Get The App

શિક્ષાપત્રીના ત્રણ વાક્યો આપણે જીવનમાં ઉતારીએ તો, ભારત દેશનો સુપર ફાસ્ટ ગતિએ સર્વાંગી વિકાસ થાય

Updated: Jan 29th, 2025


Google NewsGoogle News
શિક્ષાપત્રીના ત્રણ વાક્યો આપણે જીવનમાં ઉતારીએ તો, ભારત દેશનો સુપર ફાસ્ટ ગતિએ સર્વાંગી વિકાસ થાય 1 - image


- વસંતપંચમીએ શિક્ષાપત્રી ગ્રંથના પ્રાદુર્ભાવનો 200મા વર્ષમાં મંગલ પ્રવેશ

- જો આપણે સ્વચ્છતા જાળવીશું, તો આપણે સ્વસ્થ રહીશું... કહેવાય છે કે, ગંદુ ગામ, રોગનું ધામ.

છ ઋતુઓમાં વસંતને 'ઋતુરાજ'ની ઉપમા આપવામાં આવી છે. ઋતુરાજ વસંતના પ્રેમાળ સ્પર્શથી નિસર્ગ ખીલી ઉઠે છે. મહા સુદ પાંચમના દિનથી વસંતનું આગમન થાય છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન વસંતના ઉત્સવને ઉત્સાહથી ઉજવતા. વસંત પંચમીના શુભ દિને જ વડતાલમાં સ્વામિનારાયણ સંપ્રદાયના અજોડ ગ્રંથ શિક્ષાપત્રીનું પ્રાગટય થયું છે.

આજથી ૧૯૯ વર્ષ પહેલાં સમાજમાં પ્રવર્તતા કુરિવાજો, અંધશ્રદ્ધા, વ્હેમ, વ્યસન વગેરે સામેના રણ સંગ્રામમાં નિસ્તેજ થઈ ગયેલા અસંખ્ય માનવીઓના જીવનમાં પ્રાણ ફૂંકવા પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને ૨૧૨ શ્લોકમાં સર્વજીવોનું હિત કરે તેવો ઉપદેશ આપ્યો છે. આ ઉપદેશનો અદ્દભૂત ગ્રંથ એટલે જ શિક્ષાપત્રી.

સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું છે કે, શ્રી સ્વામિનારાયણ ભગવાને લખેલી શિક્ષાપત્રી પ્રમાણે સમાજ વર્તે તો દેશમાંથી પોલીસ થાણા તથા સર્વ પ્રકારની કોર્ટો ઉઠાવી લેવી પડે.

- શિક્ષાપત્રી એટલે સ્વામિનારાયણ સંપ્રદાયનું બંધારણ. આ મહામૂલ્ય શિક્ષાપત્રીનો એકે એક શ્લોક અગત્યનો છે. દરેક શ્લોકમાંથી નવું નવું શીખવા મળે છે. પરંતુ આપણે અત્રે ૨૧૨માંથી માત્ર ત્રણ જ ઉપદેશ ઉપર વિચાર કરીને જો તેને અમલમાં મૂકીશું ને તો પણ ભારત દેશનો સુપર ફાસ્ટ ગતિએ સર્વાંગી વિકાસ થઈ શકે તેમ છે. તો આવો આપણે ટૂંકમાં ત્રણ ઉપદેશો ઉપર વિચાર કરીએ.

૧. વ્યસન અને વ્યભિચારનો ત્યાગ કરવો : (શિક્ષાપત્રીના શ્લોક - ૧૮)

વ્યસન એટલે શું? કોઈ પણ પ્રકારનું બંધન કે, તેના વગર રહેવાય નહીં એને વ્યસન કહેવાય છે. વ્યસન એટલે એક જાતની કુટેવ.

પહેલા માણસ ટેવ પાડે છે, અને પછી ટેવ માણસને પાડે છે.

પાંચસો વર્ષમાં એમ કહેવાય છે કે, ૧૫૦ કરોડ માણસો તો માત્ર તે માત્ર તમાકુના કારણે જ મર્યા છે. બીજા વ્યસનના કારણે તો અલગ.

રિસર્ચ કહે છે કે, એક સિગારેટ પીનાર પોતાનું ૬ મિનિટનું આયુષ્ય ઘટાડે છે. ભારતમાં નિત્ય સૂરજ ઉગે છે અને વ્યસનના કારણે નિત્ય ૩૦૦૦ માણસોનો દિવસ આથમી જાય છે એટલે કે, મૃત્યુને ભેટે છે.

