મહાવીર પ્રભુની બે દ્રષ્ટાંત કથાઓ .

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
મહાવીર પ્રભુની બે દ્રષ્ટાંત કથાઓ                                  . 1 - image


મહાવીર પ્રભુ કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી તેમના ગણધરો અને શિષ્યોને ઉપદેશ આપતા. ઉપદેશ સહેલાઈથી પચી જાય માટે આત્મ-તત્વને દ્રષ્ટાંત આપી સમજાવતા. (૧) એકવાર મહાવીર સ્વામીએ કહ્યું, ''હે ગૌતમ, ધારો કે આપણે એક મોટું, કાણા વગરનું, સૂકું તુંબડું લઈએ, એ તુંબડાને સાફ કરી ચારેબાજુથી દાભથી (એક જાતની વનસ્પતિ) વીંટાળી દઈએ. પછી તેના પર ચીકણી માટીનો લેપ લગાવી તેને તડકામાં બરાબર સૂકવી દઈએ. સૂકાયા બાદ એની જ રીતે ઉપરા ઉપરી આઠ વાર તેના ઉપર ફરી દાભ વીંટાળી માટીનો લેપ લગાવી સૂકાવ્યા કરીએ. છેવટે તે સૂકાયેલા તુંબડાને ઊંડા પાણીમાં ફેંકી દઈએ તો એ તુંબડું પાણીને ઠેક તળિયે જતું રહેશે. હે ગૌતમ, એવી જ રીતે જે જીવ લોભ, માયા, ક્રોધ, અજ્ઞાન કે હિંસા જેવા કુસંસ્કારો દોષોના થરથી ભારે થઈ જાય છે તે જીવ મૃત્યુ બાદ ઠેઠ તળિયે જઈ અધોગતિ પામે છે.''

હે ગૌતમ, પાણીમાં ડૂબેલા એ તુંબડાનું શું થાય છે ખબર છે ? તુંબડા પર જામેલો પહેલો થર કોહવાઈને ઊખડી જાય છે. પહેલો થર દૂર થતાં થોડો ભાર ઓછો થાય છે અને એ તુંબડું સહેજ ઉપર આવે છે. એ રીતે બીજો, ત્રીજો, ચોથો થર કોહવાઈને દૂર થતો જાય છે. જ્યારે બધા જ થરો ઊખડી જાય ત્યારે તે પોતાની મૂળ સ્થિતિમાં, પોતાના મૂળ સ્વભાવમાં, પોતાના મૂળ આકારમાં આવે છે, એટલે કે દરેક જાતના થરોથી મુક્ત થઈ હળવાશ પામે છે. હે ગૌતમ, એ જ રીતે જીવ કોઈ તીર્થંકર, કોઈ આચાર્ય, કોઈ મુનિશ્રીના ઉપદેશથી પ્રેરાઈને આત્મા પર જામેલા કુસંસ્કારોના થરને ઓછા કરે અને જ્યારે તે કષાયો (દુર્ગુણો) ઓછા થઈ નિર્મૂળ થઈ જાય છે ત્યારે આત્મા પોતાના અસલી સ્વભાવમાં આવી જાય છે. આવો શુધ્ધાત્મા ઊર્ધ્વગતિ પામી મુક્ત થાય છે અને છેવટે અજર-અમર થઈ જાય છે. (જ્ઞાતા ધર્મકથા : ૧:૬) આ બાબતનો ઉલ્લેખ સમણસુત્તં નામના તત્ત્વદર્શન ગ્રંથમાં પણ આપેલો છે. ૩૫મા શ્લોકમાં પ્રભુએ કહ્યું છે

''લાઉઅ એરંડફલે.... એવં સિધ્ધાણ વિગતી તુ''

અનેક પ્રકારના ભારથી પાણીમાં ડૂબેલું તુંબડું ભાર નીકળી જતાં પાણી ઉપર તરવા લાગે છે. તેમ દેહથી મુક્ત આત્માની ઉર્ધ્વગતિ જાણ તેના તેવા સ્વભાવથી થાય છે.

ચંપાનગરીમાં બે જીગરજાન મિત્રો રહેતા હતા. બન્ને નાનપણથી સાથે જ મોટા થયા હતા. જ્યાં જતાં ત્યાં હમેશાં સાથે જ જતા.

