ઉંબરા પૂજન .
પ્રાચીન કાળની બાંધણીમાં ભાગ્યે જ કોઈ ઘર ઉંબરા વગરનું હશે! ભાગ્યે જ કોઈ ઘરનો ઉંબરો અપૂજ રહેતો હશે! ઉંબરાના આ પૂજનની પાછળ વિશિષ્ટ સાંસ્કૃતિક ભાવ રહેલો છે.
ઉંબરો ઘરની આબરૂનો રક્ષણહાર છે. માનવી મન અતિ ચંચળ છે. કઈ ક્ષણે ક્યાં લપસી પડશે તે કહેવું મુશ્કેલ છે. સ્ત્રી ઘરની બહાર પગ મૂકે, ઉંબરો ઓળંગે ત્યારે એ ઘરનો મૂક સાક્ષી બની બેઠેલો ઉંબરો તેને તેના અંતરમન મારફત પૂછે છે, 'તું આ ઉંબરો ઉલ્લંઘે છે પણ તે વખતે ઘરની મર્યાદાનું તો ઉલ્લંઘન નથી કરતી ને ? આવેશમાં આવીને ઘરની આબરૂ તો ધૂળધાણી કરવા નથી નીકળી ને ? બહાર પગ મૂકે છે તે આડોઅવળો તો નહીં પડે ને ?' અને આ ઉંબરો એક મૂક વડીલની ગરજ સારે છે, ખોટું કરવા ઉપડેલા પગને વાળે છે, અસત્ના પંથ ઉપર આગળ વધવાની મનાઈ ફરમાવે છે.
ઉંબરો ઘર બહાર નીકળતા પુરુષને પડકારે છે, 'અત્યારે આ કસુરવેળાએ ક્યાં ચાલ્યો ? ખાનદાન ઘરના માણસો આ રીતે અંધારામાં રખડવા જતા હશે ?'
પથરાનો ઉંબરો માનવીના કૃત્યોની નોંધ લે છે. ઘર બહાર જતાં, ક્યાં જાવ છો તેની પૂછપરછ કરે છે અને ઘરમાં દાખલ થતાં પુરુષની ઘર બહારના શુદ્ધ આચરણની જડતી લે છે. બહારથી ઘરમાં આવતા પુરુષની સાથે તેની ભીતરમાં અનિચ્છનીય વિચારો, અનિચ્છનીય વાતો તો ઘૂસી જતા નથી ને ? તેની જડતી લે છે.
બહારથી પૈસો કમાવી લાવતો પુરુષને ઉંબરો પૂછે છે : 'આ પૈસો તું લાવ્યો તે પસીનો પાડીને લાવ્યો છે ને ? હરામની કમાણી તો નથી ને ?' અને સંસ્કારી જીવ હરામની કમાણી લાવ્યો હશે તો ઉંબરામાં દાખલ થતા જ તેનું અંતરમન તેને ડંખશે.
ઉંબરો એટલે લક્ષ્મણ-રેખા. ઉંબરો જેમ ઘરના ધણીની જડતી લે છે તેમ બહારથી આવનાર આગતુકની પણ નોંધ લે છે. આવનાર વ્યક્તિને ઉંબરા બહાર રાખવી છે કે અંદર આવવા દેવી છે ? જો અંદર પ્રવેશ કરવા યોગ્ય વ્યક્તિ ન હોય તો ઉંબરા બહાર ઊભો રાખી તેને ત્યાંથી વિદાય કરે છે.
ઘરમાં કઈ વ્યક્તિ, કયા પ્રકારનું વિત્ત, કઈ વસ્તુઓ અને કેવા વિચારો પ્રવેશે તે ઉંબરા ઉપર નક્કી થવું જોઈએ. આજે માણસ પાણી મેલું હોય તો પીતો નથી. પણ વિચારો ગમે તેવા મલિન હોય તો પણ સ્વીકારી લે છે. શરીરના સ્વાસ્થ્ય પર અસર કરનાર પાણી શુદ્ધ હોવું જોઈએ, એવો આગ્રહ રાખનાર માણસ માનસિક અને બૌદ્ધિક સ્વાસથ્ય પર ચિરગામી અસર નિપજાવનાર વિચારોની વિશુદ્ધિ માટે આગ્રહ કેમ નહીં રાખતો હોય ? પાણી જેમ ઉકાળીને, ગાળીને પીવામાં આવે છે તેમ વિચારોને પણ સ્વાધ્યાયની ઉષ્માથી ઉકાળીને અને બુદ્ધિના ગળણાથી ગાળીને સ્વીકારવા જોઈએ. બુદ્ધિ એ માનવી જીવનનો ઉંબરો છે. ખરાબ પુસ્તકો અને અશ્લીલ સાહીત્યને મારા ઘરમાં પ્રવેશ નહીં મળે, એવો પ્રત્યેક સંસ્કારી માણસનો આગ્રહ હોવો જોઈએ.
