જ્ઞાની ભક્ત ઉદ્ધવ .
શ્રીમદ્ ભાગવત એ ભક્તિ રસ પ્રગટ કરવાવાળું શાસ્ત્ર છે, અને એ ભક્તિ પણ જ્ઞાન-વૈરાગ્ય સહિત પ્રગટ કરે છે. શ્રીમદ્ ભાગવતજીમાં ભક્તિનું સ્વરૂપ એ ગોપીજનોની અંદર જોવા મળે છે અને બીજું ભક્તિનું સ્વરૂપ ઉદ્ધવજીની અંદર જોવા મળે છે. શ્રીમદ્ ભાગવત દશમ સ્કંધમાં ઉદ્ધવજી ચાર સ્વરૂપે પ્રગટ થાય છે. જેમાં પ્રથમ તો વૃષ્ણી વંશના મંત્રી છે. શ્રીકૃષ્ણ ભગવાનના સખા છે. બૃહસ્પતિજીના શિષ્ય છે અને ભગવાનના ભક્ત છે. બૃહસ્પતિજીના શિષ્ય છે એટલે જ્ઞાની પણ છે અને વ્રજભૂમિમાં ભક્તિનું સ્વરૂપ સમજ્યા એટલે ભગવાના ભક્ત પણ છે. વૃષ્ણી વંશના મંત્રી છે અર્થાત્ યદુ વંશને વૃષ્ણી વંશ કહેવામાં આવતો હતો. માટે વૃષ્ણી વંશના મંત્રી એવો શબ્દ પ્રયોગ કર્યો છે. યદુ વંશમાં પણ ઘણાબધા વિભાગો હતા જેમાં વૃષ્ણી, શૌરી, સાત્વત, અંધક, ભોજ અને મધુવંશી. આવી રીતે યદુકુળને સંબોધવામાં આવતું હતું અને ઉદ્ધવજી એ જ યદુકુળમાં અવતર્યાં હતાં. એમનું સ્વરૂપ શ્રીકૃષ્ણ ભગવાન જેવું જ હતું. જ્યારે ઉદ્ધવજી પિતાંબર પહેરે ત્યારે શ્રીકૃષ્ણ ભગવાન જેવા જ દેખાય. એટલું જ નહિં પણ ભક્તિમાર્ગના અચાર્ય એ ઉદ્ધવજી બન્યા છે. જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ ધામમાં જતા હતા ત્યારે ઉદ્ધવજી ભગવાનને શરણે આવ્યાં. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ ઉદ્ધવજીને કહ્યું કે, હે ઉદ્ધવ ! જે શ્રાપ યદુ વંશને લાગ્યો છે એ શ્રાપમાંથી હું તમને મુક્ત કરું છું. તમારે ભૂતલ ઉપર રહી ભાગવત ધર્મનો પ્રચાર-પ્રસાર કરવાનો છે. શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને જ્ઞાન આપ્યું એ ઉદ્ધવ ગીતાના નામે પ્રસિદ્ધ થયું. ભગવાન શ્રીકૃષ્ણએ ઉદ્ધવજીને પાદુકા આપી. રામાઅવતારમાં ભગવાન શ્રીરામજીએ શ્રી ભરતજીને પાદુકા આપી અને કૃષ્ણાવતારમાં ભગવાન શ્રીકૃષ્ણએ ઉદ્ધવજીને પાદુકા આપી. પાદુકા આપી ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું કે, તમે ભાગવત ધર્મનો પ્રચાર-પ્રસાર કરવા બદ્રીનાથ જાવ. અહીં ઉદ્ધવજીએ ભગવાન શ્રીકૃષ્ણને પ્રશ્ન કર્યો કે ઘોર કલિકાળ આવે છે. આ કળિયુગમાં અમને તમારા દર્શન કેવી રીતે થશે? અમે તમને ક્યાં શોધીશું? ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું કે હે ઉદ્ધવ ! હું મારું સમગ્ર તેજ ભાગવતજીમાં પધરાવું છું. તમારે મને શોધવો હોય તો ભાગવતમા તમને મારા દર્શન થઈ જશે. ઉદ્ધવજી એ ભગવાનના ભક્ત એની સાથે સાથે શ્રીમદ્ ભાગવતજીના પ્રચારક પણ છે. ઉદ્ધવજીએ શ્રીમદ્ ભાગવતજીની કથા વ્રજભૂમિમાં કુસુમ સરોવર ઉપર કરી. જેનો ઉલ્લેખ સ્કંધ પુરાણના વૈષ્ણવ ખંડમાં છે. જ્યારે ઉદ્ધવજીએ ભાગવતજીનો આરંભ કર્યો ત્યારે પરિક્ષિત મહારાજને ઉદ્ધવજીએ કહ્યું કે તમે દિગ્વિજ્ય કરવા માટે થઈને જાવ. પરિક્ષિત મહારાજે ઉદ્ધવજીને પ્રશ્ન કર્યો કે મને ભાગવતનો લાભ ક્યારે મળશે? ત્યારે ઉત્તર આપતાં ઉદ્ધવજીએ કહ્યું કે તમે તો ભાગવતજીના મુખ્ય શ્રોતા થશો. આ ભાગવતજી તમારા માધ્યમથી જ ભૂતલ ઉપર પ્રગટ થશે. એ પછી ભાગવતજીના ઉત્તમ શ્રોતા પરિક્ષિત મહારાજ થયા.
શ્રીમદ્ ભાગવતજીના તૃતિય સ્કંધના બીજા અધ્યાયમાં વિદૂરજી અને ઉદ્ધવજીના સંવાદનું વર્ણન છે. ઉદ્ધવજી પણ ભગવાનના ભક્ત છે અને વિદૂરજી પણ ભગવાનના ભક્ત છે. ઉદ્ધવજીએ ભગવાન શ્રીકૃષ્ણના સ્વભાવનું વર્ણન વિદૂરજીને કહ્યું કે હે વિદૂર ! ભગવાનનો સ્વભાવ એવો છે કે પૂતના એના સ્તનમાં વિષ હતું. એ ભગવાનને મારવા આવી હતી પણ ભગવાને એને તારી. ભગવાન જેને મારે એને તો ભગવાન તારે. પણ જે ભગવાનને મારવાનો પ્રયત્ન કરે એને પણ ભગવાન તારે. આટલો ભગવાનનો દયાળુ સ્વભાવ છે. આવા ભગવાનના સ્વભાવનું સુંદર વર્ણન ઉદ્ધવજીએ કર્યું.
ભાગવતજીમાં ઉદ્ધવજી અને ગોપીજનોનો સંવાદ ખૂબ પ્રસિદ્ધ છે અને એ સંવાદના આધારે પદ પણ લખાયું કે, માને તો મનાવી લેજો રે... હે ઓધાજી મ્હારા વાલાને વઢીને કહેજો રે... આવું ભક્તિનું સ્વરૂપ ઉદ્ધવજીના જીવનમાં જોવા મળે છે. ઉદ્ધવજીના આ સમગ્ર પ્રસંગથી સમજાય કે જીવનમાં જ્ઞાન સહિત ભક્તિ આવે તો એ ભક્તિ પ્રભુપદ સુધી પહોંચાડે. એટલે જ તો અહીં અવિનાશભાઈ વ્યાસ સાહેબની સુંદર રચના મને સ્મરણ થાય છે કે, બે ફૂલ ચઢાયે મૂર્તિ પર, પ્રભુ નહિં મળે સસ્તામાં, ઈશ્વર પડયો નથી રસ્તામાં; કૃષ્ણની પાસે જવું હોય તો થાવું પડે સુદામા..તો આવો, ભક્તિ પરાયણ બની આપણા જીવનને ધન્ય બનાવીએ. એ જ અભ્યર્થના સાથે અસ્તુ!
- પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ જોષી