એક વખત બન્ને નગર બહારના ઉદ્યાનમાં ફરવા ગયા. ત્યાં એક એકથી ચઢિયાતી વેલ, નાના મોટા છોડ, વૃક્ષો અને રંગબેરંગી ફૂલો જોઈને તે ખુશ થયા. ફરતા ફરતા એક લીલીછમ્મ લતાકુંજમાં આવ્યા. ત્યાં તેમના પગલાંના અવાજથી જાળામાં વિયાવેલી એક ઢેલડી બીકની મારી તીણી ચીસો પાડતી નીકળીને સામેના ઝાડની ડાળ ઉપર બેસી ગઈ. ત્યાંથી ટગર ટગર પોતે મૂકેલાં ઈંડા જોવા લાગી. બન્ને મિત્રોએ જાળામાં જઈને જોયું. ઢેલડીએ બે અતિ સુંદર ઈંડા મૂક્યાં હતાં. ઈંડા એટલા સુંદર હતાં કે તેમનું મન લલચાઈ ગયું. તેમણે એક એક ઈંડુ લઈ લીધું. ઘેર જઈને બન્ને જણે અલગ અલગ એક એક ઈંડુ કૂકડીના ઈંડાઓ સાથે મૂકી દીધું. કૂકડીના ઈંડાઓ સાથે આ બન્ને ઈંડા પણ સેવાવા લાગ્યાં.

એક મિત્ર રોજ તે ઈંડા પાસે જતો. ઈંડુ હાથમાં લેતો. કાન પાસે લઈ જઈ ખખડાવી જોતો. તેનામાં ધીરજ નહોતી. ઈંડાની હાલત કેવી છે એ બાબતની તેને ઊતાવળ હતી. રોજ ઈંડાને હલાવીને ખાત્રી કરતો. બચ્ચું ક્યારે થશે, કેવું થશે તેના જ વિચારો કરતો. પણ આમ રોજ ઈંડુ હાથમાં લઈ ઈંડુ હલાવવાથી તે ગંદુ થઈ ગયું. સડી ગયું. છેવટે ઈંડું નિર્જીવ થઈ ગયું. તે નિરાશ થઈ ગયો. દુ:ખી થઈ ગયો.

બીજો મિત્ર ઈંડુ જોવા રોજ જતો. દૂરથી જોઈને પ્રાર્થના કરતો કે બચ્ચું તંદુરસ્ત જન્મે. તેને શ્રધ્ધા હતી, વિશ્વાસ હતો. સર્જનહાર ઉપર સંપૂર્ણ આસ્થા હતી. છેવટે યોગ્ય સમયે ઈંડામાંથી મોરનું બચ્ચું જન્મ્યુ. તે ખૂબ ખુશ થયો. તેણે ખૂબ લાગણીથી તેની કાળજી રાખી. નગરમાંથી શ્રેષ્ઠ કલાચાર્યને બોલાવ્યો. મોર ઉછેરની જવાબદારી તેને સોંપી. સમય પસાર થયો. છેવટે નાનું બચ્ચું મોર બની થનગાટ કરવા લાગ્યું. ટહુકા કરવા લાગ્યું. તેના નૃત્ય અને કેકારવથી વાતાવરણમાં એક પ્રકારનું અલૌકિક સંગીત ગુંજવા લાગ્યું. આ જોઈને પહેલો મિત્ર ખૂબ પસ્તાયો. તેને ઉદાસ જોઈ બીજા મિત્રને કહ્યું, ''મિત્ર, જ્યારે તારે વિશ્વાસ અને શ્રધ્ધા રાખવાની જરૂર હતી ત્યારે તેં રાખી નહિ. હવે પાછળથી પસ્તાવાનો કશો અર્થ નથી.''

મહાવીર પ્રભુ આ દ્રષ્ટાંતથી સમજાવતા.

(૧) સાધના કરનાર શ્રમણ-શ્રમણી કે શ્રાવકે સત્ય ત્યાગ, અપરિગ્રહ કે અહિંસા જેવા સંયમોની બાબતોમાં શંકા રાખવી નહિ.

(૨) કોઈ પણ જાતના લીધેલા નિયમ કે સંયમ બાબતે આચરણ કરવામાં આળસ કરવી નહિ. આપણી વૃત્તિઓને કાબૂમાં રાખવી.

(૩) સાધના કરતી વખતે મનમાં 'ક્યારે ફળ મળશે?' એ બાબતે ઊતાવળ કરવી નહિ. સાધનામાં મન પરોવી ધીરજ રાખવી.

- સુરેન્દ્ર શાહ


Google NewsGoogle News