ખરાબ વ્યક્તિ ખાડામાં લઈ જશે, પાપનો પૈસો પતનને માર્ગે ધકેલશે, અનૈતિક ભોગ જીવનમાં ભીતિ નિર્માણ કરશે અને અશ્લીલ વિચારો આડે માર્ગે ચડાવી દેશે. તેથી આવી વ્યક્તિ, વિત્ત, વસ્તુ, કે વિચાર ઘરના ઉંબરાની બહાર રહે એમાં જ કુટુંબનું શ્રેય છે. ગૃહલક્ષ્મીએ ઉંબરાનું પૂજન કરી ઉંબરામાં રહેલા દેવને પ્રાર્થના કરવી જોઈએ કે, 'હે પ્રભુ! મારા બારણે સેતાનનું નહીં સંતનું સ્વાગત હો; અલક્ષ્મીનું નહીં, લક્ષ્મીનું પૂજન હો; મારા ઘરમાં ભોગથી નિર્માણ થવાવાળી ભીતિ નહીં પણ પ્રસાદથી પ્રાપ્ત થતી પ્રસન્નતા વ્યાપી રહો; કુવિચારોનો કચરો નહીં પણ સદ્વિચારોનું સામ્રાજ્ય સર્જાઈ રહો.'
ઉંબરો એટલે મર્યાદા. આપણા જીવનમાં વિચાર, વિકાર, વાણી, વૃત્તિ અને વર્તનની મર્યાદાઓનો સ્વીકાર હોવો જોઈએ. આપણે ત્યાં બધા જ ઋષિઓએ અને આચાર્યોએ વેદમાન્ય વિચારો કહ્યા છે. તેમણે વિચાર પણ વેદનું બંધન માન્ય કર્યું છે. તે જ રીતે આપણા વિકારો પર પણ બંધન હોવું જોઈએ. અનિર્બદ્ધ વિકારો વ્યક્તિ તેમ જ સમાજ-જીવનના સ્વાસ્થને હણે છે. આપણી વાણી પણ મર્યાદાથી શોભતી હોવી જોઈએ. ક્યાં બોલવું ? ક્યારે બોલવું ? કેટલું બોલવું ? શું બોલવું ? શું ન બોલવું ? એનો સપૂર્ણ વિચાર કરીને માણસે શબ્દો ઉચ્ચારવા જોઈએ. અનિયંત્રિત વાણી અનેક અનર્થો સર્જે છે. જ્યારે સુનિયંત્રિત વાણી પૃથ્વી પર સ્વર્ગ નિર્માણ કરે છે. માણસે વૃત્તિની મર્યાદા પણ સ્વીકારવી જોઈએ. દીન કે લાચાર ન બનતાં સ્વવૃત્તિને અનુકૂળ કર્મ કરી તેણે તેજસ્વિતાથી જીવન વિતાવવું જોઈએ. વૃત્તિસંકરતાથી વર્ણસંકરતા ઊભી થાય છે અને સમાજની વ્યવસ્થા ખોરવાઈ જાય છે. એ જ રીતે માણસે વર્તન મર્યાદા પણ સાચવવી જોઈએ. માણસે એ સામાજિક પ્રાણી છે, તેને બીજા જોડે રહેતાં આવડવું જોઈએ. મારા પ્રત્યેક વર્તનને ભગવાન જુએ છે એ ભાવ દૃઢ થાય તો આપણું વર્તન સ્વયં સુનિયંત્રિત બની જાય ભગવાન શ્રી રામે પોતાના જીવન દરમ્યાન બધી જ મર્યાદાઓનું યથોચિત પાલન કરી દેખાડયું છે અને તેથી જ તેઓ મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે.
મારા વિચારો વેદમાન્ય, વિકારો ધર્મમાન્ય, વાણી શાસ્ત્રમાન્ય, વૃત્તિ વર્ણમાન્ય તેમજ વર્તન ઈશમાન્ય હોવું જોઈએ; એવો સંદેશ પરોક્ષ રીતે ઉંબરો પોતાની મૂક ભાષામાં આપે છે.
ઘરના પ્રતિહારી, વૈભવ અને ચારિત્ર્યના રક્ષક, લક્ષ્મણરેખાના દર્શક તેમજ મર્યાદાપાલનના પ્રેરક એ ઉંબરાને ભાવપુર્ણ નમસ્કાર!
સાભાર - સંસ્કૃતિ પૂજન