કર્મની કેદમાંથી મુક્તિ મેળવવી છે .
- પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા
- સેવા કરવાની સાથે આપણને સત્તાનો મદ ચડી જાય તેની આપણને ખબર નથી રહેતી. આપણને જાણ પણ નથી હોતી એ રીતે આપણામાંની આ પવિત્ર ભાવનાઓ પર પ્રછન્ન અહંકાર હાવી થઈ ગયો હોય છે
સિંહ જંગલમાં સ્વૈરવિહાર કરે. એ તો જંગલનો રાજા મનફાવે ત્યાં જાય. શિકાર કર્યા પછી પેટ ભરે ને નદીએ જઈને પાણી પીએ.
એકવાર આ સિંહ ગામની સીમથી ગામના છેવાડાના ભાગમાં પહોંચ્યો. પાલતું જાનવર પર પંજો માર્યો અને નાના બાળકોને ઘસડયા. વનરક્ષક દળ અને ગામના સિપાઈઓએ સિંહને પકડીને કેદમાં પુરી દીધો. કેદનું દ્રશ્ય જોઈને એ અચંબામાં પડી ગયો. ત્યાં કેટલા બધા સિંહ હતા ! વર્ષોથી કેટલાક સિંહો અહીં સબડતા હતા. અરે, અમુક તો જન્મ્યા ત્યારથી અહીં જ હતા, કેમકે, તેનો જન્મ જ આ જેલમાં ચારેબાજુ બનાવાયેલી તારની વાડ વચ્ચે જ થયો હતો !
આ સિંહે જેલના વાતાવરણનું બારીકાઈથી નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું ત્યારે તેને ખ્યાલ આવ્યો કે સિંહોમાં અનેક ભાગલા પડી ગયા હતા. દરેકે પોતપોતાનું મંડળ બનાવી દીધું હતું. એક ભાગ માત્ર સમાજસેવકોનું બીજું કલાકારો સિંહોનું, ત્રીજું જૂના રીતરિવાજો સાચવવાની જવાબદારી ઉપાડતું, તો વળી એક દેશભક્તિનાં ગીતો, ભજનો વગેરે ગાતું મંડળ. એક મંડળ માત્ર ચર્ચા-વિચારણાઓ જ કર્યા કરતું. ભવિષ્યમાં જંગલમાં કોઈ કેદખાનું નહીં હોય, ત્યારે બધાનું જીવન કેવું સુખી રહેશે, તેનાં સપનાં જોવામાં જ તેઓ મસ્ત રહેતા. અમુક સિંહ વળી બળવાખોર હતા. વારંવાર સરકાર ઊથલાવવાનો પ્રયત્ન કરતા. એમાંથી સિંહો વચ્ચે ખૂનખાર જંગ થતો. અમુક સિંહો મરી જતા. આખું ને આખું મંડળ સાફ થતું. નવા ચોકીદારો મુકાઈ જતા પરંતુ સિંહો તો જેલમાં જ રહેતા.
પેલો નવો સિંહ ધીમે ધીમે બધું સમજી રહ્યો હતો, ત્યાં તેની નજર એક ધીરગંભીર સિંહ પર પડી. એ સિંહ એક પણ મંડળીનો સભ્ય ન હતો અને જેલની આસપાસની તારની વાડની નજીક બેઠો હતો. બધા જ એને ખૂબ આદર-માન આપતા. એણે નવા સિંહને સલાહ આપતા કહ્યું ''તું એક પણ ગ્રુપનો મેમ્બર ન થઈશ. તને મુદ્દાની વાત કહું છું સમજજે. આ બધાં કહે છે તે કરવા જેવું નથી. કેદનું કારણ આ ચારેબાજુ કાંટાળી તારની ઊંચી વાડ છે તે છે, તેનો સતત અભ્યાસ કર.''
બસ, આપણું કઈંક આ સિંહો જેવું જ છે. આપણો આત્મા ને કર્મોનો સંબંધ અનાદિનો છે. આત્મ પર લાગેલા કર્મનાં આવરણોને કારણે આપણો આત્મા કર્મોની કેદમાં પુરાયેલો છે. આ ઉપનયકથામાં સિંહોની જે દુનિયાનું વર્ણન છે, બસ બરાબર આપણો પણ એવો જ સંસાર છે. અહીં મોટા ભાગના સિંહોને ખબર જ નથી કે આપણે સૌ કેદમાં-જેલમાં પુરાયેલા જાનવર છીએ. જેને થોડીઘણી ખબર છે કે આ જાળીની અંદર આપણે રહીએ છીએ એટલે આપણે કેદમાં પુરાયેલા છીએ, પરંતુ તે તો માત્ર વિચારે છે કે જંગલમાં કોઈ કેદખાનું ન હોય તો આપણે કેવું સુખી જીવન જીવી શકીએ ! તે તો માત્ર સ્વતંત્રતા અને સુખના સ્વપ્નમાં જ રાચે છે, તેનો કોઈ પુરુષાર્થ કે પ્રયત્ન નથી, તો એ કેદમાંથી કેવી રીતે મુક્ત થઈ શકે ?
આપણા માનવીઓનું પણ કાંઈક આવું જ છે. મોટા ભાગના માનવીઓ એ માનતા જ નથી કે આપણે કર્મની કેદમાં પુરાયેલા છીએ. જેને ભૌતિક સંપત્તિ મળી છે તે તેની સુખ-સગવડો ભોગવવામાં મસ્ત છે. અને જેની પાસે સંપત્તિ કે સગવડો નથી એ તે મેળવવા આંધળી દોટ મૂકે છે. જેમ સિંહોએ પોતપોતાનાં અલગ મંડળ બનાવ્યાં છે તેમ આપણે સૌ ધર્મ, પ્રાંત, ભાષા, રુચિ પ્રમાણે આપણા મંડળો બનાવીને તેમાં જ રાચીએ છીએ.
સેવા કરવાની સાથે આપણને સત્તાનો મદ ચડી જાય તેની આપણને ખબર પણ નથી રહેતી. આપણે માનીએ છીએ કે આપણામાં દાનભાવના છે. આપણે વ્રત અને તપ પણ કરીએ છીએ પણ આપણને જાણ પણ નથી હોતી એ રીતે આપણામાંની આ પવિત્ર ભાવનાઓ પર પ્રછન્ન અહંકાર હાવી થઈ ગયો હોય છે. સત્તા અને સંપત્તિ મેળવવાની સાઠમારીમાં આપણે આર્તધ્યાન અને રૌદ્રધ્યાનમાં રહીએ છીએ અને તે રાગદ્વેષમાં કર્મબંધન કર્યા કરીએ છીએ.
એકાંતમાં બેઠેલો એકલા સિંહે નવાગંતુક સિંહને જાળી બતાવે છે તે કેદ-જેલનો નિર્દેશ કરી કહે છે કે, આનો અભ્યાસ કરી આ કેદની બહાર નીકળવાનો પુરુષાર્થ કરવાની જરૂર છે. આ સિંહની જેમ સંતો કર્મની કેદમાંથી મુક્ત થવાનું સતત ચિંતન કરી આપણને કર્મબંધન તોડી મુક્તિનો માર્ગ બતાવે છે. જો આપણે આચરણ કરીએ તો કર્મની કેદમાંથી મુક્તિ મળશે.