ત્રણ પ્રકારના ઋણ ગણાય છે, દેવઋણ, ઋૂષિઋણ અને પિતૃઋણ
- દેહનો સાથ છોડીને વિદાય થઈ ગયેલ આપણા સ્વજનોનો જીવાત્મા શ્રાધ્ધના દિવસો આવતાં જ હૃદયની હૂંફ મેળવવા પિતૃલોકમાંથી આવીને આપણી પાસે તૃપ્તિની ઝંખના કરે છે. શ્રાધ્ધનું મૂળ તત્વ શ્રધ્ધા છે
શ્રી મદ્ ભગવદ્ગીતાના પંદરના અધ્યાયમાં (૮-૯) શ્રી કૃષ્ણ સમજાવે છે કે 'દેહનો સ્વામી જીવાત્મા જ્યારે એક શરીર છોડીને બીજા શરીરમાં જાય છે ત્યારે જેવી રીતે વાયુ પોતાની આજુબાજુના પદાર્થોની ગંધ-દુર્ગંધને સાથે લઈને આગળ વધે છે એમ જીવાત્મા પણ છોડેલા શરીરની વાસનાઓ, મન અને ઇન્દ્રિયોની અધૂરી ઇચ્છાઓની ગંધ સાથે લઈને બીજા શરીરમાં જાય છે. 'મર્યા પછી દેહ તો છૂટે છે પણ વાસનાઓ જીવતી રહે છે. કોઈ કંજૂસ પાસે એનું ધન સચવાઈ રહે એમ જીવાત્મા પાસે એની વાસનાઓ અકબંધ રહે છે.
દેહનો સાથ છોડીને વિદાય થઈ ગયેલ આપણા સ્વજનોનો જીવાત્મા શ્રાધ્ધના દિવસો આવતાં જ હૃદયની હૂંફ મેળવવા પિતૃલોકમાંથી આવીને આપણી પાસે તૃપ્તિની ઝંખના કરે છે. શ્રાધ્ધનું મૂળ તત્વ શ્રધ્ધા છે. (શ્રધ્ધયા ક્રિયતે યત્તત્ શ્રાધ્ધમ્) આમ શ્રાધ્ધ એટલે પિતૃઓની તૃપ્તિ માટે એમની શાંતિ માટે પૂરી શ્રધ્ધાથી કરાતી તર્પણ ક્રિયા-શ્રાધ્ધ દિવસે વસુ, રૂદ્ર અને આદિત્યના પ્રતિનિધિરૂપ પિતા-પિતામહ પ્રપિતામહ કે માતા, પિતામહી, પ્રપિતામહીને આમંત્રિત કરવામાં આવે છે. જેમની મૃત્યુતિથિ યાદ ના હોય તેમનું શ્રાધ્ધ અમાસના દિવસે થાય છે. કારણકે અમાસને પિતૃતિથિ કહેવામાં આવે છે. શ્રાધ્ધમાં જે ખવડાવવામાં કે પીવડાવવામાં આવે છે એ જેમ છે તેમ એ જ પ્રકારે મૃત પિતૃઓને નથી મળતું પણ એ પિતૃઓ જે યોનિમાં હોય તેને તે જ પ્રમાણમાં અને માત્રામાં મળે છે. શાસ્ત્ર પ્રમાણે ત્રણ પ્રકારના ઋણ ગણાય છે. દેવઋણ, ઋૂષિઋણ અને પિતૃઋણ અહીં ત્રણ શબ્દનો અર્થ થાય છે. એમના તરફ આપણા કર્તવ્યની જવાબદારી.
પૂરી શ્રધ્ધાથી અને પ્રામાણિકતાથી અલગ-અલગ રીતે પિતૃઋણ ચુકવ્યાના અકલ્પ્ય દૃષ્ટાંતો જોવા મળે છે. રવીન્દ્રનાથ ટાગોરના પિતાનું નામ દેવેન્દ્રનાથ હતું. દેવેન્દ્રનાથના સ્વર્ગીય પિતાએ એકવાર અનાથાલયની એક સંસ્થાને આર્થિક મદદ કરવાનું વચન આપ્યું પણ એ વચન પૂરૃં કરતાં પહેલાં એમનું મૃત્યુ થયું. દેવેન્દ્રનાથ પિતાજીએ આપેલા વચનથી વાકેફ હતા. પણ એમની પાસે એટલી મૂડી હાથ પર નહોતી. છેવટે દેવેન્દ્રનાથે પિતાના વચન ખાતર પોતાની જમીન વેચીને એક લાખ રૂપિયા જેટલી રકમ અનાથાલયને ભેટ આપી.
