવું ઉપનિષદોના ગાયક ઋષિઓ ભારપૂર્વક કહે છે.
- નાથાલાલ બ્રહ્મક્ષત્રિય