સાધુતાની મૂર્તિ સદ્દગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી એમ કહેતાં કે, ''ભગવાને રોટલા આપ્યાં છે, તો રોટલા ખાવ, વધુ પૈસા આપ્યા હોય તો કાજુ-બદામ ખાવ, પરંતુ ગુટકા, તમાકુ શું કાં ખાવ છો ? ગુટકા અને તમાકુ કરતાં કાજુ-બદામ સસ્તા છે, ગુટકા-તમાકુ એ તો પૈસા અને શરીર બેય બગાડે.... વ્યસન એ તો ઝેર છે, તેનાથી દૂર જ સારાં.''

ગુટકા, તમાકુ, દારુ આ બધા વ્યસનો તો હવે જૂના થતાં જાય છે, હવે તો આજના ઘણા યુવાનો અને યુવતીઓ ડ્રગ્સ લેતી થઈ છે, પરંતુ એ ડ્રગ્સ લેશે તો પછી પોલીસ એમને (જેલમાં) અંદર ક્યારે લઈ લેશે? અને યમરાજ એમને ક્યારે ઉપર લઈ લેશે એ પણ એમને ખબર નહીં પડે માટે સાવધાન થવું અતિ આવશ્યક છે.

હવે, આ વ્યસન વિશે શું વધુ કહેવું? સમજદાર કો, તો ઈશારા હી કાફી....

બીજી મહત્ત્વની વાત છે કે, વ્યભિચાર ના કરવો... આજે બહેન દિકરી સલામત છે ? બહેન દિકરી સ્હેજ રાત્રે મોડી પડે તો ? દરેક માતાપિતાને ક્યો વિચાર આવે છે ? શું ચિંતા થાય છે ? કદાચ મારી દીકરીને ઉપર કોઈની કુદ્રષ્ટિ તો નહીં પડી હોય ને ? આવું સમાજમાં ના થાય એટલા માટે શ્રી સ્વામિનારાયણ ભગવાને એક જ વાક્યમાં કહ્યું છે કે, ''સંસારમાં પોતાની સ્ત્રી સિવાય, બાકી દરેક સ્ત્રીમાં પોતાની બહેન, દિકરી અને માતાનો ભાવ રાખવો.'' જો આપણે આટલું શીખી જઈએ તો, ભારતની દરેક મહિલા સુરક્ષિત બની જાય. અને ભારતની દરેક મહિલા સુરક્ષિત બનશે તો તેમાં તમારી બહેન-દિકરી પણ સુરક્ષિત બનવાની જ છે. તો આપણે ક્યારેય કોઈ સ્ત્રી ઉપર વ્યભિચાર ત શું ? કુદ્રષ્ટિ પણ ના કરવી જોઈએ... જો આવી રીતે બહેન દિકરોએ સ્વયં સુરક્ષિત બનશે, તો દેશ ઉપરથી સંરક્ષણ ખાતાનો ઘણો બધો ખર્ચ ઘટી જશે અને તેનો લાભ આપણ સહુને મળશે.

૨. સ્વચ્છતા જાળવીએ :- (શિક્ષાપત્રીના શ્લોક - ૩૨) જાહેર સ્થળે મળમૂત્ર કરવું નહિ, જ્યાં ત્યાં થૂકવું નહિ. નદી, તળાવ, મંદિરો જેવા જાહેર સ્થળોએ કોઈપણ રીતે ગંદકીના કરવી જોઈએ.

જો આપણે સ્વચ્છતા જાળવીશું, તો આપણે સ્વસ્થ રહીશું... કહેવાય છે કે, ગંદુ ગામ, રોગનું ધામ.

શા માટે આપણે જાહેર સ્થળોએ ગંદકી કરીએ છીએ. તમો તમારા ઘરની દિવલો ઉપર પાનની પિચકારી મારો છો ? ઘર ચોખ્ખું રાખવું છે ? તો ગામ અને શહેર કે દેશને ચોખ્ખો નથી રાખવો ? જો આપણે ગામમાં કે શહેરમાં જ્યાં ત્યાં પિચકારીઓ મારતાં હોઈએ, ત્યાં ગંદકી કરતાં હોઈએ તો, મતલબ થયો કે, આપણે આપણા દેશને, આપણો પોતાનો દેશ માન્યો જ નથી.