આવી જ બીજી એક ઘટના દેશબંધુ ચિતરંજનદાસના જીવનમાં પણ બની હતી. એમના પિતા ભુવનમોહનદાસ તેમના એક ખાસ મિત્ર માટે ૬૭૦૦૦ રૂપિયાની લોન માટે જામીન બન્યા હતા. મિત્રની આર્થિક હાલત કફોડી હતી. ભુવન મોહનદાસ પાસે પણ એટલા રૂપિયા નહોતા. કે દેવું ભરી શકે ! છેવટે એમણે ઇ.સ.૧૯૦૬માં કોર્ટમાં નાદારી નોંધાવી. સમાજમાં આબરૂ ઘટતી ગઈ. પણ ગરીબી આગળ તેઓ લાચાર હતા. દેશબંધુ ચિતરંજનદાસે કુટુંબની ગરીબી જોઈ હતી. ઘરની હાલત બદતર હતી. છતાં ઇ.સ.૧૯૧૩માં એમણે દેવું ચુકતે કર્યું. અને કોર્ટમાં એક અરજી કરી કે પિતાજીનું દેવું ભરપાઈ થઈ ગયું છે માટે હવે એમનું નામ દેવાળિયાની યાદીમાંથી કાઢી નાખવામાં આવે. એ વખતે ન્યાયમૂર્તિ ફલેયર હતા. એમણે આ વાતની ખાસ નોંધ લીધી. 'જો કે આ પ્રમાણે રૂપિયા આપવા માટે કાયદાનું કોઈ બંધન નથી હોતું. વળી આ દેવું દેશબંધુ ચિતરંજનદાસનું નહિ તેમના પિતાનું હતું. છતાં પિતૃભક્તિને વશ એક પુત્રએ પિતાની આબરૂ પાછી મેળવી દેવું ચુકતે કર્યું છે. આ એક પ્રકારનું અનોખું શ્રાધ્ધ છે. પિતૃભક્તિનું મેં જોયેલું આ અસાધારણ ઉદાહરણ છે.
જે સારા કર્મોથી માતાપિતાને તૃપ્ત કરી ખુશ કરે છે એ જ સાચો પુત્ર (કે પુત્રી ) છે. (પ્રીણાતિ યઃ સુચરિતૈ ઃ પિતરોસ પુત્રઃ) શ્રાધ્ધ સ્વીકારતાં પહેલાં જે પિતૃઓને સંતાનની આંખોમાં છલોછલ પ્રેમ દેખાય એ પોતાને સન્માનિત અનુભવી તૃપ્ત થઈ જાય છે. નિરાશ્ચિત પ્રેતની માફક કણસતા જીવાત્માની અધૂરી રહી ગયેલી વાસનાઓને કેદમાંથી મુક્તિ અપાવવાનું કામ જ્યારે વારસદારો કરે છે ત્યારે શ્રાધ્ધમાં થતું દાન તેમના સુધી પહોંચ્યા વગર રહેતું નથી. માતા-પિતાના હૈયાને 'હાશ' કરાવનાર સંતાન કોઈ પણ વ્રત કર્યા વગર, કોઈ ઉપવાસ કર્યા વગર, કોઈ તીર્થ કે મંદિરમાં ગયા વગર. કોઈ દાન-દક્ષિણા આપ્યા વગર પણ મુક્તિનો હક્કદાર થઈ જાય છે. કારણ મુક્તિનો અર્થ જ છે. પિતૃઓની બાકી રહી ગયેલી જવાબદારી પૂરી કરવી. Emancipation means responsibility.
એક વિદ્વાન પતિની અધૂરી ઇચ્છા પૂરી કરીને તર્પણ કરવાનું દૃષ્ટાંત બંગાળના પ્રતાપચંદ્રરોયનું છે. તેમણે મહાભારતના ગ્રંથનું બંગાળી ભાષામાં અનુવાદ કરવાનું શરૂ કર્યું. અશ્વમેધ-પર્વ સુધી કામ થયું પછી એમની તબિયત બગડી. તેમણે પત્ની સુંદર બાલાને કહ્યું- 'મારા મૃત્યુ બાદ ભલે મારૃં શ્રાધ્ધ ના કરશો પણ ગમે તેમ કરીને આ ગ્રંથને પૂર્ણ કરાવી તેને પ્રકટ જરૂર કરજો. અને એમ જ થયું પત્ની સુંદર બાલાએ એ મહાભારતનો અનુવાદ પૂરો કરાવી પ્રકટ કર્યો. એક પત્નીએ પતિની અધૂરી ઇચ્છા પૂરી કરી શ્રાધ્ધ કર્યું.
- સુરેન્દ્રશાહ