હા, આપણે બેઠા-બેઠા અમેરીકા, યુરોપ બહુ જ ક્લીન દેશો છે, તેની લાંબી લાંબી વાતો કરીએ છીએ, ભરપેટ વખાણ કરીએ છીએ ? ખરેખર, આપણે તેને લાયક છીએ ખરા ? આપણા દેશમાં રહીને, આપણે જ ગંદકી કરવી છે,... જે દેશ આપણું પોષણ કરે છે, જે દેશમાં રહેવું છે, ત્યાં થુંકવું છે અને બીજા દેશના ગુણગાવા છે. આપણે ખરેખર ! વિચાર કરવા જેવો છે.

આપણા ભારત દેશના વડાપ્રધાનશ્રીને બીજા સ્થળો તો ઠીક, મંદિરો સફાઈ કરવા માટે અભિયાન ચલાવવંી પડે. સૌને ભલામણ કરવી પડે. આ કેટલું યોગ્ય કહેવાય ? બસ, આપણે સહુ કોઈએ એક સમજદાર નાગરીક બનવાની જરૂર છે.

- માણસ સુધરે તો, ઘર સુધરે તો, ઘર સુધરે તો ગામ સુધરે, ગામ સુધરે તો શહેર સુધરે, શહેર સુધરે તો રાજ્ય સુધરે, અને રાજ્ય સુધરે તો દેશ સુધરે એટલે કે, અત્ર, તત્ર, સર્વત્ર સુધારો દેખાશે... આપણે આપણા ભારત દેશને સ્વચ્છ બનાવવો છે ને ? તો, બસ, એની શરૂઆત આપણાથી, આપણા ઘરથી કરીશું... સૌ સ્વચ્છતા સ્વંય પાળે તો સરકારનો કરોડો રૂપિયાનો ખર્ચ બચી જશે અને એ ધન આપણા સહુના સ્વાસ્થ્ય માટે સમાજ માટે વપરાશે અને આપણને જ સુખની પ્રાપ્તિ થશે.

૩. લાંચ ના લેવી :- (શિક્ષાપત્રીના શ્લોક - ૨૬) વ્યવહાર કાર્યને વિષે લાંચ ના લેવી....

સાપ્રંત સમયમાં દરેક વ્યક્તિઓના મુખમાંથી શબ્દો નિકળતા હોય છે કે, આપણા દેશમાં કોઈ કામ થતું જ નથી. ધક્કા ખાઈ-ખાઈને પગ ઘસાઈ જાય છે. જ્યારે પરદેશમાં ઘરે બેઠા ઓનલાઈન દરેક કામ થઈ જાય છે... કેમ ? આપણે આવા શબ્દો બોલવા પડે છે ? કેમ આવા શબ્દો વારંવાર સાંભળવા મળે છે. આપણા દેશમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની ઉપર કહેલી આજ્ઞાા કે, ''વ્યવહાર કાર્યને વિષે લાંચ ના લેવી'' તેનો અમલ થતો નથી માટે જ ને ? દેશની મોટામાં મોટી બદી તરીકે પણ આ લાંચ - ભ્રષ્ટાચારને જ માનવામાં આવે છે. તો આપણે સહુ એ વિચાર કરવો જોઈએ કે, આપણે કે આપણા ઘરના પરિવારના સભ્યોમાં આ બદીએ પ્રવેશ નથી કર્યો ને ? ઘરમાં અણહક્કનો પૈસો આવશે, એ ત્યારે મીઠો લાગશે પણ પછી એ કડવું ઝેર જેમ નાશને નોતરે છે, તેવું જ પરિણામ આપશે... તેથી દેશના હિતેચ્છુ દરેક નાગરિક આ લાંચની બદીથી દૂર રહેવાની જરૂર છે.

શ્રી સ્વામિનારાયણ ભગવાને લખેલી શિક્ષાપત્રી ગ્રંથનો પ્રાદુર્ભાવ થયો તેને તા. ૨ ફેબ્રુઆરી ને રવિવારના રોજ ૨૦૦મા મંગલ પ્રવેશ થશે. તો વાચકમિત્રો આ શિક્ષાપત્રીના ૨૧૨ શ્લોકમાંથી આપણા જીવનમાં માત્ર આપણે ત્રણ જ ઉપદેશનો અમલ કરવાનો પણ જો શરૂઆતમાં આપણે પ્રયત્ન કરીશું તો આપણા સહુનું જીવન સુખમય બની જશે. અને સાથે સાથે એક સારા સમાજનું ઘડતર કરવામાં પણ આપણે નિમિત્ત બની શકીશું. ખરેખર આ શિક્ષાપત્રી વાંચવા, વિચારવા અને જીવનમાં ઉતારવા જેવો ગ્રંથ છે.

- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ

Dharmlok

Google NewsGoogle News